41.75 ટકા મતદાન સાથે છ મહાનગપાલિકાઓની ચૂંટણી પૂરી, 23મી ફેબ્રુઆરીએ મતગણતરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની 575 બેઠકો માટે ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 41. 75 ટકા મતદાન થયું છે.

અમુક ફરિયાદો સિવાય તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. ઓછું મતદાન થવાને કારણે રાજકીય પક્ષોને ખૂબ મહેનત કરવી પડી હતી.

575 બેઠકોમાં ભાવનગરની 52, જામનગરની 64, સુરતની 120, અમદાવાદની 191, વડોદરાની 76, રાજકોટની 72 બેઠકો સામેલ છે. કોરોનાકાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં ખૂબ ઓછું મતદાન જોવા મળ્યું હતું. આ મતદાન 2015ની ચૂંટણીઓ કરતાં ઓછું છે અને ગુજરાતમાં નાગરિકોએ મતદાન કરવામાં ઉત્સાહ નથી દાખવ્યો.

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ બુથ પર હેન્ડ ગલ્વઝ, સૅનેટાઈઝર અને થર્મલ ગનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી તથા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લોકોએ મતદાન કર્યું હતું.

મતદાન માટે 25 હજારથી વધુ સુરક્ષાકર્મીઓનો ચૂંટણી બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો હવે 23મી ફેબ્રુઆરીએ મતગણતરી છે. વડોદરામાં વૃદ્ધ મતદારોને મતદાનમથક સુધી પહોંચાડવામાં મદદ કરતી પોલીસની 'શી' ટીમ નજરે પડી હતી.

આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે અને 2જી માર્ચે તેની મતગણતરી થશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે બે બાબતો રસપ્રદ છે. કેમ કે આ વખતે મુકાબલો માત્ર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે નથી. આ વખતે અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’અને અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ એઆઈએમઆઈએમ પણ મેદાને છે.

અમદાવાદમાં આચારસંહિતા ભંગની ફરીયાદ, રાજકોટમાં આપ કાર્યકર પર હુમલો

આજે મતદાન દરમિયાન ઈવીએમ ખોટકાવાંની તથા આચારસંહિતા ભંગની ઘટનાઓ પણ બની. અમદાવાદમાં આચારસંહિતાના ભંગ અંગે 12 વાગ્યા સુધીમાં ત્રણ ફરિયાદ મળી છે. અમદાવાદના કલેક્ટર સંદિપ સાગલેએ બીબીસીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખને સંબંધિત જાણકારી આપી છે.

ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં તથા ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સુરતમાં મતદાન કર્યું હતું.

કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી રાજકોટ જઈ મતદાન કર્યું હતું. જોકે, વિપક્ષ કૉંગ્રેસે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સામે સરકારી હેલિકૉપ્ટરના દુરુપયોગની ફરિયાદ પણ નોંધાવી છે.

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો થતાં માહોલ ગરમાયો હતો.પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અજયસિંહે બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું કે "દસેક લોકો પાછળથી આવ્યા અને તેમણે પાછળથી આવીને મને પકડ્યો અને મને હાથ પર ઇજા પહોંચી છે."

"મને ખ્યાલ ન આવ્યો કે એ કોણ લોકો હતા. તે બધાએ ભેગા થઈને માર્યો. હું ભાગી ગયો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો