You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા પાંચનાં મૃત્યુ TOP NEWS
પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીની એક ઇમારતમાં વિસ્ફોટ થયો, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર ઓછામાં પાંચનાં મૃત્યુ થયાં છે જ્યારે 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
કરાચીમાં હાજર બીબીસી સંવાદદાતા રિયાઝ સુહૈલે જણાવ્યું કે કરાચી યુનિવર્સિટીના પ્રવેશદ્વારની સામે આવેલી એક ચાર માળની ઇમારતમાં બુધવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો.
ઇમારતના ગ્રાઉન્ડ ફ્લૉર પર બૅન્ક, રેસ્ટોરાં અને અન્ય ઇમારતો આવેલી છે, જ્યારે ઉપરના માળે રહેવાસી ફ્લૅટ બનેલા છે.
ઘાયલોને નજીકની પટેલ હૉસ્પિટલમાં લઈ જવાયા છે.
મૃતકોમાંથી ત્રણના મૃતદેહ ઝીણા હૉસ્પિટલ અને બેના મૃતદેહ અબ્બાસી શહીદ હૉસ્પિટલમાં મોકલી દેવાયા છે.
બૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જણાવ્યું કે ગૅસ લીક થવાના લીધે વિસ્ફોટ થયો છે અને કોઈ પણ પ્રકારની વિસ્ફોટક સામગ્રીના ઉપયોગના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
હાથરસ કેસ અંગે મીડિયામાં વાત કરવા બદલ નોકરીમાંથી હકાલપટ્ટી - બે ડૉક્ટરોનો દાવો
હાથરસ કેસ અંગે મીડિયામાં વાત કરવા બદલ નોકરીમાં હઠાવવામાં આવ્યા હોવાનો દાવો બે ડૉક્ટરોએ કર્યો છે.
ધ હિંદુના અહેવાલ અનુસાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સંલગ્ન જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના બે ડૉક્ટરોએ આરોપ મૂક્યો છે કે હાથરસ કથિત ગૅંગરેપ કેસમાં બિનઅધિકૃત રીતે મીડિયા સાથેની વાત કરવાના કારણે તેમને નોકરીમાંથી હઠાવી દેવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એએમયૂના અધિકારીઓનું કહેવું છે કે આ એક રૂટિન કેસ છે, આનો હાથરસ સાથે સંબંધ નથી.
કેઝ્યુઅલ્ટી મેડિકલ ઑફિસર તરીકે કામ કરતા ડૉ. મોહમ્મદ અઝીમુદ્દીન મલિક અને તેમના સહકર્મી ડૉ. ઓબૈદ ઇમ્તિયાજુલ હકનો આરોપ છે કે કુલપતિ તારિક મંસૂરે તેમની નોકરી છીનવી લીધી હતી.
સીએમઓ-ઇન્ચાર્જ એસ.એ.એચ ઝૈદીના હસ્તાક્ષરવાળા પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે કુલપતિએ ઇમરજન્સી અને ટ્રોમા મેડિકલ ઑફિસર તરીકે તેમની નિમણૂકને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરી છે.
ડૉ.મલિકે કહ્યું છે કે હાથરસ કેસમાં ફૉરેન્સિક રિપોર્ટ પર તેમનું નિવેદન મીડિયામાં છપાયા પછી તેમનો લેખિત જવાબ માગવામાં આવ્યો હતો.
વલસાડ સ્કૂલના બદનક્ષી કેસમાં જિજ્ઞેશ મેવાણી દોષમુક્ત જાહેર
વલસાડની આરએમવીએમ સ્કૂલે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે કરેલાં ડિફેમેશનના કેસમાં જિજ્ઞેશ મેવાણીને દોષમુકત જાહેર કરવામાં આવ્યા છે.
શાળા પ્રિન્સિપાલે જિજ્ઞેશ મેવાણી સામે એક ટ્વીટને લઈને ફરિયાદ કરી હતી.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં શિક્ષક વિદ્યાર્થીને પીટી રહ્યાનો વીડિયો હતો. તેમણે વડા પ્રધાન મોદીના કાર્યાલયને ટેગ કરી લખ્યું હતું કે આ આરએમવીએમ શાળાનો વીડિયો છે.
જેને લઈને શાળાના પ્રિન્સિપલ દ્વારા કરાયેલી ફરિયાદ પછી જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ ડિલીટ કર્યું હતું.
ચુકાદો આપતા જજે કહ્યું, "જે મોબાઇલથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને જે મોબાઇલથી ટ્વીટને જોવામાં આવ્યું છે તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા નથી. મોબાઇલ ફોનનો કબજો લેવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કરાયો છે. પરંતુ આ ઘટનાને લઈને પુરાવા મૂકવામાં આવ્યા નથી."
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, "વકીલ અને ધારાસભ્ય હોવાના કારણે મને કોઈપણ ગુનામાં સૌથી અગત્યની બાબત ગુનાહિત ઇરાદો અગત્યની બાબત હોય એવી ખબર છે. આ કેસમાં, મારો તે સ્કૂલને બદનામ કરવાનો કોઈ ઇરાદો ન હતો. છત્તાં તેમણે મારી સામે ક્રિમિનલ ફરિયાદ નોંધાવી. મેં જાહેરમાં અને ન્યૂઝ ચેનલ પર માફી માગી છતાં શાળા આ મેટરને ખેંચી રહી હતી. આ રૂપાણી સરકારની સંડોવણી વિના શક્ય નથી. તેમણે આવા સામાન્ય મુદ્દા માટે મારા ત્રણ દિવસના વધારે જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરી હતી. છેવટે હું નિર્દોષ મુક્ત થયો, સત્યમેવ જયતે."
અમદાવાદમાં રમાશે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પિન્ક બૉલ ડૅ-નાઇટ ટેસ્ટ
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ ભારતના પ્રવાસે આવે તે દરમિયાન અમદાવાદમાં ડૅ-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટ મૅચ યોજાઈ શકે છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઇંગ્લૅન્ડ આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે આવી રહ્યું છે તે અહીં પાંચ ટેસ્ટ મૅચ અને લિમિટેડ ઑવર્સની મૅચ રમશે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતા પ્રેસ ક્લબમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું, "અમદાવાદમાં ડે-નાઇટ ટેસ્ટ યોજાશે."
તેમણે વધુમાં કહ્યું કે અમદાવાદ, ધર્મશાલા અને કોલકાતા આ ત્રણ જગ્યાએ ટેસ્ટ મૅચ યોજાઈ શકે છે, પણ ફાઇનલ નિર્ણય કરવાનો બાકી છે.
જોકે તેમણે વધુ સ્પષ્ટતા ન કરી હતી અને કહ્યું, "અમે કેટલાંક ટૅન્ટેટિવ પ્લાન બનાવ્યા છે પરંતુ કાંઈ પણ નક્કી થયું નથી. હજુ અમારી પાસે ચાર મહિનાનો સમય છે. હાલ ઑસ્ટ્રેલિયા આવી રહ્યું છે. જેના માટે ખેલાડીઓની પસંદગી થોડા દિવસમાં થશે."
સુરત ઍરપૉર્ટ માટે સીઆઈએસએફને ચૂકવવા પૈસા નથી
ઍરપૉર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(એએઆઈ)ની પાસે સુરત ઍરપૉર્ટ માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને ચુકવવા માટે પૈસા નથી એવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.
સામાન્ય રીતે ઍરપૉર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ઍરપૉર્ટની સલામતી માટે કરોડ રૂપિયા ખર્ચતી હોય છે.
અહેવાલ અનુસાર સીઆઈએસએફના ડિરેક્ટર જનરલને લખવામાં આવેલાં પત્રમાં એએઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે ગૃહ મંત્રાલયે પૂર્વ આપેલી મંજૂરી પ્રમાણે સુરત ઍરપૉર્ટ પર જો સીઆઈએસએફની નિમણૂક કરવામાં આવે તો તે સુરત ઍરપૉર્ટ પર કોરોના વાઇરસના કારણે વધારાનો બોજો હશે.
એએઆઈની સક્ષમ ઑથોરિટીએ આગલા નાણાકીય વર્ષ સુધી ઍરપૉર્ટ પર સીઆઈએસએફની સૂચિત ગોઠવણી અને ઇન્ડક્શનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે, જેની સમીક્ષા કરવામાં આવશે.
વર્ષ 2018-19માં એએઆઈએ 1200 કરોડ રૂપિયા સીઆઈએસએફ પાછળ અને 35 કરોડ રૂપિયા રાજ્ય પોલીસની નિમણૂક માટે ખર્ચ્યા છે.
સુરત ઍરપૉર્ટનો ઉપયોગ વડોદરા અને રાજકોટ કરતાં પણ વધારે પ્રવાસી કરે છે છત્તાં ત્યાં 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
કમોસમી વરસાદના કારણે 26 ઑક્ટોબર સુધી મગફળીની ખરીદી નહીં
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી કેટલાંક દિવસ વરસાદ પડવાની સંભાવના હોવાના કારણે સરકારે મગફળીની ખરીદીને 26 ઑક્ટોબર સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે કહ્યું, ભેજવાળાં હવામાનના કારણે ખેડૂતના પાકને ખરાબ થયેલો ગણવામાં ન આવે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
4.67 લાખ ખેડૂતોએ મંગળવાર સાંજ સુધી મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં આગામી ચાર દિવસમાં ડિપ્રેશનના કારણે વરસાદ પડવાની શક્યતા છે. ડિપ્રેશન નબળું પવા લાગ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના છુટાછવાયા વિસ્તારમાં ચોથા દિવસે પણ વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાએ પણ આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે.
હાથરસ કેસમાં આરોપીઓને મદદ કરવાનો યોગી સરકાર પર આક્ષેપ
'બીબીસી હિન્દી'ના અહેવાલ અનુસાર હાથરસ ગૅંગરેપ કેસમાં સામાજિક કાર્યકર્તા મેધા પાટકર સહિત નવ સભ્યોના એક સમૂહે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જાહેર કર્યો છે.
આ રિપોર્ટમાં અનેક પ્રકારની વાત મૂકવામાં આવી છે આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યએ સત્યને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને કેસ હંમેશા માટે બંધ કરવાનો પ્રયત્ન થયો છે. સિવિલ સોસાયટી અને મીડિયાના એક સમૂહ દ્વારા જ્યારે કેસને ઉઠાવવાનો અને સત્ય બહાર લાવવાનો પ્રયાસ થયો ત્યારે સ્થિતિ બદલાઈ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાએ ઉત્તર પ્રદેશની 'હિંસાને લઈને ગંદુ રાજકારણ' સામે લાવ્યું છે, "જે કહેવાતા ઉચ્ચ જાતિના દમનકારી બળ સહિત સમાજના એ તબકાઓને પ્રોત્સાહન આપવાનું અને સંરક્ષણ આપવાનું કામ કરે છે, જે જાહેરમાં કાયદો, સંવિધાન અને માનવઅધિકારનું ઉલ્લંઘન કરે છે."
આ સમૂહે નવ ઑક્ટોબરે હાથરસનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ગામમાં પીડિત પરિવાર અને તેમના પરિવારના સભ્યોની મુલાકાતને આધારે અહેવાલ તૈયાર કર્યો છે.
ટીઆરપી સ્કૅમ અંગે ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદ
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ટીઆરપી સ્કૅમ કેસમાં સીબીઆઈએ તપાસ માટે કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીએ કેસ દાખલ કરવા માટે આ મામલે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી ફરિયાદને આધાર બનાવી છે.
અધિકારીઓએ કહ્યું કે રેટિંગમાં હેરફેરના આરોપ પર એફઆઈઆર નોંધાયા પછી સીબીઆઈએ લખનઉ પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લીધી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે અને તેણે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલો પર આરોપ મૂક્યા છે.
રિપબ્લિક ટીવીએ સીબીઆઈ તપાસની માગ કરી છે અને મુંબઈ પોલીસ પર આરોપ મૂક્યો છે કે સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને સવાલ ઉઠાવવાના કારણે તેની સામે બદલાની કાર્યવાહી કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો