You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડરના વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ, મોદી સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર
દિલ્હીની અલગઅલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન હજુ પણ યથાવત છે અને ખેડૂતો પોતાની માગ પર અડગ છે.
સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બૉર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ આંદોલન કરી રહ્યા છે.
તો સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડરના વિસ્તારમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે.
ગાઝીપુર બૉર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. પશ્ચિમ યુપી સહિત દિલ્હીથી પણ લોકો આવી રહ્યા છે અને શાંતિપૂર્વક પ્રદર્શન ચાલી રહ્યું છે.
આ તરફ મોદી સરકાર સંસદમાં ખેડૂતો મામલે ચર્ચા કરવા માટે તૈયાર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મોદી સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર
વડા પ્રધાન મોદીએ શનિવારે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક અંગે જણાવતા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ બેઠકમાં લગભગ બધી પાર્ટીઓએ ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે "વિપક્ષની માગ છે કે લોકસભામાં બિલ સિવાય પણ ચર્ચા થાય અને સરકાર તેના માટે સહમત છે. વિપક્ષે ખેડૂતો મામલે પણ ચર્ચાની માગ કરી છે અને તેના માટે સરકાર પણ સહમત છે."
જોશીએ કહ્યું કે "વડા પ્રધાને કહ્યું છે કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જે પ્રસ્તાવ આપ્યો હતો, અમે તેના પર ચર્ચા માટે તૈયાર છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારે એક અધિસૂચના જાહેર કરીને કહ્યું કે દિલ્હીની સીમા સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બૉર્ડરના વિસ્તારોમાં 31 જાન્યુઆરી રાતે 11 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયીરૂપે બંધ રહેશે.
ગૃહમંત્રાલયે કહ્યું કે આ કરવું જરૂરી છે અને આ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ 29 જાન્યુઆરી રાતે 11 વાગ્યાથી 31 જાન્યુઆરી રાતે 11 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
ખેડૂત આંદોલનમાં તાજેતરમાં શું-શું થયું?
- 28 જાન્યુઆરીએ ખેડૂતનેતા રાકેશ ટિકૈતનો એક ભાવુક વીડિયો વાઇરલ થયો અને બાદમાં ગાઝીપુર સીમા પર મોટી સંખ્યામાં લોકો આવવાના શરૂ થયા હતા.
- 29 જાન્યુઆરીએ સિંઘુ બૉર્ડર પર હિંસક ઘર્ષણ થયું, બાદમાં પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
- દિલ્હી પોલીસે જણાવ્યું કે સિંઘુ બૉર્ડર પર થયેલી હિંસામાં 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક અલીપુર સ્ટેશનના એસએચઓ પર તલવારથી થયેલા હુમલાનો આરોપી પણ સામેલ છે.
- બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાએ પુષ્ટિ કરી છે કે જે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેમના પર હિંસા ભડકાવવાના અને હત્યાની કોશિશના આરોપ લગાવાયા છે.
- ખેડૂતનેતા રાકેશ ટિકૈત અને ખેડૂતોના સમર્થનમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત યોજાઈ હતી.
- મુઝફ્ફરનગરથી બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરમાં કેટલાક લોકો એકઠા થયા હતા. તેમનું કહેવું હતું, "રાકેશ ટિકૈતનાં આંસુઓનું પૂર આ જનતા છે. રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો