You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર ચૂંટણીઃ પ્રથમ ચરણમાં 53.46 ટકા મતદાન
બુધવારે બિહાર વિધાનસભાની પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે 6 વાગ્યા સુધી 53.46 ટકા મતદાન થયું છે.
જોક, ચૂંટણીપંચ અનુસાર આ અંતિમ આંકડા નથી અને તેમાં ફેરફાર થઈ શકે છે.
કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે બિહાર વિધાનસભાની 71 બેઠકો માટે બુધવારે મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ અનુસાર ધૌરેયા વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 62.5 ટકા મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન સંદેશ વિધાનસભા બેઠકમાં થયું છે, જે 43.8 ટકા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણી છે. પ્રથમ તબક્કામાં બિહારના કુલ છ જિલ્લાની 71 બેઠકો પર મતદાન થયું છે.
એનડીએ તરફથી નીતીશ કુમારનો પક્ષ જદયૂ 35, ભાજપ 29, જીતનરામ માંઝીનો પક્ષ હમ-એસ છ અને મુકેશ સહનીનો પક્ષ વાઆઈપી એક બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.
બીજી બાજુ, આરજેડી 42, કૉંગ્રેસ 21 અને સીપીઆઈએમએલ આઠ બેઠક પર મેદાનમાં છે.
મીડિયા સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે કોરોના વાઇરસનું સંક્રમણ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું કે 2015ની વિધાનસભાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 54.94 ટકા મતદાન થયું હતું અને 2019મા લોકસભાની ચૂંટણી વખતે આ આંકડો 53.54 ટકા હતો.
નાયબ ચૂંટણી કમિશનર આશિષ કુંદ્રાએ જણાવ્યું કે સી-વિજિલ ઍપ મારફત આચાર સંહિતા ભંગની 450 ફરિયાદ નોંધવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ ચરણના મતદાનમાં કોવિડ-19 પ્રોટોકોલના ભંગની 89 ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ આઈપીસી અને એનડીએમસી ઍક્ટ હેઠળ નોંધવામાં આવી છે.
કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે લખ્ખીસરાયમાં મતદાન કર્યું જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ ગયા જિલ્લામાં મતદાન કર્યું હતું.
ગયા જિલ્લા મૅજિસ્ટ્રેટે ભાજપના ઉમેદવાર પ્રેમ કુમાર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને આદેશ આપ્યો છે. પ્રેમ કુમાર ભાજપના નિશાન વાળું માસ્ક પહેરીને મતદાન કરવા આવ્યા હતા.
મોદી અને રાહુલ ગાંધીની સભાઓ
બિહારમાં 3 નવેમ્બરે બીજા ચરણનું મતદાન થવાનું છે અને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પટના અને મુઝફ્ફપુરમાં જાહેરસભાને સંબોધી હતી, જ્યાં તેમણે વર્તમાન બિહાર સરકાર અને મુખ્ય મંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. તેમને નીતીશ કુમારના 15 વર્ષના વહીવટને જોઈને વોટ આપવાની અપીલ કરી હતી.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ ચંપારણના વાલ્મિકી નગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કેન્દ્ર સરકારની ખોટી નીતિઓના કારણે ખેડૂતો, યુવાનો અને વેપારીઓ મુશ્કેલીમાં છે.
વડા પ્રધાનની સાવધાન વર્તવાની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોને ટ્વિટર પર કોરોનાકાળમાં સાવધાની સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે ઘરમાંથી નીકળવાની અપીલ કરી છે.
ટ્વિટરમાં તેમણે કહ્યું, "બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારી અપીલ છે કે તેઓ કોવિડ સંબંધિત સાવધાનીઓને અનુસરીને લોકતંત્રના આ પર્વમાં પોતાની ભાગેદારી સુનિશ્ચિત કરે."
"બે ગજના અંતરનું ધ્યાન રાખે. માસ્ક ચોક્કસથી પહેરે. યાદ રાખો કે પહેલાં મતદાન, બાદમાં જલપાન."
મુખ્ય ઉમેદવાર
પહેલા તબક્કાની ચૂંટણીમાં ગયા ટાઉન વિધાનસભાની સીટ પર સૌથી વધારે 27 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જ્યારે બાંકા જિલ્લાના કટોરિયા વિધાનસભામાંથી સૌથી ઓછા પાંચ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
પહેલાં તબક્કાની ચૂંટણીમાં અનેક મુખ્ય નેતા મેદાનમાં છે. જમુઈથી કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં 27 વર્ષનાં શ્રેયસી સિંહ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
જમુઈ લોકસભા વિસ્તારમાંથી ચિરાગ પાસવાન સંસદસભ્ય છે અને તેમણે શ્રેયસી સિંહને સમર્થન આપ્યું છે. શ્રેયસીને આરજેડીના વિજય પ્રકાશ યાદવ ટક્કર આપશે.
વિજય પ્રકાશ યાદવ જમુઈથી 2015માં ધારાસભ્ય બન્યા હતા. વિજય પ્રકાશ યાદવ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ યાદવના ભાઈ છે. જયપ્રકાશ યાદવનાં પુત્રી દિવ્યા પ્રકાશ તારાપુર વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યાં છે.
આ સિવાય ગયા ટાઉનથી ભાજપના પ્રેમ કુમાર, વિજયકુમાર સિંહા લખીસરાયથી, બાંકાથી રામનારાયણ મંડલ, જહાનાબાદથી કૃષ્ણાનંદન પ્રસાદ સિંહા, દિનારાથી જયકુમાર સિંહ અને રાજપુરથી સંતોષકુમાર નિરાલા ચૂંટણી મેદાનમાં છે.
ઇમામગંજથી બિહારના પૂર્વ મુખ્ય મંત્રી જીતન રામ માંઝી મેદાનમાં છે અને તેમને આરજેડીના ઉદય નારાયણ ચૌધરી ટક્કર આપી રહ્યા છે. ઉદય નારાયણ ચૌધરી જેડીયુમાંથી આરજેડીમાં આવ્યા છે.
મુખ્ય મુકાબલો
બિહારની ચૂંટણીમાં આ વખતે મુખ્ય લડાઈ નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ અને તેજસ્વીના નેતૃત્વવાળા ગઠબંધનની વચ્ચે છે.
નીતિશ કુમાર સતત ચોથી વખત મુખ્ય મંત્રી બનવા માટે જનાદેશ માગી રહ્યા છે.
રાષ્ટ્રીય જનતા દળ એટલે આરજેડીના નેતૃત્વવાળા ગઠબંધનમાં કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષ છે. આ ગઠબંધને બિહાર ચૂંટણીમાં બેરોજગારી અને કોરોનાની મહામારીની શરૂઆતમાં લદાયેલા લૉકડાઉનથી ઉપજેલી સ્થિતિને મુદ્દો બનાવ્યો છે.
તેજસ્વી યાદવ વિપક્ષના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર છે અને તેમણે 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે.
બીજી તરફ નીતીશ કુમાર ગત 15 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે અને તેમની સામે સત્તાવિરોધી લહેરની વાત કરવામાં આવી રહી છે.
નીતીશ કુમાર ચૂંટણી સભાઓમાં કહી રહ્યા છે કે તેમની હારથી બિહારમાં કથિત 'જંગલ રાજ' પરત આવશે.
નીતીશથી પહેલાં બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં પત્નીના શાસનકાળને મીડિયાના એક તબકા અને વિપક્ષ દ્વારા 'જંગલ રાજ' કહેવામાં આવતું હતું.
બીજી તરફ 30 વર્ષના તેજસ્વી યાદવે નીતીશ કુમારને રોજગારી અને શિક્ષાના મુદ્દાને લઈને ખૂબ જ ઘેર્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો