You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવૅક્સિન : કોરોના વાઇરસની સ્વદેશી રસીને લઈને ભારતમાં ઉતાવળ થઈ રહી છે?
ભારતમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન નામની બે રસીના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે અને એ પરવાનગીએ એક નવા વિવાદને જન્મ આપ્યો.
કોવિશિલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાઈ છે. જ્યારે કોવૅક્સિન ભારત બાયૉટેકે બનાવી છે, જેને ‘સ્વદેશી વૅક્સિન’ પણ કહેવાય છે.
બ્રિટનમાં ઑક્સફર્ડની રસીને મંજૂરી મળ્યા બાદ સંભાવના હતી કે તેને ભારતમાં મંજૂરી મળી જશે પણ કોવૅક્સિનને અનુમતિ મળશે તેવો ઘણાને અંદાજો નહોતો.
કોવૅક્સિનને મળેલી મંજૂરી અને તેની ત્રીજા તબક્કાની ટ્રાયલને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા થયા છે અને વિવાદ ચાલી રહ્યો છે.
જોકે સરકારનું કહેવું છે કે કોવૅક્સિન કોરોના વાઇરસના નવા વેરિયન્ટ પર પણ અસરદાર છે. સાથે જ સરકારનું એમ પણ કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલ મોડમાં કોવૅક્સિનને શરતી પરવાનગી આપવામાં આવી છે.
કોવૅક્સિનને મળેલી પરવાનગી કોવિશુલ્ડને મળેલી પરવાનગીથી અલગ છે.
કારણકે કોવૅક્સિન હાલ ક્લિનિકલ ટ્રાયલ મોડમાં ઉપયોગ કરાશે એટલે કે કોવૅક્સિન લેનારા તમામ લોકોને ટ્રૅક કરાશે અને તેના પર મોનિટરિંગ કરાશે.
વૅક્સિન પર ઊઠી રહેલા પ્રશ્નો?
કોવૅક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા વગર તેમને પરવાનગી કેમ આપી દીધી. કારણકે ત્રીજા તબક્કામાં ઘણા લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે અને તેનાં પરિણામોના આધારે ખબર પડે છે કે તે કેટલી સુરક્ષિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વદેશી વૅક્સિન કોવૅક્સિનની પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલમાં 800 વૉલિન્ટિયર્સ પર ટ્રાયલ થઈ હોવાનું કહેવાય છે, ત્રીજા તબક્કામાં 22,500 લોકો પર ટ્રાયલ થઈ હોવાનું કહેવાય છે.
જોકે તેના આંકડા પણ બહાર પડાયા નથી. જોકે સમાચાર સંસ્થા રૉયટર્સ સૂત્રોને ટાંકીને લખે છે કે રસીના બે ડોઝ 60 ટકા કરતાં વધુ સુરક્ષિત છે.
જોકે, ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાના મતાનુસાર બંને રસી 110 ટકા કારગત છે પણ દિલ્હી એઇમ્સના મુખ્ય ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે કોવૅક્સિન રસીને તેઓ એક બેકઅપના રૂપે જુએ છે અને હાલ મુખ્યરૂપે કોવિશિલ્ડ એટલે કે ઑક્સફર્ડની રસીનો જ ઉપયોગ થશે.
ડૉ. ગુલેરિયા કહે છે કે જ્યાં સુધી કોવૅક્સિન તૈયાર થશે અને તે ત્રીજા તબક્કા બાદ મજબૂત ડેટા આપશે ત્યાં સુધી કોવિશિલ્ડનો ઉપયોગ કરાશે જેના પાંચ કરોડ ડોઝ પહેલાંથી જ તૈયાર છે.
ભારતમાં દવાઓના ઉપયોગ પર નજર રાખતી બિનસરકારી સંસ્થાઓના સંગઠન ‘ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્ક’એ સરકારના આ પગલાને ઘણું ચોંકાવનારું કહ્યું છે.
આ સંગઠનના સહ સંયોજક માલિની આઇસોલાએ બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશને કહ્યું હતું કે, “ત્રીજા તબક્કાની ટ્રાયલ સાથે જોડાયેલાં આંકડા આવતા પહેલાં કોવૅક્સિનને મંજૂરી આપવી ઘણું ચોકાવનારું પગલું છે. આ કેન્દ્રિય ઔષધી માનક નિયંત્રણ સંગઠનની ડ્રાફટ ગાઇડલાઇન્સનું પણ ઉલ્લંઘન છે જે કોરોના વાઇરસ વૅક્સિન બનાવવા માટે 21 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.”
“આ ડ્રાફ્ટ ગાઇડલાઇન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ કોરોના વાઇરસની વૅક્સિનની અસરકારકતા ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઈએ. પરંતુ આના ઉપયોગમાં અસરકારકતા સાથે જોડાયેલાં આંકડા તો નથી.”
“આની સાથે જ આ મંજૂરી એક ખોટું ઉદાહરણ આપે છે. કારણ કે હાલ સુધી બીજી કંપનીઓ પણ કોરોના વાઇરસની વૅક્સિન બનાવી રહી છે અને કોવૅક્સિનને મળેલી મંજૂરીના આધારે તે ત્રીજા તબક્કાની અસરકારકતાના ડેટા આપ્યા વગર પણ ઇમર્જન્સી પરવાનગીની માગણી કરશે.”
એક સવાલ એ પણ પૂછવામાં આવી રહ્યો છે કે જ્યારે આ વૅક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં છે તો આને મંજૂરી કેમ આપવામાં આવી અને મંજૂરી આપ્યા પછી જે પ્રકારે ક્લિનિકલ મોડમાં આપવામાં આવ્યો છે, તો તમામ વસ્તુ કેવી રીતે થશે? કારણ કે સરકારી અધિકારીઓ તરફથી કોઈ પણ અધિકૃત દસ્તાવેજમાં યોગ્ય રીતે ક્લિનિકલ ટ્રાયલની વ્યાખ્યા કરવામાં આવી નથી.
મંજૂરી મળી તો ક્લિનિકલ ટ્રાયલની વાત કેમ?
કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યું છે કે કોવૅક્સિનને તાત્કાલિક પરવાનગી (ઇયૂએ) શરતોને આધારે આપવામાં આવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, “જે અફવા ફેલાવી રહ્યા છે તે જાણી લે કે ક્લિનિકલ ટ્રાયલ મોડમાં કોવૅક્સિન માટે ઈયૂએ શરત સાથે આપવામાં આવી છે. કોવૅક્સિનને મળેલી ઈયૂએ કોવિશીલ્ડથી સંપૂર્ણ અલગ છે કારણ કે તે ક્લિનિકલ ટ્રાયલ મોડમાં ઉપયોગમાં લેવાશે. કોવૅક્સિન લેનારા તમામ લોકોને ટ્રેક કરવામાં આવશે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવશે.”
ક્લિનિકલ ટ્રાયલ મોડના મુદ્દે માલિની માને છે કે હાલ અનેક સવાલ એવા છે જેના જવાબ મળવાના બાકી છે.
તેઓ કહે છે, “રેગ્યુલેટરે આ કેસમાં એમ કહીને મંજૂરી આપી છે કે આ વૅક્સિન ક્લિનિકલ મોડમાં ઉપયોગમાં લેવામાં આવશે. મંજૂરી આપતી વખતે કહેવામાં આવ્યું છે કે – ક્લિનિકલ ટ્રાયલ મોડમાં જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આપત્તિની સ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દુર્ભાગ્યથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી કે ક્લિનિકલ ટ્રાયલ મોડ શું છે? અને અમારી પાસે અનેક સવાલ પણ છે. ઉદાહરણ તરીકે – શું ક્લિનિકલ ટ્રાયલ મોડમાં સામેલ થનારા વૉલિન્ટિયર્સ પર કાયદો લાગુ થાય છે, તો આ મામલે પણ લાગુ થશે અને શું કાયદાકીય રીતે વૅક્સિનના કારણે તેમને નુકસાન થાય છે તો તેની ભરપાઈ કોણ કરશે અને વળતરની માગ કરી શકાય છે.”
તેઓ વધુમાં કહે છે, “આ ઉપરાંત લોકો પાસેથી સહમતી લેવાની પ્રક્રિયા શું હશે? વૅક્સિન લેનારા લોકોને કેવી રીતે સૂચના આપવામાં આવશે. કારણ કે અમને લાગે છે કે આ બાબતમાં લોકોને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે આ વૅક્સિનની અસરકારકતાનો ડેટા ઉપલબ્ધ નથી અને આ હાલ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે.”
“કાલે અધિકારીઓને ક્લિનિકલ ટ્રાયલ મોડને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું કે વૅક્સિન લેતી વખતે લોકોને યોગ્ય રીતે ટ્રેક કરવામાં આવશે. તેમના પર નજર રાખવામાં આવશે. તેની સાથે જ વૅક્સિન માત્ર તે લોકોને જ આપવામાં આવશે જેઓ ‘ઇન્ફ્લૂઝન અને એક્સક્લૂઝનના ક્રાઈટએરિયામાં’ ફીટ બેસે છે. પરંતુ અમને હાલ સુધી અધિકૃત દસ્તાવેજથી જાણ કરી નથી કે ક્લિનિકલ ટ્રાયલનો અર્થ શું થાય છે.”
“કારણ કે તમે જુઓ તો ભારત બાયૉટેક દ્વારા જાહેર કરાયેલાં અનુમતી પત્રને જોશો તો તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે આ વૅક્સિનને 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ આપી શકાશે. આ પ્રકારની વ્યાપક પરવાનગી સીરમ ઇન્સ્ટિટ્યૂટની વૅક્સિનને પણ નથી આપવામાં આવી. એવામાં સવાલ થાય કે કોવૅક્સિનને મંજૂરી કેમ આપવામાં આવી.”
કઈ વાતની ઉતાવળ છે?
આરોગ્ય મંત્રાલય તરફથી વૅક્સિન જાહેર કરવાનું કારણ દર્શાવતા વારંવાર કટોકટીની સ્થિતિ, બેકઅપ અને ઇમર્જન્સી જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સરકારનો આ તર્ક વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજમાં પ્રિન્સિપલ રહેલાં પ્રસિદ્ધ ચેપી રોગના નિષ્ણાંત ડૉક્ટર જયપ્રકાશ મુલયિલના ગળે ઉતરતો નથી.
તે કહે છે, “મને લાગે છે કે આ વૅક્સિનને મંજૂરી આપવાની ઉતાવળ કરવી જરૂરી નથી. કારણ કે મને આ સમયે કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ દેખાઈ રહી નથી. કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા ઘટી રહી છે અને મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં એવી સ્થિતિ નથી, જેવી યુરોપ અને અમેરિકામાં છે. એવામાં આ વૅક્સિન ભારતમાં કેમ ન બની હોય, આને એ સમયથી પહેલાં જાહેર કરવી એક ઉતાવળ છે.”
“ભારતના લોકોએ ઘણી હિંમતથી આ મહામારી સામે લડાઈ લડી છે. તેમણે ઘણું કષ્ટ સહન કર્યું છે. પરંતુ તેમણે આને સહન કર્યું છે અને અનેક જગ્યાએ જ્યાં સુધી હું જાણું છું, કોરોના વાઇરસને લઈને સ્થિતિ સહજ થઈ ગઈ છે. લોકોના મનમાં હવે એ દૃષ્ટિકોણ છે કે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને હવે જેવી મે અને જૂન મહિનામાં હતી તેવી સ્થિતિ નથી..”
“તમારી પાસે પહેલાંથી જ દિશા નિર્દેશ છે. પરંતુ હવે તમે તેને નકારીને ઇમર્જન્સી રિલીઝની તરફ વધી રહ્યા છો. આવું કરતા પહેલાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે જ્યારે તમે આ બધું યોગ્ય રીતે કરો છો તો નિયામક સંસ્થા પર લોકોનો ભરોસો વધે છે. જ્યારે તમે દિશાનિર્દેશનું પાલન નથી કરતા તો લોકોનો ભરોસો ઘટી જાય છે.”
વૅક્સિન લૉન્ચમાં ઉતાવળ ખતરનાક કેમ?
મુલિયલ કહે છે, “જ્યારે લોકો જુએ છે કે તમે પોતાની કાર્યયોજના બદલી રહ્યા છો અને વૅક્સિનને સમય પહેલાં લૉન્ચ કરી રહ્યા છો. અને વૅક્સિનમાંથી મળતી સુરક્ષાના મજબૂત આંકડા આપી રહ્યા નથી તો લોકોમાં વૅક્સિનને લઈને વધારે ચિંતા ઉદ્દભવે છે કે સરકાર સમયથી પહેલાં વૅક્સિન કેમ લૉન્ચ કરવા માગે છે.”
આખી દુનિયામાં વૅક્સિનને લઈને અફવાનું બજાર ગરમ છે અને વૅક્સિનના ઇતિહાસ પર નજર નાખીએ તો ઉતાવળ અને અફવાએ રસીકરણના અભિયાનનો સૌથી મોટો પડકાર છે.
રસીકરણ અભિયાન ચલાવતા રસી જાહેર કરવા અને તેને આપવાની પ્રક્રિયાની વિશેષ જાણકારી સાવધાનીથી આપવાની જરૂરિયાત છે.
પાકિસ્તાનથી લઈને અફઘાનિસ્તાનમાં પોલિયોની રસીને લાંબા સમય સુધી અંધવિશ્વાસનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જો લોકોમાં એક વખત વૅક્સિનને લઈને એક વખત શંકા પેદા થાય છે તો તેને દૂર કરવી એક પડકાર છે.
જાહેર આરોગ્યની દૃષ્ટિએ પણ લોકો વૅક્સિનને લઈને શંકાશીલ હોય તે ખૂબ જ ખતરનાક બની શકે છે.
તે પણ ત્યારે જ્યારે વૅક્સિન કોરોના વાઇરસ જેવી મહામારી અથવા ચેપી રોગને રોકવા માટેની આપવામાં આવે. પરંતુ વૅક્સિન પોતાનો ઉદ્દેશ પૂર્ણ કરવામાં અસમર્થ રહેશે તો ભય અનેક ગણો વધી જશે.
ભારત બાયૉટેકે શું કહ્યું?
ભારત બાયૉટેકના ચૅરમેન કૃષ્ણા એલ્લાએ સોમવારે સાંજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની કંપની પર સવાલ ઉઠાવતા લોકોને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.
તેમણે કહ્યું, “અનેક લોકો કહી રહ્યા છે કે હું મારા ડેટાને લઈને પારદર્શક નથી. મને લાગે છે કે લોકોએ થોડું ધૈર્ય રાખવું જોઈએ. ઇન્ટરનેટ પર વાંચી શકે કે અમે કેટલાં લેખ પ્રકાશિત કર્યા છે. આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં 70થી વધારે લેખ પ્રકાશિત કરી ચૂક્યા છીએ.”
“કેટલાંય લોકો ગોસિપ કરી રહ્યા છે. આ માત્ર ભારતીય કંપનીઓ માટે એક ઝટકો છે. આ આપણા માટે ઠીક નથી. અમારી સાથે આવું વર્તન ન થવું જોઈએ. મર્ક કંપનીની ઇબોલાની વૅક્સિનની માણસ પર ક્યારેય ક્લિનિક્લ ટ્રાયલ પૂર્ણ કરવામાં નહોતી આવી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને લાઇબેરિયા અને ગુઆનામાં ઇમરજન્સી મંજૂરી આપી હતી.”
“જ્યારે અમેરિકાની સરકારે કહે છે કે જો કંપનીનો સારો ઇમ્યૂનાઇઝેશન ડેટા છે તો તેને તાત્કાલિક પરવાનગી આપી શકાય છે. મર્ક કંપનીની ઇબોલા વૅક્સિનની મંજૂરી ફેઝ 3ના ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં આપવામાં આવી હતી. જૉન્સન ઍન્ડ જૉન્સને માત્ર 87 લોકો પર ટેસ્ટ કર્યો હતો, અને મંજૂરી મળી ગઈ.” કૃષ્ણા એલ્લાએ પોતાની કંપની અને પોતાના ક્ષેત્રના પક્ષમાં તર્ક આપ્યા છે.
આ દરમિયાન સીરમ ઇન્સ્ટિ્ટયૂટના આદર પુનાવાલા અને ભારત બાયટેકના ચૅરમૅન કૃષ્ણા એલ્લા વચ્ચે મોટો વિવાદ પણ થયો અને એ વિવાદ પછી બેઉએ સંયુકત નિવેદન પણ બહાર પાડ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો