You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાના દરદીઓની હાલત ભારે વરસાદથી કઈ રીતે કફોડી થઈ ગઈ?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ધમધોકાર વરસાદને લીધે રાજ્યમાં કેટલાક જિલ્લાઓ જળબંબાકાર થઈ ગયા છે. હાલ રાજ્યની 35 જેટલી નદીઓ બે કાંઠે વહી રહી છે.
સુરત, વડોદરા, નવસારી, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયાં હોવાની પણ ફરિયાદો ઊઠી છે.
એક તરફ વરસાદનું જોર છે તો બીજી તરફ કોરોનાના કેસ પણ રાજ્યમાં વધી રહ્યા છે. જે કોરોનાના દરદીઓ છે તેમને ચોમાસામાં બહુ તકલીફો ભોગવવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા ત્રેપન વર્ષના કૌશિકભાઈ નિર્મલને કોરોના થતાં તેઓ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જે કોવિડ માટેની જ હૉસ્પિટલ છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "ચોમાસાને લીધે બેવડો માર પડી રહ્યો છે."
"મને તાવ આવતાં ટેસ્ટ કરાવ્યો તો કોરોના આવ્યો. હું હૉસ્પિટલમાં દાખલ તો થઈ ગયો પરંતુ ત્યાં હાડમારીઓનો પાર નહોતો. ચોમાસાને લીધે ત્યાંનાં સંડાસ-બાથરૂમ સ્વચ્છ નથી. ચોમાસા અને ભેજને લીધે એ બિલકુલ અવાવરુ બની ગયાં છે."
"ત્યાં નાહવાની એટલી તકલીફ પડે છે કે દરદીએ રોજ સવારે નાહવા જવું હોય તો હિમ્મત કરવી પડે. જો ચોમાસાને લીધે દરદીનાં જાજરૂ-બાથરૂમમાં પાણી ભરાઈ રહેતાં હોય કે ગંદાં રહેતા હોય તો દરદી તો સાજા થવાને બદલે બીમાર વધુ પડવાના છે."
લખતર તાલુકાના વીઠ્ઠલગઢ ગામે પુરુષોત્તમભાઈ જહાંગીરભાઈનું અવસાન થતાં તેમની નનામી ઘૂંટણસમા પાણીમાં લઈ જવી પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરસાદમાં ફોનથી તબીબી સહાય
સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામમાં પંદરથી વધુ તો સગર્ભા મહિલાઓ હતાં. અનરાધાર વરસાદને લીધે પાણી ભરાતાં ગામ સંપર્કવિહોણું થઈ ગયું હતું. તંત્ર પણ લાચાર થઈ ગયું હતું.
જો સગર્ભા મહિલાઓને મદદ ન પહોંચી શકે તેમ હોય તો કોરોનાના દરદી પણ લાચાર જ હોવાના તે સમજી શકાય એવી બાબત છે.
13 ઑગસ્ટે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નેવું ટકા પાણી ભરાઈ જતાં સાંકળી, ભડિયાદ, નાના કેરાળા, મેમકો વગેરે ગામોને મામલતદારે સતર્ક કરી દીધાં હતાં.
લીંબડી તાલુકાનાં 14 ગામોને માલમિલકત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં અપાઈ હતી.
વરસાદને પગલે લખતર તાલુકાનાં પાંચેક ગામ સંપર્કવિહોણાં થઈ ગયાં હતાં. આવા સંજોગોમાં કોરોનાના દરદીને દવા કે સારવાર મેળવવી હોય તો મુશ્કેલ બને છે.
સુરતના ડૉક્ટર સમીર ગામી આ વાતને સમર્થન આપતાં કહે છે કે "ચોમાસામાં આમ પણ બીમારીનો ઉપદ્રવ વધારે હોય છે. એવામાં પૂર કે પાણી ભરાઈ જવાં જેવી સ્થિતિ ઊભી થાય તો કોરોના સહિત કોઈ પણ રોગના દરદી વધારે મુશ્કેલીમાં મુકાય છે."
"સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતાં ત્યાંના દરદીઓની હાલત કફોડી બની હતી."
"વરસાદને લીધે દરદીઓ દવાખાના સુધી આવી શકે તેમ નહોતા. તેમને મેં ફોન દ્વારા જ તબીબી સહાય પૂરી પાડી હતી."
"રોજના આઠથી દસ કોરોનાના દરદીઓને હું ફોન પર જ ખબર-અંતર પૂછીને લક્ષણો મુજબ નિદાન કરું છું. છેલ્લા અઠવાડિયામાં 100થી વધુ કોરોના દરદીઓને મેં આ રીતે તબીબી સહાય પૂરી પાડી છે."
પરંતુ વરસાદી માહોલમાં કોરોના દરદી ગંભીર હોય અને તેમના વિસ્તારમાં ચોમાસાને લીધે ઍમ્બ્યુલન્સ જઈ શકે એમ ન હોય તો તેમનું શું થઈ શકે?
ડૉ. ગામી જણાવે છે કે "કોરોના કે અન્ય કોઈ પણ બીમારીને લીધે દરદી ગંભીર હોય તો તેને હૉસ્પિટલ લઈ જ જવો પડે. જો ઍમ્બ્યુલન્સ ન હોય તો હોડી મોકલીને પણ તેને લેવા જવું પડે."
"જોકે, મારી પાસે હજી સુધી એવા કોઈ દરદી આવ્યા નથી જેમની હાલત અત્યંત ગંભીર હોય."
સુરતના તાપી નદીમાં ઉકાઈ ડૅમનું પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે.
સુરતના લીંબાયત વિસ્તારના ફુલવાડી, બેઠી કૉલોની, આઝાદ ચોક, રમાબાઈ ચોક, નૂરે ઈલાહીનગર તેમજ અઠવા ઝોનના આઝાદનગર, રસૂલાબાદનગર વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં.
આ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ત્યાં કોઈને કોરોના હોય તો પાણીમાંથી મારગ કરીને જવું પડે એવી સ્થિતિ હતી.
આમાંના કેટલાક વિસ્તારો ખૂબ ગીચ છે એટલે ગંભીર દરદી માટે ઍમ્બ્યુલન્સ પહોંચી શકે એવી કોઈ શક્યતા જ નહોતી.
બિસમાર રસ્તા, બીમાર વ્યક્તિ
વરસાદને લીધે ગામ અને નાનાં શહેરોનાં કાચા રસ્તાઓનું તો ધોવાણ થઈ જ ગયું છે. ઉપરાંત ભારે વરસાદને લીધે પાકા રસ્તાઓ પણ ઠેકઠેકાણે ધોવાઈ ગયા છે.
સમસ્યા એ ઊભી થઈ છે કે જે અંતરિયાળ ગામડાં કે નાનાં શહેરોમાં ભારે વરસાદ કે પાણીની સમસ્યા ન હોય છતાં કોરોનાના ગંભીર દરદીને જો નજીકના મોટા શહેરમાં સારવાર માટે પહોંચવું હોય તો મોટી તકલીફનો સામનો કરવો પડે છે.
સુરેન્દ્રનગરના કોરોના દરદી કૌશિકભાઈ નિર્મલ જણાવે છે કે "હું ત્રણ દિવસ હૉસ્પિટલમાં રહ્યો તો જોયું કે ગંભીર દરદીને સારવાર માટે અમદાવાદ મોકલવા પડે છે."
સુરેન્દ્રનગરમાં વઢવાણ-લખતરનો હાઈવે ચોમાસાને લીધે બિસમાર થઈ ગયો છે. વઢવાણમાં વરસાદને લીધે રસ્તાઓ ઊબડખાબડ થઈ ગયા છે.
આવામાં કોઈ દરદીને સારવાર માટે અમદાવાદ કે રાજકોટ લઈ જવા પડે એમ હોય તો એને ભારે હાલાકી ભોગવવી પડે અને દરદી નિયત સમયમાં પહોંચી પણ ન શકે.
સોમનાથ-જૂનાગઢ હાઈવેને પણ વરસાદને લીધે નુકસાન થયું છે. આવામાં સોમનાથ, વેરાવળ કે વંથલીના કોરોનાના કોઈ દરદીને તાબડતોબ રાજકોટ સારવાર માટે લઈ જવો હોય તો એ પડકારજનક થઈ પડે છે.
નવસારીની મીંઢોળા નદીમાં પૂર આવતાં પોસરા ગામમાં પાણી ભરાઈ જતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ)ની ટુકડીએ કેટલાક લોકોને ખેતરમાંથી બહાર કાઢવા પડ્યા હતા. સુરતને નવસારી અને વલસાડને જોડતાં રસ્તાઓ પણ બિસમાર છે.
સુરતનાં ડૉ. સમીર ગામીએ કહ્યું હતું કે "અમારા કેટલાક કોરોનાના દરદી ખાનગી વાહનમાં નવસારી તેમજ વલસાડથી સુરત આવતા હતા તે ચોમાસાને લીધે નથી આવી શકતા. તેમને પણ હું ફોનકૉલ્સ પર જ તબીબી સહાય પૂરી પાડું છું."
ચોમાસું અને કોરોનાના દર્દી
ચોમાસામાં આમ પણ બીમારીનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે ડૉ. સમીર ગામી કહે છે કે "હવે કોરોનાના કેસ તો ઓછા થઈ રહ્યા છે અને ચોમાસું હોવાથી ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધી રહ્યા છે. "
"ડેન્ગ્યુ અને મલેરિયાનાં લક્ષણો પણ કોરોનાની જેમ જ હોય છે. જેમ કે, તાવ આવે છે."
"થાય છે એવું કે કોરોનાને લીધે સમાજમાં એટલો ફફડાટ છે કે ડેન્ગ્યુ અને મલેરિયાના દરદી પણ પોતાને કોરોના હશે એવું માનીને ફફડી રહ્યા છે."
ચોમાસાને લીધે કોરોનાનું સંક્રમણ વધશે કે કેમ?
એ સંદર્ભે ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરે બીબીસીને કહ્યું હતું :
"કોરોના વાઈરસ એ શ્વસનતંત્રનો વાઇરસ છે એટલે એનું સંક્રમણ આમ તો ન વધવું જોઈએ, પણ જે લોકો વિસ્થાપિત થયા હોય કે જેમ ના ઘરમાં પાણી ભરાયું હોય કે એક જ રૂમમાં ઘણા લોકો વસતા હોય તો ત્યાં ચેપની શક્યતા રહે છે."
"પૂરને લીધે લોકો બહાર ન નીકળે તો સંક્રમણ ન પણ ફેલાય. જ્યાં-જ્યાં પાણી ભરાયાં હોય ત્યાં લોકોને ટેસ્ટિંગમાં પણ તકલીફો પડશે. "
"આના લીધે નિદાન ઓછું થાય અને દરદી વધારે સમય ઘરમાં જ રહે તો મૃત્યુનું પ્રમાણ વધી શકે. માસ્ક જો ભીના થઈ જાય તો એ કામ ન આપી શકે એ વિશે પણ વિચારવું જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો