અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકા : જનતા ગુસ્સામાં છે કે નિરાશ, ઓછું મતદાન કોને ફળશે અને કોને નડશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છ મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 41. 75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સરેરાશ મતદાન 38.73 ટકા, રાજકોટ 45.74 ટકા, સુરત 42.72 ટકા, વડોદરા 42.82 ટકા, ભાવનગર 43.66 ટકા છે તો જામનગર 49.64 ટકા મતદાન થયું છે.

આ મતદાન 2015ની ચૂંટણીઓ કરતાં ઓછું છે. 2015માં યોજાયલી 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું હતું.

2015ની સરખામણીમાં પાર્ટીઓનાં પ્રયાસો અને બે નવી પાર્ટીની એન્ટ્રી છતાં લોકોને મત આપવામાં રસ પડ્યો નથી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર 22 નવેમ્બર 2015ના રોજ છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 47 ટકા મતદાન થયું હતું. 2010માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 43.68 ટકા મતદાન થયું હતું. 2015માં સૌથી વધુ મતદાન જામનગરમાં 50 ટકા થયું હતું, જે બાદ બીજા નંબરે ભાવનગરમાં 49 ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં 47 ટકા જ્યારે વડોદરામાં 43 ટકા લોકોએ મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. સુરતમાં 42 ટકા મતદાન થયું હતું.

અમિત શાહના નારણપુરામાં 31. 24 ટકા મતદાન

આમ અગાઉની સરખામણીમાં ગુજરાતમાં નાગરિકોએ મતદાન કરવામાં ઉત્સાહ નથી દાખવ્યો. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુધી અનેક નેતાઓએ મતદાનની અપીલ કરી હતી પરતું લોકોનો ખાસ પ્રતિસાદ મળ્યો નથી.

ગૃહમંત્રી અમિત શાહે આજે નારણપુરામાં મતદાન કર્યું હતું અને કહ્યું હતું કે "આજે ભારે સંખ્યામાં ગુજરાતના મતદારો મતદાન કરશે અને અંતે વિજય ભાજપનો થશે."

એમણે એમ પણ કહ્યું હતું કે, "આ ચૂંટણી પછી ગુજરાત ભાજપના મજબૂત ગઢ તરીકે પ્રસ્થાપિત થશે."

જોકે, અમિત શાહના મતવિસ્તાર અને ભાજપનો ગઢ ગણાતા નારણપુરામાં જ મતદાનની ટકાવારી ફક્ત 31.24 રહી છે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા સરેરાશ 41.75 ટકા કરતાં પણ ઓછી છે. ઉલ્લેખનીય છે કે આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.

રાજકોટમાં વિજય રૂપાણીના મતવિસ્તારમાં પ્રમાણમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને 50 ટકા જેટલું મતદાન થયું.

કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ લોકોને મતદાન કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કાવ્યાત્મક અંદાજમાં ટ્વીટ કરી મતદાનની અપીલ કરી અને નિરસ મતદાનને ગુલામીને નોતરવા સમાન ગણાવ્યું.

સાંજે 4 વાગ્યા સુધી પણ મતદાન નિરસ રહેતા વધારે મતદાન કરાવવા રાજકીય પક્ષો મથતા દેખાયા હતા.

લોકોનો રસ ઘટ્યો કે રોષ?

રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે, "ઓછું મતદાન સૂચવે છે કે લોકોનો ચૂંટણીમાં રસ ઘટી રહ્યો છે. મતદાન ત્યારે વધે જ્યારે લોકોમાં રોષ હોય અને તેઓ કોઈ પક્ષને હરાવવા માગતા હોય કે પછી ઉત્સાહ હોય અને તેઓ કોઈ પક્ષને વિજયી બનાવવા માગતા હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવો કોઈ માહોલ નહોતો. આ માટે સત્તાપક્ષ જ નહીં વિપક્ષની નિષ્ક્રિયતા પણ એક મોટું કારણ છે."

તેઓ વધુમાં કહે છે કે, "ઉમેદવારોની પસંદગી પણ એક મોટું કારણ હોઈ શકે છે. ઘણા મતદારો એવા હોય છે કે એમની પસંદગીનો ઉમેદવાર ન હોય તો તેઓ વોટ આપવાનું ટાળે છે."

વરિયા કહે છે કે "રાજકીય પક્ષો લોકોને સ્પર્શે એવા મુદ્દાઓ પણ ચૂંટણીમાં ઉઠાવ્યાં નથી. સ્થાનિક સમસ્યા વિશે ઓછી વાત કરવામાં આવી છે."

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે "ગુજરાતની તાસીર રહી છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની સરખામણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછું મતદાન થાય છે. આંકડા સૂચવે છે કે સામાન્ય નાગરિકો કરતાં પક્ષોનાં નિષ્ઠાવાન મતદારો વધુ બહાર આવ્યાં છે અને મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે."

જગદીશ આચાર્ય કહે છે કે, "ઓછું મતદાન સૂચવે છે કે લોકો શાસનથી નિરાશ છે. વિરોધ પક્ષે પણ સારી રીતે પ્રચાર નથી કર્યો. આ સંજોગોમાં કોને મત આપવો એ લોકો વિચારી ન શકે અને એટલા માટે કદાચ લોકો મતદાનથી અળગા રહ્યાં છે."

સામાન્ય રીતે મતદાનના દિવસની આસપાસ રજા આવતી હોય તેની અસર જોવા મળતી હોય છે ત્યારે જગદીશ આચાર્ય એ વિશે કહે છે કે, "આ વખતે એવું પણ નહોતું કે ચૂંટણીના આગલા અને પછીના દિવસે રજા છે અને લોકો વૅકેશનમાં ગયા હોય. લોકો શાસનથી નિરાશ છે અને વિપક્ષમાં કોઈ આશા ન દેખાતા તેઓ મતદાન કરવા માટે બહાર આવ્યાં નથી. પક્ષોનાં કાર્યકરો પણ મતદારોને ઘરથી બહાર લાવવામાં બહુ સફળ રહ્યાં નથી."

તેઓ વધુમાં કહે છે કે "મતદાનના આંકડા હજુ વધી શકે છે પરતું 2015થી સરખામણીમાં આ વખતે 3-4 ટકા મતદાન ઓછું છે."

રાજકીય વિશ્લેષક "જતીન દેસાઈ કહે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછું મતદાન એ ચિંતાનો વિષય છે. મતદારોની ઉદાસીનતા મોટું કારણ છે. ગુજરાત પારંપરિક રીતે ભાજપનો ગઢ રહ્યો છે અને ભાજપથી નારાજ થવા છતાં પણ મતદારો બીજા પક્ષોને મત આપી શક્તાં નથી, જેની સીધી અસર મતદાન પર થાય છે."

તેઓ વધુમાં જણાવે છે કે "જે રાજકીય સિસ્ટમ ઊભી થઈ છે તેનાથી મતદારોમાં ભાવના ઊભી થઈ છે કે મતદાન કરીને પણ કોઈ પરિણામ આવતું નથી અને એટલા માટે તેઓ મત આપવાથી અળગા રહ્યા છે."

શું ભાજપનું પેજપ્રમુખ મૉડલ ન ચાલ્યું?

સામાન્ય રીતે ઓછું મતદાન જે પક્ષની સત્તા હોય તેના માટે વધારે ચિંતાજનક ગણાતું હોય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપના પેજપ્રમુખ મોડલ ઉપર પણ ખાસી ચર્ચા થઈ હતી.

નવા પ્રમુખ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પેજપ્રમુખ અને પેજસમિતિ મૉડલ પર કામ કર્યું હતું. વડા પ્રધાન નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટલે સહિત ભાજપના બધા ટોચના નેતાઓને પેજપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

સાંસદો તેમજ ધારાસભ્યો પણ પેજપ્રમુખ બન્યા છે. ભાજપ વિવિધ જિલ્લાના દરેક વૉર્ડનાં અલગ-અલગ બૂથ અનુસાર પેજપ્રમુખ તૈયાર કર્યા છે. પરતું ચૂંટણીમાં મતદાનની ટકાવારી દર્શાવે છે કે પેજપ્રમુખ મૉડલનો બહુ લાભ મળ્યો નથી.

પેજપ્રમુખ મૉડલમાં મતદારયાદીના એક પાનામાં જેટલા મતદારો હોય તો તેમના પ્રમુખ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. એ વ્યક્તિની જવાબદારી હોય છે કે મતદાનના દિવસે પેજમાં સામેલ મતદારોને બહાર લઈ જાય અને મતદાન કરવા માટે પ્રેરિત કરે. પરતું જે પ્રકારે અમદાવાદમાં નિરસ મતદાન થયું છે તે દર્શાવે છે કે પેજપ્રમુખ મૉડલ કારગત નીવડ્યું નથી.

પેજપ્રમુખ મૉડલને જગદીશ આચાર્ય "ભાજપના એક પ્રચાર મૉડલ" તરીકે ગણાવે છે. તેઓ કહે છે કે, "આ મૉડલ પ્રચાર કરવા માટે છે જ્યાં ભાજપ દેખાડવા માગે છે કે તેમનું સંગઠન બહુ મજબૂત છે."

નરેશ વરિયા કહે છે, "પેજપ્રમુખ મૉડલ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે મને એવું લાગતું હતું કે મતદાનમાં વધારે થશે પરતું પેજ કમિટીની ચાલી નથી. પેજ કમિટીના જે દાવા કરવામાં આવ્યા હતા તે પ્રમાણે મતદાનમાં કંઈ દેખાયું નથી. ભાજપની સરખામણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનનો ચૂંટણીમાં સારી રીતે ઉપયોગ કર્યો છે."

તેઓ કહે છે કે "જો ભાજપનું પેજપ્રમુખ મૉડલ ચાલ્યું હોત તો ચૂંટણીમાં 60 ટકા કરતાં વધુ મતદાન થયું હોત પરતું આવું થયું નથી."

આપ અને એઆઈએમઆઈએમને ફાયદો થશે?

આમ આદમી પાર્ટી અને અસદ્દુદીન ઔવેસીની પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા રસાકસી જામી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પક્ષનો પ્રચાર કર્યો હતો. અસદ્દુદીન ઔવેસીએ પણ ગુજરાતમાં જાહેરસભાઓ સંબોધી હતી.

નરેશ વરિયા કહે છે કે "આપને ગુજરાતમાં બેઠકો મળી શકે છે. સુરત મહાનગરપાલિકામાં 5થી 6 બેઠકો મળી શકે છે. એઆઈએમઆઈએમને અમદાવાદના લઘુમતીબહુલ વિસ્તારોમાં બેઠકો મળી શકે છે. વડોદરામાં પણ પાર્ટી અસર કરી શકે છે."

જોકે, તેઓ માને છે કે સુરતમાં એઆઈએમઆઈએમ બહુ સફળ થશે નહીં.

જગદીશ આચાર્ય કહે છે કે, "આપ અને એઆઈએમઆઈએમ બહુ અસર નહીં કરી શકે. તેઓ કહે છે કે, બંનો પક્ષોને લોકો સ્વીકારે છે કે કેમ એની ખબર તેઓ અમુક ચૂંટણી લડે પછી વધારે સારી રીતે પડી શકે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો