You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિસુધારા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી -Top News
વિપક્ષના ભારે વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે કરેલા કૃષિ સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આરજેડીના રાજ્યસભા સાંસદ મનોઝ ઝાએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદા સામે અરજી કરી છે.
મનોજ ઝાએ સંસદમાં પસાર કરવામાં આવેલા ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા કાનૂન 2020, કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાનૂન 2020 અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાનૂન 2020ને ભેદભાવપૂર્ણ અને મનમાની રીતે લાગુ કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું છે.
એમની દલીલ છે કે આ કાયદાઓને કારણે ખેડૂતો મોટાં મૂડીવાદીઓના શોષણનો શિકાર થશે. બેઉ ગૃહમાં પસાર થયા પછી આ કાયદાઓ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કર્યા હતા અને તે27 સપ્ટેમ્બરથી લાગુ થયા છે.
આ ત્રણે કાયદા વિરુદ્ધ અગાઉ કૉંગ્રેસના કેરળના સાસંદ ટી.એન. પ્રથાપન અને તમિલનાડુના ડીએમકે સાંસદ ત્રિચી શિવાએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે.
વડા પ્રધાન સહિત ભાજપના તમામ નેતાઓ આ કાયદાઓને ખેડૂતો માટે હિતકારી ગણાવે છે.
સુશાંતનું મોત હત્યા હોવાના પુરાવા નથી - એઇમ્સ
સુશાંતના મોતને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે એઇમ્સે (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સે) સુશાંતની મોતમાં હત્યાની થિયરીનો ઇનકાર કરી દીધો છે.
બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું મોત હત્યા હતી કે પછી આત્મહત્યા હતી આ સવાલ છેલ્લા ઘણા મહિનાથી રહસ્ય બન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એઇમ્સના મેડિકલ બોર્ડે સુશાંતના મોતને ગળાફાંસો અને આત્મહત્યાથી થયેલી મોતનો કેસ ગણાવ્યો છે.
રિપોર્ટ અનુસાર એઇમ્સે નિવેદનમાં કહ્યું, સુશાંતના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની તપાસ પછી અમારી ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી છે.
આમ ડૉક્ટરોની પેનલે સુશાંતની મોતમાં હત્યાની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ડૉક્ટરનું કહેવું છે કે સુશાંતની મોત આત્મહત્યાનો કેસ છે.
એઇમ્સના ડૉક્ટરોએ 29મી સપ્ટેમ્બરે તેમનો તપાસ અહેવાલ સીબીઆઈને સોંપ્યો હતો. હવે સીબીઆઈ રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી કોઈ પરિણામ પર પહોંચશે.
એઇમ્સના ફૉરેન્સિક વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, મેડિકો-લીગલ મંતવ્યમાં એઇમ્સની છ સભ્યોની ટીમે સુશાંતને ઝેર અપાયું હોવાનો અથવા તેમનું ગળું દબાવાયું હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે વિસેરામાં ઝેર અથવા ડ્રગ્સના કોઈ પુરાવા મળ્યા નથી.
તેમણે કહ્યું' "અમે નિર્ણાયક રિપોર્ટ સીબીઆઈને આપી દીધો છે. શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. ઉપરાંત તેનું ગળું દબાવાયું હોવાના પણ કોઈ ચિહ્નો મળ્યા નથી. હવે સીબીઆઈ તેમની રીતે તેમનું કામ કરશે."
કોરોના પૉઝિટિવ ટ્રમ્પને સારવાર માટે આર્મી હૉસ્પિટલ ખસેડાયા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આર્મી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને રેમડેસિવિયર દવા અપાઈ રહી છે. જોકે, ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મારું સ્વાસ્થ્ય સારું છે. હું જલદી પાછો આવીશ. આપ સૌનો આભાર."
અમેરિકન પ્રમુખમાં કોરોનાના લક્ષણો જણાતાં તેમને શુક્રવારે વૉશિંગ્ટન ડીસીના મેરીલૅન્ડ પરાના બેથેસ્ડામાં વોલ્ટર રીડ મિલિટરી મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
ટ્રમ્પના ફિઝિશિયન ડૉ. સીન કોન્લીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ થાકેલા લાગે છે. જોકે, પાછળથી હેલ્થ બુલેટિન અપડેટ કરતાં તેમણે કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારૂં છે.
મોરેટોરિયમ દરમિયાનનું વ્યાજ પરનું વ્યાજ માફ કરવા કેન્દ્ર તૈયાર
'ઇકોનોમિક ટાઇમ્સ'ના રિપોર્ટ પ્રમાણે વ્યકિતગત લૉનધારકો, મધ્ય અને નાના ઉદ્યોગોને રાહત આપતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે કોરોના મહામારીને કારણે જાહેર કરવામાં આવેલા 6 મહિનાના મોરોટોરિયમ પિરિયડ દરમિયાન બે કરોડ રૂપિયા સુધીની લોન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) માફ કરવા સંમત છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે આ સંબંધમાં ગ્રાન્ટ ફાળવવા માટે સંસદની મંજૂરી માગશે.
ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે લૉન મોરેટોરિયમના સમયગાળા દરમિયાન વ્યાજ પરના વ્યાજના સંબધમાં ખાસ શ્રેણીઓમાં તમામ લૉનધારકોને રાહત મળશે પછી ભલે તેમણે લૉન મોરેટોરિયમનો લાભ લીધો હોય કે ન લીધો હોય.
એફિડેવિટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સરકારે નિર્ણય લીધો છે કે છ મહિનાના લૉન મોરેટોરિયમના સમયગાળા દરમિયાન કંપાઉન્ડ ઇન્ટરેસ્ટ માફ કરવાથી સૌથી નબળી શ્રેણી સુધી સમિત રહેશે એટલે બે કરોડની મર્યાદા બાંધવામાં આવી છે.
પરમાણુ શસ્ત્ર સક્ષમ મિસાઇલનું સફળ પરિક્ષણ
ભારતે પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઈલ 'શૌર્ય'નું સફળ પરીક્ષણ કર્યું છે.
મિસાઇલ તેની અસાધારણ ઝડપને કારણે સેટેલાઈટ ઇમેજિંગમાં પણ પકડાઈ શકે એમ નથી એમ સરકારનું કહેવું છે.
શૌર્ય મિસાઇલની રેન્જ 700થી 1000 કિલોમીટર સુધીની છે અને તે 200થી 1000 કિલોગ્રામ સુધીનો દારૂગોળો લઈ જઈ શકે છે.
આ મિસાઇલ એક કલાકના 9 હજાર કિલોમીટર કરતા વધારે ઝડપે પ્રહાર કરી શકે છે.
સરફેસ ટુ સરફેસ એટલે કે સપાટી પરથી સપાટી પર પ્રહાર કરી શકતી આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના કાંઠે આવેલા કલામ ટાપુથી કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો