You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, સરકારે કહ્યું આંદોલનમાં ખાલિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી છે
નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે મુકી દીધો છે. આ સાથે સુપીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદા મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે.
આ સમિતિમાં ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદકુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે.
વરિષ્ઠ વકીલ એમ એલ શર્માએ દલીલ કરી કે ઘણા ખેડૂતો સાથે તેમની વાતચીત થઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે અમે ફરિયાદ માટે કોઈ પણ સમિતિ પાસે નથી જઈ રહ્યા. અમે તો શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છીએ.
શર્માએ એવું પણ કહ્યું કે ખેડૂતો તેમના હક માટે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
શર્માની દલીલ સાંભળી મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમને ખેડૂતોના જીવની ચિંતા છે. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે આજે જ આદેશ આપવાની ખાતરી આપી હતી.
મુખ્ય ન્યાયાધીશે શર્માને કહ્યું હતું કે ન્યાયીક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ. આ રાજકારણ નથી. નકારાત્મક વાતો ટાળો અને અમને સહયોગ કરો. અમે જમીની હકીકત જાણવા માગીએ છીએ અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માગીએ છીએ.
તેમણે એવું પણ કહ્યું હતું કે આ મુદ્દે તેમની સમક્ષ ઘણા જ મત આવી રહ્યા છે જેથી ચિત્ર થોડું સ્પષ્ટ બને.
શર્માએ એવી દલીલ કરી હતી કે ખેડૂતોનું કહેવું છે આ મુદ્દે તેમને ઘણા લોકો સાથે વાતચીત કરવા બોલાવવામાં આવે છે, પરંતુ વડા પ્રધાન એક વખત પણ ના આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે વડા પ્રધાનને ના કહી શકીએ કે તમે મળવા જાઓ, તેઓ કેસમાં પક્ષકાર નથી.
મુખ્ય ન્યાયાધીશે ખેડૂત સંગઠનને કહ્યું હતું કે દુનિયામાં કોઈ એવી તાકત નથી જે અમને સ્વતંત્ર સમિતિની રચના કરવાથી રોકી શકે. અમે આ મુદ્દાને ઉકેલવા માગીએ છીએ.
ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનીઓની ઘૂસણખોરી છે - સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું
સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણે કૃષિકાયદાઓ પર સ્ટે લગાવી દીધો છે અને સમસ્યાના અભ્યાસ માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આદેશ અનિશ્ચિતકાળ માટે નથી અને અમારો હેતુ હકારાત્મક માહોલ બનાવવાનો છે.
કેસમાં સરકાર તરફથી દલીલ કરી રહેલા ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલને સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે બેન્ચ સામે એક નિવેદન આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત સમૂહ આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યું છે શું આપ આ વાતને માનો છો કે રદિયો આપો છો
આના જવાબમાં કેકે વેણુગોપાલે કહ્યું કે, આ આંદોલનમાં ખાલિસ્તાની ઘૂસી આવ્યા છે.
ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે જો ખેડૂતો ઇચ્છે તો દિલ્હી પોલીસ કમિશનર પાસે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી માગી શકે છે.
કૃષિ કાયદા મામલે આ પહેલાં શું થયું?
કૃષિકાયદાઓ સામે દાખલ કરવામાં આવેલ અનેક પિટિશનોને લઈને સુપ્રીમ કોર્ટ મંગળવારે ચુકાદો આપવાની છે ત્યારે સોમવારે સુનાવણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક ઍફિડેવિટ ઉતાવળે દાખલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે હાલની ઍફિડેવિટ જરૂરી છે જેથી વિરોધ કરી રહેલા વ્યક્તિ કેન્દ્ર સરકાર સામે જે ખોટી વાતો ફેલાવી છે, તેને દૂર કરી શકાય.
કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કાયદાઓ પસાર કરતા પહેલાં કેન્દ્ર સરકાર અથવા સંસદ દ્વારા ક્યારેય કોઈ કમિટી પાસે કાયદાઓ વિશે સલાહ લેવામાં આવી નહોતી અથવા કાયદા સાથે સંલગ્ન મુદ્દાઓ વિશે કોઈ ચર્ચા કરવામાં નહોતી.
પોતાની ઍફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોર્ટ સમક્ષ મહત્ત્વના તથ્યો રજૂ કરવાની જરૂરિયાત હોવાથી આ ઍફિડેવિટ કરવામાં આવી છે.
ઍફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ખેડૂતોને સારી કિંમત મળે તે માટે સુલભ અને અવરોધ મુક્ત બજાર સિસ્ટમ સ્થાપવા હેતુસર ભારત સરકાર બે દાયકાથી રાજ્ય સરકારો સાથે સક્રિયતાથી કામ કરી રહી છે પરતું રાજ્ય સરકારો સુધારાઓને સ્વીકારવા માટે રાજી નથી અથવા નામ-માત્ર સુધારા કર્યા છે.
કૃષિકાયદા ઉતાવળમાં બનાવવામાં આવ્યા નથી પરતું બે દાયકાના વિચાર બાદ બનાવવામાં આવ્યા છે. દેશના ખેડૂતો ખુશ છે કારણકે તેમને હાલના વિકલ્પ ઉપરાંત વધારાનો વિકલ્પ મળે છે અને તેથી કોઈનો હક છીનવી લેવામાં આવ્યો નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ્ અદાલતમાં એક નવું સોગંદનામું દાખલ કર્યું છે. સરકારનું કહેવું છે કે ઉતાવળે કાયદો લાવવામાં આવ્યો
આ દરમિયાન વિરોધપક્ષ કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો હવાલો આપીને કહ્યું કે, હવે ભાજપ સરકારે માની લેવું જોઈએ કે તે કૃષિકાયદાઓ થકી ખેડૂતોના વિનાશની પટકથા લખી રહી છે અને ખેડૂતોનું આંદોલન યોગ્ય છે.
બીબીસીના સહયોગી સુચિત્ર મોંહતીએ સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીઓની વિગત આપી છે.
સુપ્રીમ કોર્ટના અવલોકનો
સુપ્રીમ કોર્ટે કહ્યું લોકો આત્મહત્યા કરી રહ્યા છે, શું આ કાયદાઓનો રોકી શકાય એમ નથી?
મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યું કે હાલ જે થઈ રહ્યું છે તેને લઈને તેઓ ખૂબ નિરાશ છે.
ચીફ જસ્ટિસે સરકારનો પક્ષ રજૂ કરી રહેલા ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલને પૂછ્યું કે, શું વાતચીત નિષ્ફળ ગઈ છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું આ બધુ એક મહિનાથી ચાલી રહ્યું છે, અમને એ નથી સમજાઈ રહ્યુ કે સરકાર અને ખેડૂતો વચ્ચે શું વાતચીત થઈ રહી છે. આ એક સંવેદનશીલ સ્થિતિ છે અને અમે ઇચ્છીએ છીએ કે આનો કોઈ સોહાર્દપૂર્ણ ઉકેલ આપી શકીએ.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે પરેશાની શું છે, શું કાયદાઓને થોડો વખત રોકી ન શકાય? ચાલી શું રહ્યું છે? લોકો આત્મહત્યા કરી રહ્યાં છે, વૃદ્ધો પરેશાન છે, મહિલાઓ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે, શું ચાલી રહ્યું છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું, અદાલત સામે એવી કોઈ અરજી નથી આવી જે આ કાયદાઓ સારા છે એમ કહેતી હોય.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું, તમે સમાધાનનો ભાગ છો કે સમસ્યા છો એ અમને નથી ખબર.
સુપ્રીમ કોર્ટે કૃષિકાયદાઓ પર સમિતિની જરૂરિયાત હોવાની વાત ફરી કરી અને કહ્યું કે જો પેનલ કાયદાઓ લાગુ કરવા પર રોક લગાવવાની ભલામણ કરશે તો તેઓ તેને માનશે.
સુપ્રીમ કોર્ટે કૃષિકાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોને પણ કહ્યુંકે, તમને ભરોસો હોય કે ન હોય અમે ભારતની સર્વોચ્ચ અદાલત છીએ અને અમે અમારું કામ કરીશું.
સુપ્રીમ કોર્ટના આ કેસમાં ડીએમકે સાંસદ તિરુચિ શિવા અને આરજેડી સાંસદ મનોજ ઝાની પિટિશનો પણ સામેલ છે જેમાં આ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે.
આ ઉપરાંત દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને તરત હઠાવવાની માગ કરતી પિટિશન બાબતે પણ સુનાવણી થવાની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો