NEET-2020નું પરિણામ જાહેર,’શોયેબ આફતાબ દેશમાં અવલ’

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 'નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ' નીટ-2020નું પરિણામ જાહેર કરી દીધું છે.

મેડિકલમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દેશમાં રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષા લેવાય છે.

મીડિયા અહેવાલો અનુસાર ઑડિશાના શોયેબ આફતાબે નીટ-2020માં 720માંથી 720નો સ્કૉર કર્યો છે. અગાઉ નીટની પરીક્ષા હાથ ધરનારી એજન્સીએ આન્સરકી જાહેર કરી હતી તેના અનુસંધાને શોયેબને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે તેમણે 720માંથી 720નો સ્કૉર મેળવ્યો છે. પરંતુ આજે એજન્સીએ સત્તાવાર પરિણામ જાહેર કર્યું છે.

'બિઝનેસ ટુડે'ના રિપોર્ટ મુજબ શોયેબ આ સાથે જ ઑલ ઇન્ડિયા વન રૅન્ક મેળવી દેશમાં અવલ આવ્યા છે.

શોયેબે પરિણામ વિશે ખુશી વ્યક્ત કરી છે અને તેનો શ્રેય તેમના માતાને આપ્યો છે. તેમને હવે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં અભ્યાસ કરવાની ઇચ્છા છે.

અત્રે નોંધવું કે 13 સપ્ટેમ્બર અને 14 ઑક્ટોબર એમ બે તારીખોએ બે તબક્કામાં નીટની પરીક્ષા લેવાઈ હતી.

પ્રથમ તબક્કામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 85-90 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે બીજા તબક્કામાં 200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા.

તનિષ્ક કેસ : કચ્છ પોલીસે એનડીટીવી સામે ફરિયાદ દાખલ કરી

ગાંધીધામમાં 'તનિષ્ક' શોરૂમમાં હુમલો થવાના ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ કચ્છ પોલીસે એનડીટીવી સામે ફરિયાદ દાખલ કરી છે.

બીબીસીના સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાએ કહ્યું, "શુક્રવારે કચ્છ (ઇસ્ટ) પોલીસ દ્વારા ગાંધીધામ તનિષ્ક સ્ટોર મામલે ખોટા સમાચાર ચલાવવા બદલ એનડીટીવી સામે ફરીયાદ દાખલ કરી છે. ફરીયાદ કોણે દાખલ કરી અને તપાસ કોણ કરી રહ્યું છે, તે વિશે પોલીસે કોઈ માહિતી આપી નથી.'

તેમણે જણાવ્યું કે એસપી મયુર પાટીલ સાથે જિલ્લા પોલીસ વડાનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી.

14 ઑક્ટોબરના રોજ એનડીટીવીએ પોતાની વેબસાઇટ પર સામાચાર પ્રસારિત કર્યા હતા કે 'તનિષ્ક'ની 'એકત્વમ' જાહેરાત બાદ ગાંધીધામસ્થિત 'તનિષ્ક' સ્ટોરમાં હુમલો કરાયો હતો.

જોકે તપાસ બાદ આ સમાચાર ખોટા સાબિત થયા હતા. તપાસમાં સ્ટોર મૅનેજરે હુમલાની વાતને નકારી કાઢી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી છ વર્ષમાં માત્ર 22 વખત સંસદમાં બોલ્યા

નરેન્દ્ર મોદીના સમયમાં શું સંસદ દેશના મુદ્દાઓ પર ચર્ચા કરી રહી નથી? અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક લેખ અનુસાર ગત છ વર્ષમાં મોદીએ સંસદમાં માત્ર 22 વખત સંબોધન કર્યું છે.

ક્રિસ્ટૉફ જાફરલૂ અને વિહાંગ જુમલેએ સંયુક્ત રીતે લખેલો આર્ટિકલ કહે છે કે મોદી સરકાર સંસદને નજરઅંદાજ કરી રહી છે.

લેખ અનુસાર એચડી દેવેગૌડા જે માત્ર બે વર્ષ વડા પ્રધાન હતા, તેઓ પણ મોદીથી વધારે વખત સંસદમાં બોલ્યા હતા.

ભાજપના જ અટલ બિહારી વાજપેયીએ છ વર્ષમાં 77 વખત સંસદમાં સંબોધન કર્યું જ્યારે દસ વર્ષ સુધી વડા પ્રધાન રહેલાં મનમોહન સિંહે 48 વખત સંસદમાં પોતાની વાત મૂકી.

લેખ અનુસાર મોદી સંસદની જગ્યાએ સીધા લોકો સાથે સંવાદ કરવામાં વિશ્વાસ રાખે છે પછી તે રેડિયો દ્વારા 'મન કી બાત' હોય કે પછી સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહેવું.

પરંતુ સંદેશ આપવાની આ બંને રીતમાં એક સમાનતા છે, તે એ છે કે મોદી એકતરફી સંદેશ આપવામાં ભરોસો રાખે છે જેમાં સાંભળનાર તેમને સવાલ પૂછી શકતો નથી.

લેખમાં કહેવામાં આવ્યું છે કે સંસદને નજરઅંદાજ કરીને મોદી સરકાર અધ્યાદેશ લાવવાનો રસ્તો અપનાવે છે. મનમોહન સરકારમાં જ્યાં એવરેજ 6 અધ્યાદેશ આવતા હતા, ત્યાં મોદી સરકારમાં એક વર્ષમાં એવરેજ 11 અધ્યાદેશ આવે છે. પ્રસ્તાવિત બિલોને સંસદીય સમિતિની પાસે મોકલાવની કવાયત ઓછી થઈ ગઈ છે.

સાસુ-સસરાના મકાનમાં પણ પુત્રવધૂને રહેવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યું કે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પુત્રવધૂને પોતાના સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર છે.

દૈનિક જાગરણમાં છપાયેલા સમાચાર અનુસાર, ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બૅન્ચે તરુણ બત્રા મામલામાં આ કહ્યું છે.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પરિવારની સંપત્તિ અને રહેણાંક ઘરમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પત્નીને હક મળશે.

સુપ્રીમ કોર્ટે આ બાબતે આપેલા પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ઘરેલુ હિંસાનો શિકાર પત્નીને પોતાના સસરાની વારસામાં મળેલી સંપત્તિ અને પારિવારિક સંપત્તિ એટલે ઘરમાં રહેવાનો કાયદાકીય અધિકાર હશે. સાથે જ પતિની અર્જિત થયેલી સંપત્તિ એટલે અલગથી બનાવેલા ઘર પર તો અધિકાર રહેશે જ.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ઘરેલુ હિંસા કાયદો 2005નો હવાલો આપીને આ વાત સ્પષ્ટ કરી છે.

ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ કાયદા 2005 પર વિસ્તારથી ચર્ચા કરતા સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું, "કોઈપણ સમાજની પ્રગતિ મહિલાઓનાં અધિકારોની રક્ષા કરવા અને તેને વધારો આપવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. બંધારણ દ્વારા મહિલાઓને સમાન અધિકાર અને વિશેષાધિકારની ગૅરન્ટી આપવી દેશમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો લાવવાની તરફ લેવામાં આવેલું પગલું હતું."

ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ.આર.શાહની પીઠે આ ચુકાદો આપ્યો છે.

ખંડપીઠે પોતાના 151 પાનાનાં ચુકાદામાં કહ્યું, "અનુચ્છેદ 2 (એસ) હેઠળ કૌટુંબિક ઘરની વ્યાખ્યા માત્ર એટલી જ નથી કે તે ઘર જે સંયુક્ત પરિવારનું ઘર છે જેમાં પતિ પણ એક સભ્ય છે અથવા તેમાં પીડિત મહિલાનો પણ ભાગ છે."

કોર્ટે કહ્યું કે પારિવારિક ઘર તે સ્થાને છે જ્યાં મહિલાઓ રહે છે અથવા ઘરેલુ સંબંધમાં એકલા અથવા પતિની સાથે ક્યારેક રહી હોય તે ઘર પણ સામેલ છે જેના પર માલિકી હક છે અથવા જે ભાડા પર આપવામાં આવ્યું છે.

12 વર્ષીય કિશોરે સાત કરોડ વર્ષ પ્રાચીન દુર્લભ ડાયનોસોરનું કંકાલ શોધ્યું

કૅનેડાના અલ્બર્ટા ખાતે નેથન રશકિન નામના એક 12 વર્ષીય કિશોરે છ કરોડ 90 લાખ વર્ષ પૂર્વે જમીનમાં દટાયેલું ડાયનોસોરનું કંકાલ શોધી કાઢ્યું છે.

નાનપણથી ડાયનોસોર વિશે જાણવા માટે રુચિ ધરાવનાર નેથન પોતાના પિતા સાથે ફૉસિલથી ભરપૂર એવા અલ્બર્ટાની ઘણી વાર મુલાકાત લઈ ચૂક્યા છે. આવી જ એક મુલાકાત દરમિયાન તેમને આ દુર્લભ ડાયનોસોરનું વર્ષો પુરાણું કંકાલ મળી આવ્યું છે.

નોંધનીય છે કે આ સ્થળ આલ્બર્ટોસોરસ નામના ડાયનોસોરોની જીવાશેષો મળી આવવા માટે પ્રખ્યાત છે. પરંતુ નેથનને મળેલ ડાયનોસોરનું નામ હેડ્રોસોર છે. અત્યાર સુધી તે સ્થળ પરથી 30 થી 50 હાડકાં મળી આવ્યાં છે. જે એક ત્રણ વર્ષીય હેડ્રોસોરનાં હોવાનું મનાઈ રહ્યું છે. આટલા જૂના જીવાશેષોનું મળી આવવું ઘણું દુર્લભ માનવામાં આવે છે.

કોરોના વાઇરસ :ગુજરાતમાં કુલ કેસોના દસ ટકા કરતાં પણ ઓછા લોકો સારવાર હેઠળ

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુરુવારે કોરોનાના નવા 1185 કેસો નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 1.56 લાખના આંકડાને આંબી ગઈ હતી.

નોંધનીય છે કે ગુરુવારે આ જીવલેણ વાઇરસ રાજ્યમાં 11 લોકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 3634 થઈ ચૂકી છે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ગુરુવારે નવા 186 કેસની સાથે અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 38,655 થઈ જવા પામી હતી.

વધુ ચિંતાજનક વાત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદ બહાર અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં અત્યાર સુધી 1863 કેસો નોંધાઈ ચૂક્યા છે. તેમજ આજ દિન સુધી 58 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

આ સિવાય જિલ્લાના બાકીના કોરોના કેસો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારમાં નોંધાયા છે.

અહેવાલ અનુસાર સમગ્ર ગુજરાતમાં હાલ 14,700 કોરોના વાઇરસની સારવાર લઈ રહ્યા છે. જે કુલ કેસોના દસ ટકા કરતાં પણ ઓછી સંખ્યા છે.

GPSC, LRDની પરીક્ષામાં સફળ યુવાનો પેટાચૂંટણીમાં ઝંપલાવી વિરોધ નોંધાવશે

અમદાવાદ મિરરના એક અહેવાલ પ્રમાણે 13 દિવસથી વિરોધપ્રદર્શન કરી રહેલા GPSC અને લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષામાં સફળ ઉમેદવારોએ પેટાચૂંટણીમા ઝંપલાવી વિરોધપ્રદર્શન કરવાનો વિચાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે અહેવાલ અનુસાર આ યુવાનો GPSC અને LRDની પરીક્ષામાં સફળ થયા હોવા છતાં નિમણૂક ન અપાતાં સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે.

આવનારા સમયમાં ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર યોજાનાર ચૂંટણીજંગમાં ઝંપલાવવા માટે અત્યાર સુધી સેંકડો આ યુવાનો દ્વારા સેંકડો ફોર્મ લેવાયાં છે.

શિક્ષિત બેરોજગાર યુવાનોની સમિતિના સભ્ય દિનેશ ભાંબણીયાએ યુવાનોની બેરોજગારીના મુદ્દાને ગંભીર ગણાવતાં કહ્યું હતું કે, “ગુજારાતમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર 14 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. યુવાનો વિરોધપ્રદર્શન થકી પોતાની સમસ્યા સરકારના ધ્યાને લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

તેમના જણાવ્યાનુસાર, “એવા ઘણા યુવાનો છે જેમણે મહિનાઓ અગાઉ GPSC અને LRDની પરીક્ષા પાસ કરી લીધી હોય તેમ છતાં તેમને અત્યાર સુધી નિમણૂક નથી અપાઈ. જ્યારે આ મુદ્દે અમે ગાંધીનગરમાં પ્રદર્શન કરીએ છીએ ત્યારે અમારી અટકાયત કરી લેવાય છે. તેથી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે યુવાનોએ આવનારી પેટાચૂંટણીમાં ઝંપલાવવા માટે ફૉર્મ મેળવવાની શરૂઆત કરી દેવાઈ છે.”

“અત્યાર સુધી મોરબીમાં 182, લિંબડીમાં 116 અને ધારીમાં 96 યુવાનોએ ઉમેદવારીપત્રો લીધા છે. અમે આ ફૉર્મ ભરવાં કે કેમ તે અંગે જલદી જ નિર્ણય લઈશું.”

કૉંગ્રેસે લીમડી બેઠક પરથી ચેતન ખાચરને ઉમેદવાર બનાવ્યા

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસે સુરેન્દ્રનગરની લીમડી વિધાનસભા બેઠક પર યોજાનાર ચૂંટણીમાં ચેતન ખાચરને ઉતાર્યા છે.

નોંધનીય છે કે ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ મંત્રી કિરિટસિંહ રાણાની પસંદગી કરી છે.

ખાચર વર્ષ 2018ના મધ્ય ભાગ સુધી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. હાલ તેઓ જિલ્લા પંચાયતના સભ્ય છે.

નોંધનીય છે કે તેઓ સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

અહેવાલ અનુસાર ભગીરથસિંહ રાણા અને જીવરામ મેણીયા આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર બનશે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ અંતે કાઠી દરબારોના OBC સમૂહમાંથી આવતા ખાચરની પસંદગી કરાઈ હતી.

ઉત્તર પ્રદેશ : ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગોળી વાગતાં એકનું મૃત્યુ, ભાજપના નેતા પર આરોપ

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં દુર્જનપુર ગામમાં રાશનના ક્વોટાની પસંદગીને લઈને ચાલી રહેલી બેઠક દરમિયાન એક પક્ષ દ્વારા અચાનક ગોળીબાર શરૂ કરી દેવાતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું તથા ઘણા લોકો ઘાયલ થયા હતા. પાંચ ઘાયલ વ્યક્તિઓની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે જે સમયે આ ઘટના બની ત્યારે તે સ્થળે SDM અને પોલીસ અધિકારીઓ સહિત ઘણા મોટા અધિકારીઓ હાજર હતા. તેમ છતાં હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો.

જોકે, બાદમાં મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધ્યો હતો.

રાજ્ય સરકારે આ મામલે રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારના SDM સહિત ઘણા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટનાના મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપ સિંહ ભાજપના નેતા છે અને સ્થાનિક ધારાસભ્ય સુરેન્દ્ર સિંહની નિકટની વ્યક્તિ મનાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો