You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવ્યું, ખેડૂત સંગઠનોએ લખ્યો સરકારને ખુલ્લો પત્ર
આજે ખેડૂત આંદોલનનો 25મો દિવસ છે. અહેવાલો પ્રમાણે દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરાવવાની માગને લઈને અડગ ઊભા છે. કડકડતી ઠંડી પણ આ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો રોષ ઠંડો પાડી શકી નથી.
એક તરફ ખેડૂત સંગઠન કૃષિકાયદા રદ કરાવવાની માગને લઈને અડગ છે તો બીજી તરફ મોદી સરકાર કૃષિકાયદાઓની તમામ જોગવાઈઓમાં ખેડૂતલક્ષી સુધારા કરવા માટેની વાત કરી રહી છે. આ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દિલ્હી રકાબ ગંજ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અનપ્લાન્ડ હતી.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડા પ્રધાને કહ્યું કે, જ્યાં ગુરુ તેગ બહાદુરજીના અવશેષ દફન છે એ ઐતિહાસિક ગુરુદ્વારા રકાબ ગંજ સાહેબ પર આજે સવારે પ્રાર્થના કરી. દુનિયાના લાખો લોકોની જેમ ગુરુ તેગ બહાદુરજીની કૃપાથી હું ભાવવિભોર થયો.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે ખેડૂત સંગઠનો સાથે અનૌપચારિક વાતચીત ચાલી રહી છે અને નવા વર્ષની શરૂઆત પહેલાં જ કોઈ સમાધાન આવી શકે છે.
નોંધનીય છે કે વિવાદિત કૃષિકાયદાઓ વિરૂદ્ધ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં ખેડત સંગઠનો હાલ દિલ્હીની જુદી-જુદી સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે.
આ કડીમાં હવે ખેડૂત સંગઠનોએ સરકારને ખુલ્લો પત્ર પણ લખ્યો છે.
ખેડૂત સંગઠનોનો સરકારને ખુલ્લો પત્ર
શનિવારે ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને નામે ખુલ્લો પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના વિરોધપ્રદર્શને વિપક્ષને પોતાના પક્ષ બદલવા માટે મજબૂર કરી દીધા છે ના કે વિપક્ષી પાર્ટીઓના કારણે ખેડૂત આંદોલન તેજ થયું છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સરકાર આંદોલન વિશે દુષ્પ્રચાર કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારે ખેડૂત સંગઠને વિરોધપ્રદર્શન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોની યાદમાં ‘શ્રદ્ધાંજલિ દિવસ’ મનાવવાના છે. ખેડૂત સંગઠનોની યોજના છે કે આ દિવસે તેઓ ઓછામાં ઓછાં એક લાખ ગામડાંમાં લોકો સુધી પહોંચશે.
ખેડૂત સંગઠનો સાથે અનેક તબક્કાની વાતચીત બાદ ખેડૂતોના આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે સરકાર અનૌપચારિકપણે ઘણાં ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહી છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સરકારના કૃષિકાયદાથી મોટી કંપનીઓને લાભ થશે, ખેડૂતોને નહીં.
બે દિવસ પહેલાં કૃષિમંત્રીએ ખેડૂતોને ખુલ્લો પત્ર લખ્યો હતો, ખેડૂત સંગઠનોએ આ પત્રનો પૉઇન્ટ-વાઇસ ઉત્તર આપ્યા અને કહ્યું તેમની માગ છે કે કૃષિકાયદા રદ કરવામાં આવે.
‘ખેડૂત નેતાઓ સાથે 2-3 દિવસમાં વાતચીત થઈ શકે છે’
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત બાદ કહ્યું છે કે ખેડૂત નેતાઓ સાથે આવનારા 2-3 દિવસમાં વાતચીત થઈ શકે છે.
કૃષિમંત્રી સાથેની મુલાકાત બાદ મનોહર લાલ ખટ્ટરે સંવાદદાતાઓને કહ્યું, ખેડૂતોના મુદ્દાઓનું સમાધાન વાતચીત થકી થવું જોઈએ.
સમાચાર એજન્સીઓ પ્રમાણે, હરિયાણાના મુખ્ય મંત્રીએ કહ્યું, “હું પંજાબના ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ સતલુજ-યમુના લિંક નહેર મામલાને ગંભીરતાપૂર્વક લે. હરિયાણાના ખેડૂતો સિંચાઈ માટે પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. મેં આ મુદ્દો ઉઠાવ્યો છે. અમારી માગણી છે કે સતલુજ-યમુના લિંક નહેરનું નિર્માણ પૂરું થવું જોઈએ.”
‘આવકવેરા વિભાગની રેડથી આડતિયાને ગભરાવી રહી છે કેન્દ્ર સરકાર’
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર પર ખેડૂતોના વિરોધપ્રદર્શનનું સમર્થન કરનારા આડતિયાઓને ‘ડરાવવા’નો આરોપ મૂક્યો છે.
ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે મુખ્ય મંત્રીએ કહ્યું કે સરકાર આડતિયાઓનાં ઘરે આવકવેરા વિભાગના દરોડા પડાવૂ તેમને ‘ડરાવવા’નો પ્રયાસ કરી રહી છે.
આધિકારિકપણે જારી કરાયેલ નિવેદન પ્રમાણે મુખ્ય મંત્રીએ આડતિયાઓ વિરુદ્ધ આવકવેરા વિભાગના દરોડાઓને તેમના લોકતાંત્રિક અધિકારો પર રોક માટે દબાણની રણનીતિ ગણાવ્યા છે.
નિવેદનમાં કહેવાયું છે કે પંજાબમાં 14 આડતિયાઓને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. જેમાં વિજય કાલરા (અધ્યક્ષ, પંજાબ આડતિયા ઍસોસિયેશન), પવન કુમાર ગોયલ (અધ્યક્ષ, સામાન મંડી) અને જસવિંદર સિંહ રાણા (પટિયાલા જિલ્લા અધ્યક્ષ) સામેલ છે.
મુખ્ય મંત્રીએ કહ્યું, “એ સ્પષ્ટ છે કે લાંબા સમયથી વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મનાવવા, ગેરમાર્ગે દોરવા અને વિભાજિત કરવામાં અસફળ થયા બાદ કેન્દ્ર સરકારે તેમના સંઘર્ષને કમજોર બનાવવા માટે આડતિયાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે, જે પહેલા દિવસથી જ સંપૂર્ણ સક્રિયતા સાથે વિરોધપ્રદર્શનનું સમર્થન કરી રહ્યા હતા.”
અમરિંદર સિંહે કહ્યું કે પંજાબના ઘણા મોટા આડતિયાનાં ઠેકાણાં પર નોટિસ જારી કરાયાના માત્ર ચાર દિવસમાં જ દરોડા પાડવામાં આવ્યા છે. નોટિસ પર તેમના જવાબની રાહ પણ નથી જોવામાં આવી.
મુખ્ય મંત્રીએ કહ્યું, “આવું કરવા માટે નક્કી કાયદાકીય પ્રક્રિયાનું પાલન નથી કરાયું. સ્થાનિક પોલીસને પણ સૂચના નથી અપાઈ કે તેમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા. આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરોડા વખતે સુરક્ષા માટે CRPFની મદદ લેવામાં આવી.”
મુખ્ય મંત્રીએ પૂછ્યું કે શું આ બદલો લેવાનું રાજકારણ નથી જે કોઈ પણ પ્રખારે ખેડૂતોના વિરોધપ્રદર્શનને ખતમ કરવા માગે છે.
તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું કે સરકાર પોતાનો અહંકાર ત્યાગીને ખેડૂતો અને અન્ય હિતધારકો સાથે વાતચીતની શરૂઆત કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો