You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 CSK vs SRH: રવીન્દ્ર જાડેજાનો એ જોરદાર સ્પિન બૉલ જેણે મૅચ પલટી દીધી
ભૂતપૂર્વ ચૅમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે આખરે ફોર્મ પરત મેળવીને મંગળવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ધોનીની ટીમનો 20 રનથી વિજય થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણા સમય બાદ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોનીની ટીમે 20 ઓવરને અંતે છ વિકેટે 167 રન ફટકાર્યા હતા જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેની 20 ઓવરને અંતે આઠ વિકેટે 147 રન કરી શકી હતી.
આમ છતાં આ મૅચના પરિણામથી બંને ટીમની પૉઝિશનમાં ખાસ ફરક પડ્યો ન હતો પરંતુ ચેન્નાઈના મનોબળ પર ચોક્કસ અસર પડી હશે.
ચેન્નાઈ, હૈદરાબાદ અને રાજસ્થાન હવે છ-છ પૉઇન્ટ ધરાવે છે પરંતુ નેટ રન રેટને આધારે હૈદરાબાદ હજી પણ ચેન્નાઈ કરતાં એક ક્રમ આગળ એટલે કે પાંચમા ક્રમે છે તો રાજસ્થાનની ટીમ ચેન્નાઈ કરતાં એક ક્રમ પાછળ એટલે સાતમા ક્રમે આવી ગઈ છે.
મૅચ જીતવા માટે 168 રનના લક્ષ્યાંક સામે રમતી હૈદરાબાદની ટીમ માટે ન્યૂઝીલૅન્ડના કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 39 બોલમાં લડાયક 57 રન ફટકાર્યા હતા. તેની વિકેટ બાદ હૈદરાબાદનો પડકાર શમી ગયો હતો. કિવિ બેટ્સમૅને હરીફ ટીમ સામે સારી એવી લડત આપી હતી.
આ સિવાય ડેવિડ વૉર્નર 9, જોની બૅરસ્ટો 23, મનીષ પાંડે 4 અને પ્રિયમ ગર્ગ માત્ર 16 રન કરી શક્યા હતા. ટી20માં સામાન્ય રીતે જોવા મળે છે તેવા જ શોટ દ્વારા હૈદરાબાદના બેટસમૅનોએ વિકેટો ગુમાવી હતી. કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને વિજય શંકર ઊંચા શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયા હતા.
તેનો અર્થ એ થયો કે સનરાઇઝર્સે સાવ હથિયાર હેઠાં મકી દીધા ન હતા પરંતુ લડત આપી હતી. તેના મોટા ભાગના બેટસમૅનોએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને 20મી ઓવરની શરૂઆત થઈ ત્યાં સુધી મૅચ જીતવા માટે પૂરતા પ્રયાસ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રાવોને બૉલિંગ
અંતિમ ઓવરોમાં રાશિદ ખાને એક સમયે તો ખુદ ધોનીને ચિંતામાં મૂકી દીધા હતા. રાશિદે આવતાની સાથે જ શાનદાર સિક્સર ફટકારી દીધી હતી તો તરત જ એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો પરંતુ તેઓ 8 બૉલમાં 14 જ રન કરી શક્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝના ડ્વેઇન બ્રાવો કદાચ જસપ્રીત બૂમરાહ કે હાર્દિક પંડયા જેવા ડૅથ ઓવરનો સ્પેશિયાલિસ્ટ નહીં હોય પરંતુ આખરે તે ટી20 ઇતિહાસમાં 500 વિકેટ ઝડપી ચૂક્યા છે અને તેથી જ ધોનીએ તેમને 20મી ઓવર માટે જાળવી રાખ્યા હતા.
આવા સંજોગોમાં અગાઉ જોવા મળ્યું છે કે રાહુલ તેવટિયા કે રિયાન પરાગ જેવા બેટ્સમેન છેલ્લી ઓવરમાં મૅચ આંચકી જતા હોય છે પરંતુ બ્રાવો જેવા અનુભવી બૉલર આમ થવા દેતા નથી જે આ મૅચમાં તેમણે પુરવાર કરી દીધું હતું.
બ્રાવોએ ત્રણ ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. આવી જ રીતે લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા પહેલી વાર તેના મૂળ ફોર્મમાં જોવા મળ્યો હતા. તેમણે એક વિકેટ લીધી હતી પરંતુ તે યાદગાર હતી.
જોન બૅરસ્ટો અત્યારે તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને જાડેજાએ એક અદભૂત સ્પિન બૉલમાં બેરસ્ટોને બોલ્ડ કર્યા હતા. આ મૅચનો કદાચ આ સર્વશ્રેષ્ઠ બૉલ હતો.
એકંદરે ચેન્નાઈ સુપર કિંગ્સે આ મૅચમાં બેટિંગ અને બૉલિંગ બંનેમાં સંતોષજનક દેખાવ કર્યો હતો. છેલ્લી કેટલીક મૅચથી ચેન્નાઈના ખેલાડીઓ ખાસ કરીને ધોની અને જાડેજા નિરાશ કરી રહ્યા હતા પરંતુ મંગળવારે આમ બન્યું ન હતું.
આ સિઝનમાં પહેલી વાર એમ લાગ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ કોઈ ચોક્કસ હેતુ સાથે, કોઈ વિશેષ પ્લાન સાથે રમી રહી છે.
બેટિંગમાં પણ ધોનીની ટીમે યોજનાદ્ધ રીતે પ્રદર્શન કર્યું હતું.
અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શેન વોટ્સન અને અંબાતી રાયડુએ મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. જોકે બેમાંથી એકેય બેટ્સમૅન અડધી સદી સુધી પહોંચી શક્યા ન હતા.
વોટ્સને 38 બૉલમાં 42 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો તો અંબાતી રાયડુએ બે સિક્સર અને ત્રણ બાઉન્ડરી સાથે 34 બોલમાં 41 રન ફટકાર્યા હતા. શેન વોટ્સનને બદલે આ મૅચમાં ફાફ ડુ પ્લેસિસ સાથે સેન કરનને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. તેમણે 21 બોલમાં આક્રમક 31 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સરનો સમાવેશ થતો હતો.
આવી શરૂઆત છતાં ચેન્નાઈની ટીમ 140ની આસપાસ અટકી જશે તેમ લાગતું હતું ત્યારે રવીન્દ્ર જાડેજા અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઉપયોગી બેટિંગ કરી હતી.
ધોનીએ 13 બૉલમાં 21 અને જાડેજાએ 10 બૉલમાં 25 રન ફટકાર્યા હતા. સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને ટી. નટરાજને બે-બે વિકેટ લીધી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો