વર્ગખંડમાં બે સગીરોએ લગ્ન કર્યાં, સેંથો પૂરવાનો વીડિયો વાઇરલ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક બાળવિવાહનો મામલો સામે આવ્યો છે. 'ધ હિંદુ'ના એક અહેવાલ અનુસાર રાજામહેન્દ્રવરમની એક જૂનિયર કૉલેજના વર્ગખંડમાં આ લગ્ન થઈ રહ્યાં હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.

પોલીસે બાળવિવાહ અધિનિયમ, 2006 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે આ લગ્ન કાયદાકીય રીતે અવૈધ અને અમાન્ય છે અને છોકરો અને છોકરી બંનેનું કાઉન્સેલિંગ કરાયું છે.

પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આખરે વર્ગખંડમાં 'લગ્ન'કોણે કરાવ્યાં.

17 વર્ષના સગીર છોકરાએ છોકરીને મંગળસૂત્ર પહેરાવીને સેંથો પૂર્યો અને પછી બંનેએ તસવીરો ખેંચાવી.

જણાવાઈ રહ્યુ છે કે સ્થળ પર હાજર વધુ એક સગીર છોકરીએ ઘટનાના વીડિયો બનાવ્યો અને પોતાના મિત્રોને મોકલ્યો.

આ ઘટનાની જાણ થતાં કૉલેજે બંનેને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી નામ કમી કરી દીધાં છે.

આંધ્ર પ્રદેશ મહિલાપંચનાં અધ્યક્ષ વસીરેડ્ડી પદ્માએ જણાવ્યું કે આ બંને સગીરો સહાધ્યાયી છે.

તેમણે કહ્યું કે, "છોકરીના વાલીઓએ તેને ઘરે આવવાની મનાઈ ફરમાવી દીધી છે. છોકરીને 'વન સ્ટોપ સેન્ટર'માં કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. મહિલાપંચના સભ્યોએ છોકરાના વાલીઓ સાથે વાતચીત કરીને તેમનું પણ કાઉન્સેલિંગ કર્યું છે."

તેમણે એ પણ કહ્યું કે મહિલાપંચ સગીર છોકરીના રહેવાની વ્યવસ્થા કરશે.

દરમિયાન રાજામહેન્દ્રવરમ પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું, "અમે બંને સગીરોનાં, તેમના પરિવારજનોનાં અને કૉલેજ પ્રશાસનનાં નિવેદનો લઈશું. મામલા સાથે સંકળાયેલા લોકોને પોલીસ બાળવિવાહનાં પરિણામોની માહિતી આપશે."

મહિલાપંચનાં નિદેશક આર. સયૂજે કહ્યું, "વર્ગખંડમાં લગ્નની આ ઘટના પરથી માલૂમ પડે છે કે વિદ્યાર્થીઓમાં કાયદાને લઈને માહિતીની ખૂબ જ કમી છે."

કોલ્ડ ચેઇન, રસીકરણ માટે વ્યવસ્થા ગુજરાતમાં તૈયાર : નીતિન પટેલ

'ડૅક્કન હેરાલ્ડ'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે શનિવારે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની રસીના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થા અને રસીકરણ માટેની પ્રાથમિકતા યાદી તૈયાર કરી લેવાઈ છે.

પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે, "કોરોનાની રસી માટે સ્વાસ્થ્યસેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે."

તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું કે, "કોરોના સામે રક્ષણ આપતી રસી આપવા માટે સમગ્ર રાજ્યમાં 47,795 વૅક્સિનૅશન સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે. તેમજ રસીકરણના કામમાં 15,534 ટીમો લગાવવામાં આવશે."

આ સિવાય તેમણે કહ્યું કે જે લોકોને રસી અપાવાની છે તેમને રસીકરણના સમય અને સ્થળ વિશે અગાઉથી SMS મારફતે જાણ કરી દેવાશે.

ગુજરાત હાકોર્ટના જજ જી. આર. ઉધવાણીનું કોરોનાની માંદગીમાં મૃત્યુ

'ધ હિંદુ'ના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટના જજ જી. આર. ઉધવાણીનું શનિવારે કોરોનાની માંદગીમાં 59 વર્ષની વયે મૃત્યુ નીપજ્યું હતું.

તેમને દિવાળી બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક લક્ષણો દેખાયા બાદ તેમને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કોરોનાના ચેપ તેમનાં ફેફસાંમાં ફેલાઈ જતાં તેમની તબિયત વધુ લથડી હતી.

તેઓ વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિ પામ્યા હતા.

તેમની જજ તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1997માં અમદાવાદ સિટી સિવિલ કોર્ટના જજ તરીકે નીમણૂક પામવાની સાથે થઈ હતી.

હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્તિ મેળવ્યા પહેલાં તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલના પદ પર કાર્યરત્ હતા.

ગુજરાતમાં કોરોનાના નવા 1514 મામલા નોંધાયા

ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 1,514 મામલા નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના દર્દીઓનો આંક 2,17,333 થઈ ગયો હતો.

શનિવારે કોરોનાની માંદગીમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સાથે જ કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 4,064 થઈ ગઈ હતી.

સાથે જ શનિવારે 1,535 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા હતા. આમ કોરોનાની માંદગીમાંથી બેઠા થયેલા લોકોની સંખ્યા 1,98,527 થઈ ગઈ હતી.

શનિવારે રાજ્યમાં 24 કલાકમાં 69,668 ટેસ્ટ થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 81,72,380 ટેસ્ટ થઈ ચૂક્યા છે. અહેવાલ પ્રમાણે હાલ રાજ્યમાં 14,742 ઍક્ટિવ કેસો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો