ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર, સાત જવાનોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને પાકિસ્તાને એકબીજા પર નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય સેનાએ જણાવ્યું કે પાકિસ્તાને શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ગુરેઝ અને ઉરી સહિત ઘણા સેક્ટરોમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો.

તેમજ પાકિસ્તાને પણ ભારત પર સંઘર્ષવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.

પાકિસ્તાનની સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીએ (મુઝફ્ફરાબાદ) એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય સેનાએ શુક્રવારે નીલમ અને ઝેલમ ખીણમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

ભારતીય સેના પ્રમાણે આ ગોળીબારમાં ભારતીય સુરક્ષાદળના ત્રણ જવાનો સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છે.

ભારતીય સુરક્ષાદળના ત્રણ સભ્યો ઘાયલ પણ થયા છે.

શ્રીનગરમાં ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સના નિવેદન અનુસાર પાકિસ્તાને હુમલા માટે મોર્ટાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો.

સેનાનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી જાણીજોઈને સામાન્ય નાગરિકોનાં ઠેકાણાંને નિશાન બનાવાયાં હતાં.

ભારતીય સેનાએ કહ્યું, "અમારી સેનાએ પણ સામી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણુંખરું નુકસાન કર્યું છે. અમે તેમના હથિયારોના ગોડાઉન, ઈંધણના પુરવઠા અને ઉગ્રવાદી લૉન્ચ પૅડ્સને નુકસાન પહોચાડ્યું છે."

પાકિસ્તાને ભારત પર લગાવ્યા આરોપ

પાકિસ્તાનની સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી (મુઝ્ફ્ફરાબાદ)ના નિવેદન અનુસાર ભારતીય પક્ષ તરફથી ગોળીબારમાં ચાર પાકિસ્તાની સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને 23 સૈનિકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનનું કહેવું છે કે ગોળીબારમાં તેમના ચાર નાગરિકોનાં પણ મૃત્યુ થયાં છે. ઘાયલ થનારાઓમાં બાળકો પણ સામેલ છે.

'ભારતીય સેનાનું ઘુસણખોરીનું કાવતરું નાકામ'

સેનાના અધિકારીઓના હવાલાથી જણાવાયું કે પાકિસ્તાની ફાયરિંગમાં ઉરીના નંબાલા સેક્ટરમાં બે જવાનોનાં મૃત્યુ થયાં છે. હાજી પીર સેક્ટરમાં BSFના એક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયુ છે. હાજી પીર સૅક્ટરમાં એક ભારતીય જવાન ઘાયલ પણ થયા છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે બારામુલા જિલ્લામાં ઉરી વિસ્તારમાં કમાલકોટ સૅક્ટરમાં બે નાગરિકોનાં મૃત્યુ પણ થયાં છે. ઉરીના હાજી પીર સૅક્ટરમાં બાલકોટ વિસ્તારમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

ભારતીય સેનાનું કહેવું છે કે પાકિસ્તાની હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

શ્રીનગરથી સંરક્ષણપ્રવક્તા રાજેશ કાલિયાએ જણાવ્યું કે, સેનાએ બૉર્ડર પાસે કેરન સૅક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘન દ્વારા ઘુસણખોરીનું કાવતરું નાકામ કરી દીધું.

તેમણે કહ્યું કે, "ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LAC પાસે કેરન સૅક્ટરમાં અમારી સેનાએ શુક્રવારે કેટલીક શંકાસ્પદ હલચલ જોઈ હતી. અમારા સચેત સૈનિકએ ઘુસણખોરીની આ કોશિશ નાકામ કરી દીધી હતી."

સવારથી જ ભારે ગોળીબાર

રાજેશ કાલિયાએ કહ્યું, "પાકિસ્તાનની તરફથી મોર્ટાર અને બીજાં હથિયારો દ્વારા હુમલો કરાયો. અમે પણ જડબાતોડ જવાબ આપ્યો."

BSFના અધિકારીઓએ જણાવ્યું કે 39 વર્ષના SI રાકેશ ડોભાલ બારામુલાની સીમા પાસે હુમલામાં મૃત્યુ પામ્યા. તેમને માથામાં ગોળી મારવામાં આવી હતી.

ડોભાલ ઉત્તરાખંડના ઋષિકેશના નિવાસી હતા અને વર્ષ 2004માં સેનામાં સામેલ થયા હતા. તેમના પરિવારમાં તેમના પિતા, પત્ની અને નવ વર્ષની એક દીકરી છે.

કૉન્સ્ટેબલ વસુ રાજા ખભા અને ગાલ પર ઈજા થઈ હતી અને હાલ તેમની હાલત સ્થિર છે.

એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે તહેનાત લગભગ તમામ BSF યુનિટ શુક્રવાર સવારથી જ ભારે ગોળીબારનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "અમારા જવાનો હુમલાનો સારી રીતે જવાબ આપી રહ્યા છે. અમે BSFનાં જવાનો, હથિયારો અને વાહનોની સંખ્યા વધારી દીધી છે."

ભારતીય સેના પ્રમાણે આ અઠવાડિયામાં આ બીજી વખત પાકિસ્તાનની સીમાએ ઘુસણખોરીનો પ્રયત્ન અસફળ બનાવાયો છે.

આ પહેલાં માછિલ સૅક્ટરમાં સાત-આઠ નવેમ્બરના રોજ પાકિસ્તાન તરફ ઘુસણખોરીની કોશિશ થઈ હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી.

આ ઑપરેશનમાં ત્રણ ચરમપંથી મૃત્યુ પામ્યા હતા અને સેનાના ત્રણ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું, "ભારતીય સેના પાસે પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરી રહેલા તમામ ઉગ્રવાદીઓને હરાવવાની પૂરી ક્ષમતા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો