You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અટકાયત બાદમાં છોડાયા - Top News
ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને ગાયક ગુરુ રંધાવાની મુંબઈસ્થિત ડ્રૅગન ક્લબ પર પડાયેલા એક દરોડા દરમિયાન અટકાયત કરી લેવાઈ. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા.
મુંબઈમાં હાજર પત્રકાર મધુ પાલ સમક્ષ પોલીસનાં વિશ્વસનીય સૂત્રોને આ વાતની પુષ્ટિ કરી છે.
બાદમાં સુરેશ રૈના તરફથી એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે તેઓ મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા હતા જે મોડી રાત સુધી ચાલ્યું હતું.
આ નિવેદનમાં જણાવાયું, "સુરેશ મુંબઈમાં એક શૂટિંગ માટે હતા, જે મોડી રાત સુધી ચાલતું રહ્યું. એક મિત્રના નોતરા પર તેઓ થોડો સમય પૂરતા ડિનર પર ગયા હતા."
"જે બાદ તેમને દિલ્હી માટે ફ્લાઇટ પકડવાની હતી. તેમને સ્થાનિક ટાઇમિંગ અને પ્રૉટોકોલની જાણકારી નહોતી. તેમને જેવું જ આ અંગે જણાવાયું તેમણે તુરંત જ એનું પાલન કર્યું હતું. તેમને આ દુર્ભાગ્યપૂર્ણ અને અજાણતા ઘટેલી ઘટનાનો અફસોસ છે. તેઓ હંમેશાં નિયમોનું પાલન કરે છે અને તેનું સન્માન જાળવે છે. ભવિષ્યમાં પણ તેઓ આવું કરતા રહેશે.
ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસ 1000ની અંદર
ગુજરાતમાં એક મહિના પછી કોરોના વાઇરસના નોંધાતા પ્રતિદિવસ કેસોની સંખ્યામાં 1000ની અંદર થવાની શરૂઆત થઈ છે.
રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની વેબસાઇટના આંકડાઓ અનુસાર 16 નવેમ્બર બાદ પ્રથમ વખત વિતેલા 24 કલાક દરમિયાન 960 કેસો નોંધાતા રાજ્યના કુલ કેસનો આંકડો 2.36 લાખને પાર કર્યો છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 7 મોત થયાં છે અને કુલ મૃત્યુઆંક 4391 પર પહોંચ્યો છે. વળી ગુજરાતમાં હાલ 12030 કેસો ઍક્ટિવ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1268 દરદીઓ સાજા થયા છે અને અત્યાર સુધી કુલ 2,20,032 દરદીઓ સાજા થયા છે.
ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 211 અને ત્યાર પછી સુરતમાં 150 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 54612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં કોરોનાના સંક્રમિત કેસોનો કુલ આંકડો 1 કરોડને પાર કરી ચૂક્યો છે અને હાલ 3 લાખ સંક્રમિત દર્દીઓ છે. તથા છેલ્લા 24 કલાકમાં 9 લાખ ટેસ્ટ કરાયા હતા.
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે જાન્યુઆરીમાં દેશમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત થઈ જાય એવી શક્યતા છે.
મોદી સરકારે કૉંગ્રેસની સરકાર કરતા ત્રણ ગણી લોન જતી કરી?
એક અહેવાલ અનુસાર આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મોદી સરકારે (એનડીએ - નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) યુપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) કરતાં ત્રણ ગણી લોક જતી કરી (રાઇટ ઑફ) કરી છે.
'ફ્રી પ્રેસ જર્નલ' અને આઈએએનએસ એજન્સીના અહેવાલ અનુસાર પૂણે સ્થિત એક વેપારી પ્રફુલ સરદાએ કરેલી આરટીઆઈમાં આ ખુલાસો થયો છે.
અહેવાલમાં કહેવાયું છે કે આરટીઆઈ અનુસાર વર્ષ 2015થી 2019 દરમિયાન મોદી સરકારે કુલ 7,94,354 કરોડ રૂપિયાની લોન જતી કરી છે. જ્યારે યુપીએના સાશનકાળ વર્ષ 2004થી 2014 દરમિયાન કુલ 2,20,328 કરોડ રૂપિયાની લોન જતી કરાઈ હતી. જે દર્શાવે છે કે યુપીએના શાસનકાળના 10 વર્ષમાં જેટલી લોન જતી કરાઈ તેના કરતા ત્રણ ગણી લોન મોદી સરકારના કાર્યકાળમાં જતી કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર જે લોન જતી કરવામાં આવી છે તેમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના 6,24,370 કરોડ રૂપિયાના ધિરાણ છે, જ્યારે ખાનગી બૅન્કોના 1,51,989 કરોડ રૂપિયા છે.
મંત્રણા માટે સરકારની ઑફર પર ખેડૂતો આજે નિર્ણય કરશે
મહિનાથી ચાલતા ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ એક દિવસની ભૂખ હડતાલ કર્યા બાદ હવે આજે તેઓ સરકાર સાથે મંત્રણા માટેની ઑફર પર નિર્ણય કરશે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર દિલ્હી-હરિયાણા સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતો આજે નિર્ણય કરશે કે તેઓ મંત્રણા કરશે કે નહીં.
સરકારે ખેડૂતો સમક્ષ ઑફર મૂકી હતી કે તે ખેડૂતો સાથે તેમની અનુકૂળતાએ વાતચીત કરવા તૈયાર છે. આ વિશે ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકારની ઑફરમાં કંઈ નવું નથી એટલે તેઓ મંગળવારે નિર્ણય કરશે.
અત્રે નોંધવું કે ખેડૂત નેતાઓ સરકાર સંસદનું ખાસ સત્ર બોલાવવા તૈયાર થાય અને નક્કર સમાધાન માટે વાત કરે તો જ સંવાદ કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે.
જો બાઇડને કોરોનાની રસી લીધી
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને ફાઇઝર કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે રસી લેતા કહ્યું કે તેઓ અમેરિકનોને વિશ્વાસ અપાવવા માગે છે કે આ સુરક્ષિત છે.
વળી વર્તમાન ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ અને સંસદના સ્પિકર નેન્સી પેલોસીએ પણ રસીકરણ કરાવી ચૂક્યાં છે.
બાઇડનના રસીકરણને લાઇવ પ્રસારિત કરાયું હતું. વળી રવિવારે બીજી રસી મોડર્નાનો ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે. તેને ગત સપ્તાહે જ મંજૂરી મળી હતી.
કહેવાય છે કે અત્યાર સુધી 5 લાખ અમેરિકનોને રસી આપી દેવાઈ છે.
ફાઇઝરની રસીને યુરોપિયન યુનિયનની મંજૂરી
ફાઇઝર-બાયૉએનટેક દ્વારા સંયુક્ત રીતે વિકસિત રસીને યુરોપિયન યુનિયને મંજૂરી આપી દીધી છે. યુરોપિયન યુનિયનના મેડિસિન રેગ્યુલટરે 27 રાજ્યોમાં ઉપયોગ માટે રસીને મંજૂરી આપી છે.
યુરોપિયન મેડિસિન એજન્સી ફાઇઝરની રસીને યુકે અને યુએસમાં અપવાની શરૂઆત થઈ ત્યાર બાદ મંજૂરી આપી છે.
યુરોપિયન યુનિયનના રાજ્યોના લગભગ 44.8 કરોડ લોકો માટે આ રસીને મંજૂરી અપાઈ છે. રસીકરણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જાય એવી શક્યતા છે.
અત્યાર સુધી આ રાજ્યોમાં કુલ 3.11 લાખ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે.
એજન્સીનું કહેવું છે કે રસીએ 95 ટકા કાર્યક્ષમતા દર્શાવી છે એટલે તેને 16 અને તેનાથી વધુ વયની વ્યક્તિને આપી શકાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો