You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતોની ટ્રૅક્ટર રેલી પર અદાલત ફેંસલો નહીં આપે : સુપ્રીમ કોર્ટ - BBC TOP NEWS
26 જાન્યુઆરીએ ખેડૂતોને ટ્રૅક્ટર રેલી ન કાઢવા દેવાય, એ માટે દિલ્હી પોલીસે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેના વડપણ હેઠળની ખંડપીઠ કરી રહી છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે આ રાજકીય મુદ્દો છે, અમે આ અંગે કોઈ આદેશ ન આપી શકીએ. ઉપરાંત આ ખેડૂતોનો મુદ્દો છે, જે કોર્ટમાં નક્કી ના થઈ શકે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની આ અરજીને પરત ખેંચી લેવા માટે પણ સહમતી દર્શાવી.
આ સાથે કોર્ટે ગઈ વખતની જેમ કહ્યું કે સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપૂર્ણ સત્તા છે, અમે આ મામલે દખલ કરીશું નહીં.
મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ અલી બાબા કંપનીના જૅક મા દેખાયા
અલી બાબા કંપનીના સંસ્થાપક જૅક મા યુન કેટલાંક અઠવાડિયાં પછી ફરી મીડિયા સામે આવ્યા છે. નવેમ્બર 2020ની શરૂઆતથી તેઓ જાહેરમાં દેખાયા નહોતા. જે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી.
પોતાના ચૅરિટી ફાઉન્ડેશનના એક અભિયાનમાં તેમણે એક વીડિયો લિંક મારફતે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા શિક્ષકો સાથે વાત કરી હતી. તેઓ પોતે પણ એક શિક્ષક રહી ચૂક્યા છે.
ગ્લોબલ ટાઇમ્સે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે ફાઇનાન્સ અધિકારીઓએ અલીબાબા કંપનીની તપાસ શરૂ કરી ત્યાર પછી પહેલી વખત જૅક મા મીડિયામાં દેખાયા છે.
સીએનબીસી મુજબ જૅક માનો વીડિયો સામે આવ્યા પછી હૉંગ કૉંગ સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ તેમની કંપનીના સ્ટૉકનો ભાવ પાંચ ટકા વધી ગયો છે.
ઑક્ટોબર 2020માં ઍન્ટ કંપનીનો આઈપીઓ લાવવા વિશે જૅક માએ કહ્યું હતું કે આ દુનિયાનો સૌથી મોટો આઈપીઓ હશે. ત્યાર પછી ચીની અધિકારીઓએ તેમની કંપનીની તપાસ શરૂ કરી હતી અને તેઓ ગાયબ થઈ ગયા હતા.
જૅક મા ક્યાં છે એ તો સમાચાર નથી પરંતુ જાહેરમાં અનેક દિવસો પછી તેઓ દેખાયા છે.
'ડ્રૅગન ફ્રૂટ'નું નામ 'કમલમ્'
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાત સરકારે ડ્રૅગન ફ્રૂટનું નામ બદલીને કમલમ્ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રૅગન ફ્રૂટનો દેખાવ કમળ જેવો છે, એટલા માટે અમે તેને સંસ્કૃત નામ કમલમ્ આપીએ છીએ.
ગુજરાત સરકારે આ નામને પેટન્ટ કરાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલયને પણ કમલમ્ નામથી ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં કચ્છ, નવસારી સહિત ઘણા જિલ્લામાં ડ્રૅગન ફ્રૂટની ખેતી થઈ રહી છે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
'...તો કોવૅક્સિન ન લેવી જોઈએ', ભારત બાયૉટૅકે યાદી બહાર પાડીને કરી સ્પષ્ટતા
'મિન્ટ'માં છપાયેલા અહેવાલ અનુસાર કોરોના વાઇરસની રસી બનાવનારી કંપની ભારત બાયૉટૅકે એક ફૅક્ટ-શીટ બહાર પાડી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની રસી કોવૅક્સિન કોણે-કોણે ન લેવી જોઈએ?
ભારત બાયૉટૅકની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલી યાદી પ્રમાણે જે લોકોને ઍલર્જી અથવા તાવ, બ્લિડિંગ ડિસઑર્ડર, નબળી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા હોય કે પછી રોગપ્રતિકારક શક્તિને લગતી દવા લેતા હોય તેમને આ રસી ના લેવી જોઈએ.
આ યાદીમાં રસીને લગતી આડઅસરોની યાદી પણ રજૂ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે રસીની આડઅસર તરીકે દુખાવો, સોજો, તાવ, કળતર, શરીરમાં નબળાઈ, ઊલટી થઈ શકે છે.
ઉપરાંત રસની ગંભીર અસર તરીકે શ્વાસ લેવામાં તકલીફ, આખા શરીમાં ચાંઠા અને નબળાઈ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં બે રસીને પરવાનગી મળી છે, જેમાં એક કૉવિશીલ્ડ નામની રસી છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા બનાવાઈ છે. જ્યારે બીજી કોવૅક્સિન છે જે ભારત બાયૉટૅક દ્વારા વિકસાવવામાં આવી છે.
ખેડૂતો સાથે મોદી સરકારની આજે 10મી બેઠક
દિલ્હી બૉર્ડર પર છેલ્લા એક મહિનાથી કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે આજે સરકારની બેઠક થવાની છે.
આ બેઠક અગાઉ ગત મંગળવારે થવાની હતી પરંતુ ત્યારબાદ 20 જાન્યુઆરીના રોજ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૃષિમંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે 'ખેડૂતો સાથે 19 જાન્યુઆરીના રોજ થનારી બેઠક હવે 20 જાન્યુઆરીના રોજ વિજ્ઞાન ભવન ખાતે બપોરે 2 વાગ્યે રાખવામાં આવી છે.'
ઉલ્લેખનીય છે કે સરકાર અને ખેડૂત સંગઠનોની અગાઉ થયેલી તમામ બેઠકો નિર્રથક નીવડી છે. ખેડૂતોની માગ છે કે સરકાર કૃષિકાયદાને રદ કરે પરંતુ સરકાર આવું કરવાની ના પાડી રહી છે.
આ સાથે જ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. ન્યાયાલયે ખેડૂતોનો મુદ્દો ઉકેલવા 3 સભ્યોની સમિતિ પણ બનાવી છે.
'કોરોના રસી સુરક્ષિત છે, માત્ર 0.18 ટકાને આડઅસર'
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સરકારનું કહેવું છે કે અત્યાર સુધીમાં દેશમાં 4.54 લાખ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે, જેમાંથી માત્ર 0.18 ટકાને જ આડઅસર થઈ છે.
સરકારે કહ્યું કે જેટલા લોકોને રસી આપવામાં આવી તેમાંથી માત્ર 0.002 ટકા લોકોને જ હૉસ્પિટલાઇઝ્ડ કરવાની જરૂર પડી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય સેક્રેટરીએ કહ્યું, "અમારી પાસે જેટલો પણ ડેટા છે તેમાંથી માત્ર 0.18 ટકા લોકોને જ રસીની આડઅસર થઈ છે. તેમાંથી માત્ર 0.002 ટકા લોકોને જ દવાખાનામાં દાલખ કરવામાં આવ્યા હતા."
તેમણે કહ્યું કે ભારતમાં પહેલા દિવસે 2,07,229 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે.
નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું કે કોરોના રસીની ગંભીર આડઅસર વિશે કોઈ અહેવાલ નથી એટલા માટે આ રસી સુરક્ષિત છે.
ભારે વિરોધ બાદ તાંડવ વેબ સિરીઝમાં સુધારા કરાશે
ઍમેઝોન પ્રાઇમ પર આવેલી વેબ સિરીઝ 'તાંડવ' રિલીઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગઈ. સિરીઝ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ બાદ નિર્માતાઓ 'તાંડવ'માં બદલાવ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
'તાંડવ' રિલીઝ થતાં જ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હિંદુ સંગઠનોએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હિંદુ સંગઠનોનો આરોપ છે કે સિરીઝમાં હિંદુ દેવી-દેવતાને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર આ બાદ 'તાંડવ'ના નિર્માતાઓએ એક નિવેદન મારફતે કહ્યું હતું કે 'જો આ સિરીઝથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ છે, તો અમે માફી માગીએ છીએ.'
નિવેદનમાં તેમણે કહ્યું, "અમે ભારતના લોકોની લાગણીનું સન્માન કરીએ છીએ. અમારો હેતુ કોઈ વ્યક્તિ, જ્ઞાતિ, સૂમહ, ધર્મ, કોઈની ધાર્મિક લાગણી કે પછી કોઈ સંસ્થા, રાજકીય પાર્ટીને દુખી કરવાનો નહોતો."
ભારત આજથી મિત્ર દેશોને કોરોના રસી મોકલશે
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ 20 જાન્યુઆથી ભારતના મિત્ર દેશોને કોરોના વાઇરસની રસીનો જથ્થો મોકલવાનું શરૂ કરશે.
આ યાદીમાં માલદીવ, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, મ્યાંમાર અને શીશેલ્સનો સમાવેશ થાય છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દેશોને તેમની જરૂરિયાના આધારે રસી પૂરી પાડવામાં આવશે.
એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મિત્ર દેશોએ ભારતીય બનાવટની રસી માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માલદીવ પહેલો એવો દેશ છે જે ભારતની કૉવિશીલ્ડ રસીની પહેલી ખેપ પ્રાપ્ત કરશે. રસીનો આ જથ્થો બપોરે 2 વાગે વેલાના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પહોંચશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો