સ્મૃતિ ઈરાની કોરોના પૉઝિટિવ, ગુજરાતમાં કરી હતી સભાઓ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ માટે ચાર બેઠકો પર પ્રચાર કરનારાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ટ્વીટર પર આપી છે.

તેમણે માહિતી આપતાની સાથે સંપર્કમાં આવનાર લોકોને ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી હતી.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની 23મી ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા. તેમણે કરજણ, ગઢડા, મોરબી અને લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી.

આ સભામાં ગુજરાત ભાજપના અનેક નેતાઓએ હાજરી આપી હતી.

સાઉદી અરેબિયા ખતમ કરશે કફાલા સિસ્ટમ, ભારતીયોને ફાયદો

સાઉદી અરેબિયા વિદેશી કામગાર સ્પૉન્સરશિપ સિસ્ટમને ખતમ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. સમાચાર સંસ્થા રૉયટર્સે આર્થિક અખબાર 'મઆલ'માં મંગળવારે છપાયેલા એક રિપોર્ટના આધારે આ ખબર આપી છે.

વિદેશી કામગાર સ્પૉન્સરશિપ સિસ્ટમને સાઉદી અરેબિયામાં કફાલા કહેવામાં આવે છે.

સાઉદી અરેબિયા આ વર્ષે વિશ્વના સૌથી મોટાં 20 અર્થતંત્રોના સંગઠન જી-20ની યજમાની કરવા જઈ રહ્યું છે. આના થકી તે દેશના ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માગે છે.

સાઉદી અરેબિયા ઇચ્છે છે કે દેશમાં વધુને વધુ વિદેશી પ્રતિભા આકર્ષિત થાય. આ ઉપરાંત તે ઑઇલ પર દેશના અર્થતંત્રની નિર્ભરતા પણ ઘટાડવા માગે છે.

'મઆલ' અખબાર અનુસાર કફાલા સિસ્ટમ સાઉદીમાં છેલ્લા સાત દાયકાથી અલમમાં છે. આ વ્યવસ્થા હેઠળ કામદાર એક જ ઍમ્પલૉયર સાથે કામ કરી શકે છે. કામદારના શોષણનો આરોપ લાગતો હોવાથી કફાલા સિસ્ટમની છેલ્લા કેટલાય સમયથી ટીકાઓ થઈ રહી હતી.

કૉંગ્રેસમાંથી પેટાચૂંટણી બાદ પણ અનેકને પક્ષપલટો કરતા જોશો : રૂપાણી

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું, "કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓ નાખુશ છે અને આ પેટાચૂંટણી પછી કૉંગ્રેસ અનેકને પક્ષપલટો કરતા જોશે."

તેમણે વધુમાં કહ્યું, "રાહુલ ગાંધીના નેતૃત્વની ક્ષમતાઓ પર લોકો પ્રશ્ન કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓને વંશીય નેતાગીરીમાંથી મુક્તિ મેળવવી છે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી.

કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતાં ખાલી પડેલી આઠ બેઠકો માટે 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસને ડૂબતું જહાજ પણ કહ્યું હતું.

દલિત સગીરનું બાળગૃહમાં મૃત્યુ, પોલીસ પર ટૉર્ચરનો આરોપ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમદાવાદના ખાનપુર બાળગૃહમાં 17 વર્ષના દલિત સગીરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે.

માતા-પિતાએ પોલીસ તપાસ દરમિયાન કરાયેલા ટૉર્ચરના કારણે મૃત્યુ થયાનો આરોપ મૂક્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે પીડિત અમદાવાદના ઇશનપુરનો રહેવાસી છે. ઇસનપુર પોલીસ દ્વારા 23 ઑક્ટોબરે હિંસક હુમલાના કેસમાં તેની ધરપકડ કરી હતી.

મંગળવારે સવારે છોકરાના પિતાને ખાનપુર ગૃહમાંથી તબિયત ખરાબ થઈ હોવાનો ફોન આવ્યો હતો અને તેમને સિવિલ હૉસ્પિટલ જવા કહેવામાં આવ્યું હતું.

પિતાએ કહ્યું, "હું જ્યારે પહોંચ્યો ત્યારે મારો દીકરો મૃત્યુ પામ્યો હતો. તેમણે મને ન કહ્યું કે કેવી રીતે મૃત્યુ પામ્યો હતો. હું જ્યારથી તેની ધરપકડ કરાઈ છે ત્યારથી તેને મળવાનો પ્રયત્ન કરું છું પરંતુ પોલીસે પરવાનગી આપી નથી."

"હું પહેલાં વકીલ સાથે ગયો હતો છત્તાં પણ મને પરવાનગી ન આપવામાં આવી. તેઓ બાળગૃહમાં મારા બાળકને ટૉર્ચર કરતા હોવાથી મને મળવા દેવામાં ન આવ્યો."

સેક્ટર 2ના એડિશનલ કમિશનર ઑફ પોલીસ ગૌતમ પરમારે કહ્યું, "બાળકને બાળ અદાલતમાં રજૂ કરીને ખાનપુર બાળગૃહમાં મોકલવામાં આવ્યો હતો. માતા-પિતા દ્વારા કરાયેલાં આરોપની અમને જાણ છે અને અમે પોસ્ટમૉર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ."

શાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઑફિસરનું આરજે ચુડાસમાનું કહેવું છે કે તેમણે મૃતકનાં અવયવોને ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલ્યાં છે. પ્રાથમિક તબક્કે તેમને શરીર પર કોઈ ઇજાના નિશાન મળ્યાં નથી અને પરિવારે કરેલા આરોપોનો તેમને ખ્યાલ છે.

અમેરિકા ભારતની સાથે : અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી 2+2 ચર્ચા માટે ભારત આવેલાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા ભારત તરફથી પોતાની અખંડતા માટે ભરવામાં આવી રહેલાં પગલાંઓની સાથે ઊભું છે.

માઇક પોમ્પિયોએ વધુમાં કહ્યું, "અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર માટે પોતાનો જીવ આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ વૉર મેમોરિયલ ગયા હતા. આમાં પીએલએની સાથે ઘર્ષણમાં મૃત્યુ પામેલા 20 ભારતીય સૈનિક પણ છે."

માઇક પોમ્પિયો આ પહેલાં પણ અનેક વખત ગલવાનમાં થયેલા ઘર્ષણને લઈને બોલી ચૂક્યા છે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન માઇક ઍસ્પર અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા છે.

બંને દેશોની સુરક્ષાના મુદ્દે અનેક કરાર થયા છે. તેમણે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી હતી.

કાશ્મીરમાં હવે કોઈપણ જમીન ખરીદી શકશે

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના જુના 11 કાયદાઓને નિરસ્ત બનાવી દીધા છે. જેના કારણે હવે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ જમીન ખરીદી શકશે.

જ્યારે કોઈ પણ ભારતીય ડોમિસાઇલ વિના ખેતીની જમીનને છોડીને જમીન ખરીદી શકે છે.

ગત વર્ષે 5 ઑગસ્ટે આર્ટિકલ 370ને હઠાવ્યા પછી આવેલા ગૃહમંત્રાલયના આ આદેશને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.

કાશ્મીરની રાજકીય પાર્ટીઓએ આ આદેશ પર આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ 'કાશ્મીરને સેલ' પર લગાવવા જેવું છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રીનગરમાં આ આદેશ પર કહ્યું કે ખેતીની જમીનને ખેડૂતો માટે આરક્ષિત રાખવામાં આવી છે અન કોઈ પણ આમાં હસ્તક્ષેપ નહીં કરે.

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર બિહારમાં આજથી પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થયું છે.

રાજ્યમાં આજે 71 બેઠકો પર મતદાન થશે આ બેઠકો પર 1 હજાર ઉમેદવાર ભાગ લઈ રહ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવા પછી પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણી પંચે તમામ મતદાન મથક અને મતગણતરી સમયે કોરોના વાઇરસની ગાઇડલાઈનનો આદેશ આપ્યો છે.

બિહારની 243 બેઠકમાંથી 94 બેઠક પર ચૂંટણી બીજા તબક્કામાં 3 નવેમ્બરે યોજાશે, જ્યારે 78 સીટ પર ચૂંટણી ત્રીજા તબક્કામાં નવેમ્બર 7એ યોજાશે. ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે

બિહારની ચૂંટણીમાં એક તરફ મહાગઠબંધન છે તો બીજી તરફ એનડીએ ચૂંટણી લડી રહ્યું છે.

મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા જળ, કૉંગ્રેસ અને ત્રણ સામ્યવાદી પક્ષ છે. તેમના મુખ્ય મંત્રીપદના દાવેદાર લાલુ પ્રસાદ યાદના દીકરા તેજસ્વી યાદવ છે.

એનડીએમાં ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), વિકાશસીલ ઇન્સાન પાર્ટી અને હિંદુસ્તાન આવામ મોર્ચાનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર એનડીએના મુખ્ય મંત્રીપદના દાવેદાર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો