You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેંગ્લુરુ : ગ્રેટા થનબર્ગની 'ટૂલકિટ' મામલે ધરપકડ થઈ એ પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવી કોણ છે?
દિલ્હી પોલીસ દ્વારા શનિવારે બેંગ્લુરુ ખાતેથી ખેડૂત આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલ ‘ટૂલકિટ’ મામલે 21 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા દિશા રવીની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં ખ્યાતનામ ઇન્ટરનૅશનલ ક્લાઇમેટ ચૅન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટર પર ખેડૂત આંદોલનને મદદ કરવાના દસ્તાવેજ તરીકે ‘ટૂલકિટ’ મૂકી હતી. જેને દિલ્હી પોલીસે ‘લોકોમાં બળવો કરાવનાર દસ્તાવેજ’ તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી હતી.
દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાર ફેબ્રુઆરીના રોજ ‘ટૂલકિટ’ના નિર્માતાઓ સામે ‘રાજદ્રોહ’, ‘ગુનાહિત ષડ્યંત્ર’ અને ‘નફરત ફેલાવવા’ના આરોપસર FIR નોંધી હતી. પોલીસનો દાવો છે કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રૅક્ટર માર્ચ દરમિયાન ફાટી નીકળેલી હિંસા ટૂલકિટમાં દર્શાવાયેલ આયોજન અનુસાર થઈ હતી.
હવે આ ટૂલકિટ મામલે દિલ્હી પોલીસ દિશા રવીની ધરપકડ કરીને તેમને રવિવાર પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
દિલ્હી પોલીસના એડિશનલ PRO અનિલ મિત્તલે કહ્યું કે, “ દિશા રવીનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. સ્પેશિયલ સેલ ગૂગલ ડૉક્યુમેન્ટ ટૂલકિટના ષડ્યંત્ર બાબતે તપાસ કરી રહ્યું છે. તેમને ખબર પડી છે કે રવીએ ટૂલકિટના એડિટરો પૈકી એક હતાં અને આ દસ્તાવેજ બનાવવા અને તેની વહેંચણીમાં તેઓ મુખ્ય કાવતરાખોર હતાં.”
કોણ છે દિશા રવી?
દિશા રવી એ માઉન્ટ કાર્મેલ કૉલેજનાં ગ્રૅજ્યુએટ છે અને તેઓ ફ્રાઇડેઝ ફૉર ફ્યુટર ઇન્ડિયાના સંસ્થાપકો પૈકી છે.
ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર એ શાળાના એવા વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ આંતરરાષ્ટ્રીય ચળવળ છે જેઓ ક્લાઇમેટ ચૅન્જ અંગે રાજકારણીઓ પગલાં લે તેની માગણી સાથે પ્રદર્શન કરવા માટે સ્કૂલ સ્કિપ કરે છે.
નોંધનીય છે કે આ ચળવળ વર્ષ 2018 પછી વધુ પ્રખ્યાત બની. શરૂઆતમાં ગ્રેટા થનબર્ગ સ્વિડનની સંસદ સામે દર શુક્રવારે ક્લાઇમેટ ચૅન્જ અંગે પગલાં ભરવાની માગણી લઈને પ્રદર્શન કરતાં હતાં. આ માટે તેઓ પોતાની સ્કૂલ સ્કિપ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ પ્રવીર રંજને આ વિશે વાત કરતાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસ પરથી ખબર પડી છે કે તપાસ હેઠળની ‘ટૂલકિટ’ ખાલિસ્તાન સમર્થક ઑર્ગેનાઇઝેશન પોએટિક ફાઉન્ડેશન દ્વારા બનાવાઈ હતી.
સરકાર કાર્યકરોને નિશાન ન બનાવે
કોલેશન ફૉર એનવાર્યમેન્ટ જસ્ટિસ ઇન ઇન્ડિયા નામની સંસ્થાએ દિશાની ધરપકડનો વિરોધ કર્યો છે અને એક નિવેદન બહાર પાડ્યું છે.
સંસ્થાએ લખ્યું છે કે, 'કેન્દ્ર સરકાર યુવા અને પર્યાવરણ કાર્યકર્તાઓને નિશાન બનાવવાનું બંધ કરે અને દેશમાં પર્યાવરણ અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર ધ્યાન આપે.'
નિવેદન જણાવે છે કે, "દિશા રવીની ધરપકડ ન્યાયસંગત નથી. દિલ્હી પોલીસ નિયમોનું સન્માન નથી કરતી એ કોઈ ગુપ્ત વાત નથી. દિશાની ધરપકડ નિંદનીય છે અને બંધારણીય સિદ્ધાંતોની અવમાનના છે."
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "ભારત સરકારના આવા પગલાં લોકશાહીનું ગળું ટૂંપવા બરાબર છે."
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે પણ દિશા રવીની ધરપકડની નિંદા કરી છે. એમણે ટ્વીટર પર લખ્યું કે "આ અનુચિત ઉત્પીડન છે. આ ધમકાવવાની કોશિશ છે. આ સમયે હું પૂર્ણ રીતે દિશાની સાથે છું."
શું હોય છે ‘ટૂલકિટ’?
હાલના સમયમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં જે પણ આંદોલન થાય પછી ભલે તે 'બ્લેક લાઇવ્સ મેટર' હોય, અમેરિકાની 'ઍન્ટી-લૉકડાઉન પ્રોટેસ્ટ' હોય, પર્યાવરણને લગતા 'ક્લાયમેટ સ્ટ્રાઇક કૅમ્પેન' હોય અથવા અન્ય કોઈ આંદોલન, બધી જગ્યાએ આંદોલન સાથે સંકળાયલા લોકો અમુક ઍક્શન પૉઇન્ટ તૈયાર કરે છે. એટલે અમુક એવી વસ્તુઓ પ્લાન કરે છે જે આંદોલનને આગળ વધારવા માટે કરી શકાય છે.
જે દસ્તાવેજમાં આ 'ઍક્શન પૉઇન્ટ્સ' દાખલ કરવામાં આવે છે તેને ટૂલકિટ કહેવામાં આવે છે.
દસ્તાવેજ માટે ટૂલકિટ શબ્દનો સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ થાય છે. પરંતુ સોશિયલ મીડિયાની વ્યૂહરચના ઉપરાંત, ગ્રાઉન્ડ સ્તરે થતા પ્રભાવ વિશેની માહિતી પણ આપવામાં આવે છે.
ટૂલકિટ ઘણીવાર તે લોકોમાં વહેંચાયેલી હોય છે જેમની હાજરી ચળવળની અસરને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં ટૂલકિટને કોઈપણ ચળવળની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ કહેવું ખોટું નથી.
તમે ટૂલકિટને દીવાલો પર લગાવવામાં આવતા પોસ્ટરોનું આધુનિક સ્વરૂપ કહી શકો છો. જેનો ઉપયોગ આંદોલનકારીઓ વર્ષોથી અપીલ કરવા અથવા વિનંતી કરવા માટે કરે છે.
સોશિયલ મીડિયા અને માર્કેટિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ લોકો (આંદોલનના સમર્થકો) વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો હોય છે. ટૂલકિટ સામાન્ય રીતે વર્ણવે છે કે લોકો શું લખી શકે છે, કયા હૅશટૅગનો તેઓ ઉપયોગ કરી શકે છે, કયા ટ્વીટ અથવા પોસ્ટ વચ્ચે કેટલા સમયનું અંતર રહેશે અને તે સમયનો કેટલો ફાયદો થશે.
ઉપરાંત ટ્વીટ્સ અથવા ફેસબુક પોસ્ટ્સમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે તે પણ સામેલ હોય છે.
નિષ્ણાતોના મતે, આની અસર એ છે કે કોઈ પણ હિલચાલ અથવા અભિયાનની હાજરી તે જ સમયે લોકોની ક્રિયા દ્વારા રૅકોર્ડ કરવામાં આવે છે, એટલે કે, સોશિયલ મીડિયાનાં વલણોમાં અને પછી તેમને વ્યક્ત કરવાની વ્યૂહરચના દ્વારા તેને નોંધવામાં આવે છે.
આંદોલનકારીઓ જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષો, મોટી કંપનીઓ અને અન્ય સામાજિક જૂથો પણ ઘણા કિસ્સામાં આવી 'ટૂલકિટ્સ' નો ઉપયોગ કરે છે.
3 ફેબ્રુઆરીએ ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. તે દિવસે એક અન્ય ટ્વીટમાં ગ્રેટાએ એક ટૂલકિટ પણ શૅર કરી હતી અને લોકોને ખેડૂતોની મદદ કરવાની અપીલ પણ કરી હતી. પરંતુ પછી તે ટ્વીટ તેમણે ડિલીટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે "જે ટૂલકિટ તેમણે શૅર કરી હતી, તે જૂની હતી."
4 ફેબ્રુઆરીએ ગ્રેટાએ એક વખત ફરીથી ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું. સાથે જે તેમણે એક બીજી ટૂલકિટ શેર કરી, જેની સાથે લખવામાં આવ્યું હતું, "આ નવી ટૂલકિટ છે જેને એ લોકોએ બનાવી છે જે આ સમયે ભારતમાં જમીન પર કામ કરી રહ્યા છે. આના દ્વારા તમે ઇચ્છશો તો તેમની મદદ કરી શકો છો."
આ ટૂલકિટમાં શું છે?
ત્રણ પાનાંની આ ટૂલકિટમાં સૌથી ઉપર એક નોંધ લખવામાં આવી છે, જે પ્રમાણે "આ એક દસ્તાવેજ છે જે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનથી અજાણ લોકોને કૃષિ ક્ષેત્રની આજની સ્થિતિ અને ખેડૂતોના હાલના પ્રદર્શન વિશે જાણકારી આપે છે."
નોંધમાં લખવામાં આવ્યું છે કે "આ ટૂલકિટનો હેતુ લોકોને એ દેખાડવાનો છે કે કેવી રીતે પોતાના વિવેકનો ઉપયોગ કરીને તમે ખેડૂતોનું સમર્થન કરી શકો છો."
આ નોંધ પછી, ટૂલકિટમાં ભારતીય કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ પર વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ભારતમાં નાના અને છેવાડાના ખેડૂતોની સંખ્યા વધારે છે અને તેમની સ્થિતિ ખરેખર ખરાબ છે.
ટૂલકિટમાં ખેડૂતોને 'ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ' કહેવામાં આવ્યા છે.
લખવામાં આવ્યું છે કે "ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા આ ખેડૂતોનું પહેલાં સામંતશાહ જમીનદારોએ શોષણ કર્યું. તેમના પછી અંગ્રેજોએ અને 1990ના દાયકામાં લાવવામાં આવેલી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓએ તેમની કમર તોડી નાખી. આ પછી, આજે પણ ખેડૂત 'ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ' છે."
ટૂલકિટમાં આત્મહત્યા કરવા મજબૂર થયેલા ભારતીય ખેડૂતોનો પણ ઉલ્લેખ છે. સાથે જ, કૃષિ ક્ષેત્રમાં ખાનગીકરણને વૈશ્વિક સ્તરની સમસ્યા કહેવામાં આવી છે.
આ પછી આ ટૂલકિટમાં લખવામાં આવ્યું છે કે લોકો આ અંગે તરત શું કરી શકે છે.
ટૂલકિટમાં સજેશન આપવામાં આવ્યું હતું કે લોકો #FarmersProtest અને #FarmersProtest હૅશટૅગનો ઉપયોગ કરીને ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી શકે છે." રિહાના અને ગ્રેટા થનબર્ગે પોતાના ટ્વીટમાં #FarmersProtest હૅશટૅગનો પ્રયોગ કર્યો હતો.
ટૂલકિટમાં લખવામાં આવ્યું છે કે "લોકો પોતાના સ્થાનિક પ્રતિનિધિઓને મેઇલ કરી શકે છે, તેમને કૉલ કરી શકે છે અને તેમને પૂછી શકે છે કે તે ખેડૂતોના કેસમાં શું ઍક્શન લઈ રહ્યા છે."
ટૂલકિટમાં ખેડૂતોના સમર્થનમાં કેટલીક ઑનલાઇન-પિટિશન સાઇન કરવાની પણ અપીલ કરી હતી, જેમાંથી એક ઑનલાઇન પિટિશન ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની હતી.
ટૂલકિટમાં લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે "તે સંગઠિત થઈને, 13-14 ફેબ્રુઆરીની પાસે ભારતીય દૂતાવાસ, મીડિયા સંસ્થાન અને સરકારી ઑફિસોની બહાર સારી રીતે પ્રદર્શન કરે અને પોતાની તસવીરને #FarmersProtest અને #StandWithFarmersની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે."
ટૂલકિટમાં લોકોને ખેડૂતોના સમર્થનમાં વીડિયો બનાવવા, ફોટો શૅર કરવા અને પોતાના સંદેશને લખવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ લોકોને કહેવામાં આવ્યું કે તે ખેડૂતોના સમર્થનમાં જે કાંઈપણ પોસ્ટ કરે, તેમાં પ્રધાનમંત્રીના કાર્યાલય, કૃષિ મંત્રી અને અન્ય સરકારી સસ્થાઓના અધિકૃત હૅન્ડલને સામેલ કરે.
ટૂલકિટમાં દિલ્હીની સરહદોથી શહેર તરફ ખેડૂતોની એક પરેડ અથવા માર્ચ નીકળવાનો પણ ઉલ્લેખ છે અને લોકોને તેમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર પ્રવીર રંજને ટૂલકિટમાં આ પૉઇન્ટ પર ખાસ ભાર મૂકીને કહ્યું હતું કે "ટૂલકિટમાં આખો ઍક્શન પ્લાન દેખાડવામાં આવ્યો છે કે કેવી રીતે ડિજિટલ સ્ટ્રાઇક કરવાની છે, તેને ટ્વિટર સ્ટ્રૉર્મ કરવાનું છે અને કેવી રીતે ફિઝિકલ ઍક્શન થઈ શકે છે. 26 જાન્યુઆરીની આસપાસ જે કાંઈપણ થયું તે આ પ્લાનની આસપાસ થયું છે, એવું દેખાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો