તનિષ્ક: કચ્છ-ગાંધીધામમાં વિવાદિત જાહેરાત બાદ કંપનીના સ્ટોરને ધમકી

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

જ્વેલરી બ્રાન્ડ 'તનિષ્ક'ના સ્ટોરની કે જાહેરાતને લઈને થયેલા વિવાદ બાદ ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક બ્રાન્ડના એક સ્ટોરના મૅનેજરને ધમકી આપવામાં આવી છે.

મીડિયા અહેવાલો મુજબ સ્ટોરના મૅનેજર પાસેથી જબરદસ્તી માફી માગતો પત્ર લખાવવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તનિષ્કના સ્ટોર બહાર માફી માગતો પત્ર ચિપકાવવામાં આવ્યો હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ તનિષ્કના ગાંધીધામના સ્ટોરે માફીપત્રની નોંધ ચિપકાવી છે.

જોકે તનિષ્ક સ્ટોરના મૅનેજર રાહુલે બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાને કહ્યું, "સોમવારની રાત્રે કેટલાક લોકોએ અમને ધમકી આપી હતી, માફીનો પત્ર લખીને આપવા કહ્યું હતું પરંતુ અમે કંઈ પણ લખીને આપ્યું નથી. અમને હજી આ બાબતે ફોન આવી રહ્યા છે."

"તેમણે આગળ કહ્યું હતું, મેં મારા વરિષ્ઠ અધિકારીઓને આ બાબતે જાણ કરી છે. કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ સાથે આ બાબતે વાત કરી રહ્યા છે."

આની પહેલાં જ્વેલરી બ્રાન્ડ 'તનિષ્ક'ની જાહેરાત પર સોશિયલ મીડિયામાં ભારે વિવાદ થઈ ચૂક્યો છે.

તનિષ્ક બ્રાન્ડની એક જાહેરાતનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો.

આ જાહેરાતમાં આંતરધર્મી દંપતીને દર્શાવવામાં આવ્યું છે અને હિંદુ વહુ તથા મુસ્લિમ સસરાપક્ષના સભ્યો બતાવવામાં આવ્યાં છે.

આ ઘટના અંગે કચ્છના એસપી મયુર પાટીલે બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાને કહ્યું કે "અમને તનિષ્ક સ્ટોર તરફથી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. જોકે, એમણે મંગળવારે કોઈ જ કારણ આપ્યા વિના પોલીસ સંરક્ષણ યાને કે બંદોબસ્તની માગણી કરી હતી. અમે એમનો સંપર્ક કર્યો છે અને હજી સુધી કોઈ લેખિત ફરિયાદ એમણે કરી નથી."

શું છે તનિષ્કની જાહેરાતનો વિવાદ?

સોશિયલ મીડિયા પર આ જાહેરાતની ટીકા કરનારા લોકોએ તનિષ્ક પર આરોપ મૂક્યો હતો કે આ જાહેરાત 'લવ-જેહાદને પ્રોત્સાહન' આપે છે.

વિવાદ થયા બાદ તનિષ્ક બ્રાન્ડે આ જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પરથી હઠાવવો પડ્યો હતો.

હાલમાં જ આ મુદ્દો ટ્વિટર પર ટ્રૅન્ડ કરતો રહ્યો અને સોશિયલ મીડિયા પર કેટલાટ યૂઝર્સ તનિષ્ક વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને બ્રાન્ડનો બહિષ્કાર કરવાની હાકલ પણ કરી હતી.

બીજી તરફ કેટલાક ટ્વિટર યૂઝર્સ તનિષ્ક બ્રાન્ડની વિરુદ્ધમાં કૉમેન્ટ કરી રહેલા લોકોની ટીકા કરી હતી.

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે પણ આ બાબતે ટ્વીટ કરીને કહ્યું હતું, "હિંદુ-મુસ્લિમ 'એકત્વમ'થી તેમને કેટલી હેરાનગતિ થાય છે, એ લોકો સૌથી લાંબા સમયથી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક રહેલા ભારતનો બહિષ્કાર કેમ નથી કરી દેતા?"

યુટ્યૂબમાં આ જાહેરાતને પોસ્ટ કરવામાં આવી ત્યારે તેમાં લખ્યું હતું, "આ મહિલાનાં લગ્ન એ પરિવારમાં થયાં છે, જ્યાં તેમને પુત્રીની જેમ પ્રેમ કરે છે. તેમનાં માટે આ પરિવાર એવા અવસરની ઉજવણી કરે છે, જેની ઉજવણી સામાન્ય રીતે તેમની ત્યાં નથી થતી. બે અલગ-અલગ સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાનું સુંદર જોડાણ."

43 સેકન્ડની આ જાહેરાતમાં તનિષ્કની 'એક્તવમ્' જ્વેલરી લાઇનનો પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તનિષ્કે સોશિયલ મીડિયા ચેનલ્સ પરથી જાહેરાત હઠાવી લીઘી છે.

બીબીસીએ તનિષ્કના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

તનિષ્ક બ્રાન્ડે પહેલાં સોશિયલ મીડિયા પર કૉમેન્ટ્સ ડિઝેબલ કરી હતી, પછી લાઇક્સ અને ડિસ્લાઇક્સને પણ ડિઝેબલ કર્યાં હતાં. પછી આ વીડિયો હઠાવી લેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો