You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ કોરોના રસી માટે ટાસ્કફૉર્સ બનાવવા કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના સંકટને લઈને ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચા કરી છે. તેમની સાથે આ બેઠકમાં દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોના મુખ્ય મંત્રીઓએ ભાગ લીધો.
વડા પ્રધાને બેઠક દરમિયાન રાજ્યોના મુખ્ય મંત્રીઓને કોવિડ-19નો સામનો કરવા માટેની રણનીતિ અંગે લેખિતમાં ફીડબૅક આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ કોઈના પર પોતાના વિચારો ન નાખી શકે અને બધાએ સાથે મળીને કામ કરવાનું છે. તેમણે સંક્રમણ દરને પાંચ ટકા અને મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો કરવાની દિશામાં કામ કરવા માટે મુખ્ય મંત્રીઓને કહ્યું. સાથે જ કોરોનાનાં પરીક્ષણો વધારવા માટે પણ સૂચના આપી.
તેમણે વૅક્સિન પ્રોગ્રામ માટે તૈયારી માટે રાજ્યોને જિલ્લા અને બ્લૉક સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના આપી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો કોરોનાને લઈને બેદરકાર બન્યા છે તેથી ફરી વાર જાગૃતિ ફેલાવવા માટે કામ કરવાનું છે.
તેમણે મુખ્ય મંત્રીઓને કહ્યું કે PM કૅર ફંડનો ઉપયોગ વૅન્ટિલટરો પૂરા પાડવા માટે કરવામાં આવ્યો છે. જેથી જિલ્લા સ્તરે પણ હૉસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઑક્સિજન પૂરો પાડી શકાય.
પાકિસ્તાન પ્રશાસિત ગિલગિત-બાલ્તિસ્તાનમાં હિંસા
પાકિસ્તાન પ્રશાસિત ગિલગિત-બાલ્તિસ્તાનમાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં કથિત છેતરપિંડી વિરુદ્ધ યોજાઈ રહેલાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનોની વચ્ચે સોમવારે રાજધાની ગિલગિતમાં હિંસા અને આગ લગાડવાની ઘટના ઘટી છે.
વહીવટી તંત્રે આગ અને હિંસાની આ ઘટના માટે વિપક્ષને દોષિત ઠેરાવ્યો છે, જ્યારે વિપક્ષે પોતાની નારાજગી જાહેર કરી છે. ચૂંટણીમાં કથિત ધાંધલ સામે સોમવારે ગિલગિતમાં થયેલાં વિરોધપ્રદર્શનમાં હિંસા થઈ હતી.
ગિલગિત-બાલ્તિસ્તાનની હાલની ચૂંટણીનાં પરિણામોનો દેશના મુખ્ય વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુસ્લિમ લીગ(નવાઝ)એ સ્વીકાર કર્યો નથી અને સરકાર અને ચૂંટણીપંચ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી વધારે મતોથી વિજય મેળવ્યો છે. જ્યારે મોટા ભાગની બેઠકો પર ચૂંટણી જીતનારા સ્વતંત્ર ઉમેદવારોએ પણ સત્તાધારી પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગિલગિત-બાલ્તિસ્તાનમાં કામચલાઉ સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારૂકે આરોપ લગાવ્યો છે કે જ્યારે મુખ્ય ચૂંટણીઅધિકારી રાજા શાહબાઝ ખાન ગિલગિતમાં ફરિયાદ સાંભળી રહ્યા હતા ત્યારે પીપીપીના હારનારા ઉમેદવારે અને તેમના કાર્યકર્તાઓએ ત્યાં જઈને હિંસા અને તોડ-ફોડ શરૂ કરી હતી અને હોબાળો થયો હતો.
ગુજરાતમાં જુનિયર ડૉક્ટરો અને સરકારને કેમ વાંધો પડ્યો?
'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં વધેલાં કોરોના વાઇરસના કેસને કારણે રાજ્ય સરકારે હાલમાં જ સરકારી કૉલેજમાંથી પાસ થયેલાં 925 ડૉક્ટરોને તાત્કાલિક ધોરણે હાજર થવા અંગે સર્કયુલર જાહેર કર્યો હતો. જેને કારણે આ ડૉક્ટરો નારાજ થયા છે.
ગુજરાત સરકારે આમાં માત્રને માત્ર સરકારી મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે.
આમાં એએમસી સંચાલિત, ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી તથા ખાનગી કૉલેજને જોતરવામાં આવ્યાં નથી.
જે મામલે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે.
વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ મેળવે ત્યારે તેમની પાસે બૉન્ડ કરાવવામાં આવે છે કે પાસ થયા પછી તેમણે ત્રણ વર્ષ માટે ગુજરાતમાં જ્યાં મૂકવામાં આવે ત્યાં ફરજ બજાવવી પડશે.
આવું ન કરનારને પાંચ લાખ રૂપિયા જમા કરવા પડયા હોય છે.
વિદ્યાર્થીઓનો દાવો છે કે સરકાર આ પાંચ લાખ સ્વીકારવાની પણ ના પાડી રહી છે.
આ મામલે વિદ્યાર્થીઓનું એક જૂથ આરોગ્ય-કમિશનર જયપ્રકાશ શિવહરેને પણ મળ્યું હતું.
જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી રસીના 10 કરોડ ડોઝ આપી શકીશું - અદાર પૂનાવાલા
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ઑક્સફર્ડની વૅક્સિનને લઈને અદાર પૂનાવાલાએ કહ્યું છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં 10 કરોડ ડોઝ વૅક્સિનના મળી શકે છે.
જાણીતી ફાર્મા કંપની ઍસ્ટ્રાજેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી કોરોના વાઇરસની વૅક્સિન COVAXINનું પરિણામ ઉત્સાહતજનક રહ્યું છે.
આ વાત સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ સોમવારે કહી.
આના કેટલાંક કલાક પહેલાં ઍસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો હતો કે વૅક્સિન 90 ટકા અસરદાર છે. આમાં કોરોના વાઇરસની સામેના વૈશ્વિક જંગને મજબૂતી મળી છે.
મહત્ત્વનું છે કે કોરોના વાઇરસથી સંક્રમિતોના કારણે દુનિયામાં હાલ સુધી 13 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
એકલા ભારતમાં જ કોરોના વાઇરસના સંક્રમણના એક લાખ 34 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
તક્ષશિલા કાંડમાં ગુજરાત સરકાર જવાબદાર : રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે ગુજરાતના મુખ્ય સચિવ પાસેથી સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ચૂકવવામાં આવેલા વળતરની વિગતો માગી હતી.
પંચે જે પત્ર લખ્યો છે તેમાં સરકાર અને તેના અધિકારીઓને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે.
પંચે પત્રમાં લખ્યું છે, "જે પ્રકારે અહેવાલ દર્શાવે છે કે રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા બેજવાબદારી રાખવામાં આવી છે. રાજ્ય તેના અધિકારીઓના આ કાર્ય માટે જવાબદાર છે."
સુરતમાં મે, 2019માં તક્ષશિલા કૉમ્પલેક્ષમાં આગ લાગી હતી. જેમાં ટ્યુશન ક્લાસમાં ભણતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.
ઇઝરાયલના વડા પ્રધાને સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે 'ગુપ્ત મુલાકાત' કરી?
ઇઝરાયલી મીડિયા અનુસાર ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ રવિવારે સાઉદી અરેબિયા જઈને ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન સલમાન અને અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયા સાથે ખાસ મુલાકાત કરી છે.
ઇઝરાયલી મીડિયાએ ફ્લાઇટને ટ્રેક કરનારા ડેટા પરથી આ દાવો કર્યો છે કે નેતન્યાહૂ જે વિમાનનો ઉપયોગ કરે છે તેમાંથી એક બિઝનેસ વિમાન સાઉદી અરેબિયાના શહેર નિયોમ ગયું હતું.
અહીં ક્રાઉન પ્રિન્સ અને પૉમ્પિયો પહેલાંથી જ હાજર હતા.
ઇઝરાયલની સરકારે હાલ સુધીમાં આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ ઇઝરાયલના એક મંત્રીએ કહ્યું કે તેમણે વિદેશમંત્રાલયને આ અંગે કહ્યું છે.
જો ઇઝરાયલના મીડિયાની વાત સાચી છે તો આ સાઉદી અરેબિયા અને ઇઝરાયલના નેતાઓની પહેલી અધિકૃત મુલાકાત હશે. અમેરિકા ઇચ્છે છે કે ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે સંબંધ સામાન્ય થઈ જાય.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને સુડાનની વચ્ચે કૂટનૈતિક સંબંધ સ્થાપવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો