You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટ પર નિર્ણય છોડીને સરકાર ઉકેલ લાવવામાં મોડું કરી રહી છે- ખેડૂત યુનિયન
દિલ્હીની સરહદો પર છેલ્લા દોઢેક મહિનાથી કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદા મામલે ચાલતા આંદોલનનો કોઈ ઉકેલ આવ્યો નથી.
અગાઉ ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની બેઠક દિલ્હીના વિજ્ઞાનભવનમાં મળી હતી, પરંતુ હજુ સુધી વિવાદનો કોઈ નિવેડો આવ્યો નથી.
હવે ફરી બંને પક્ષોએ 15 જાન્યુઆરીએ મળવાની તૈયારી દર્શાવી છે.
અગાઉ સોમવાર, 4 જાન્યુઆરીના રોજ બેઉ પક્ષો વચ્ચે સાતમી વાતચીત થઈ હતી, જેમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.
આંદોલન કરી રહેલા ખેડૂતોની બે મુખ્ય માગણીઓ છે. એક, નવા કૃષિકાયદાઓ પાછા ખેંચવામાં આવે અને પાકની લઘુતમ સમર્થન કિંમત (એમએસપી) માટે કાયદાકીય ગૅરંટીની જોગવાઈ કરવામાં આવે.
7 જાન્યુઆરીએ પણ આંદોલનકારી ખેડૂતોએ ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ કરી હતી અને તેમાં મહિલાઓ પણ જોડાયાં હતાં.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને મુદ્દાનો શાંતિથી ઉકેલ લાવવા બંને પક્ષોને સલાહ આપી છે.
'કોર્ટને સામેલ કરવી સરકારની એક ચાલ'
પંજાબનાં ખેડૂત સંગઠનોએ શનિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે કૃષિકાયદાનો ઉકેલ સુપ્રીમ કોર્ટના માધ્યમથી કરવાની વાત કરી છે, તેમાં સરકારની આ મામલાને લાંબો ખેંચીને આંદોલનને પાટા પરથી ઉતારવાની એક ચાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબનાં સૌથી મોટાં સંગઠનોમાંથી એક ભારતીય કિસાન યુનિયન અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ હજુ પણ અમૃતસરમાં "રેલરોકો આંદોલન" ચલાવી રહ્યા છે.
તેઓએ કહ્યું કે ખેડૂતો સાથેની આઠ જાન્યુઆરીની બેઠક દરમિયાન કેન્દ્રે સલાહ આપી હતી કે કૃષિકાયદાઓથી સંબંધિત નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડવો યોગ્ય રહેશે અને આ સ્પષ્ટ સંકેત છે કે સરકાર સમાધાન શોધવામાં મોડું કરવા માગે છે.
ભારતીય કિસાન યુનિયનના રાજ્ય સચિવ શિંગારાસિંહ માને ધ હિન્દુને જણાવ્યું, "સુપ્રીમ કોર્ટ પર આ મામલાને છોડવાની સલાહ દર્શાવે છે કે સરકાર ચાલતા વિવાદના ઉકેલ માટે મોડું કરવા માગે છે."
"તેમનો ઇરાદો માત્ર આ મુદ્દાને લાંબો ખેંચવાનો અને અમારી માગણીઓને પૂરી કરવાનો નથી. સરકાર લોકોના આંદોલનને દબાવવા માગે છે. અમે પહેલેથી સરકારની સલાહને ફગાવી દીધી છે."
તેઓએ કહ્યું કે "સરકાર ઇરાદો બહુ સ્પષ્ટ છે. તે કોર્ટને સામેલ કરીને ખેડૂત આંદોલનને તોડવા માગે છે."
"ટ્રેક્ટર પરેડ"ને સફળ બનાવવા અપીલ
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના પંજાબ એકમના મહાસચિવ સરવનસિંહ પંધેરે કહ્યું કે બેઠકમાં ભાગ લેનારા તમામ યુનિયનોએ આ મામલાને સુપ્રીમ કોર્ટ પર છોડવાના સરકારના સંકેતને ફગાવી દીધો હતો.
પંધેરે કહ્યું કે ખેડૂતો પોતાનું આંદોલન તેજ કરવા માટે તૈયાર છે અને તેઓએ 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રસ્તાવિક "ટ્રેક્ટર પરેડ"ને સફળ બનાવવા માટે દેશભરના ખેડૂતો અને ખેતીકામ કરતા લોકોને અપીલ કરી છે.
ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ)ના મહાસચિવ હરિન્દરસિંહે કહ્યું કે કેન્દ્રે કાયદો બનાવ્યો છે અને એ તેને સરળતાથી રદ પણ કરી શકે છે.
તેઓએ કહ્યું, "સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર નથી. સરકારે ખેડૂતોની માગ સાંભળવી જોઈએ અને કાયદાને તરત રદ કરવો જોઈએ."
તો એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, વધુ એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ફતેહાબાદ સાહિબના રહેવાસી અમરિન્દરને ખેડૂતનેતા બલદેવસિંહ સિરસા પોતાની સાથે હૉસ્પિટલ લાવ્યા હતા, પણ તેમને બચાવી શકાયા નહોતા.
અહેવાલ અનુસાર, સિંઘુ બૉર્ડર પર પંજાબના અમરિન્દરસિંહે શનિવારે ઝેર ખાધું હતું. બાદમાં તેમને સોનીપતની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે મરતાં પહેલાં અમરિન્દરે પોતાના સાથીઓને જણાવ્યું હતું કે સરકાર આપણી વાત સાંભળતી નથી, આથી હું મારો જીવ આપી રહ્યો છું, જેથી આ આંદોલન સફળ થઈ શકે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો