સમીર શર્મા : ટીવી અભિનેતાનો મૃતદેહ મળ્યો, પોલીસને આત્મહત્યાની આશંકા

પ્રકાશિત

લોકપ્રિય ટીવી અભિનેતા સમીર શર્મા મુંબઇના મલાડસ્થિત ઘરેથી મૃત અવસ્થામાં મળી આવ્યા છે. પોલીસે આત્મહત્યાની શંકા વ્યક્ત કરી છે.

44 વર્ષીય સમીર શર્મા 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કહાની ઘર ઘર કી' અને 'યે રિશ્તે હૈ પ્યાર કે' જેવી ટીવી સિરીયલોમાં કામ કરી ચૂક્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે એમના ફ્લૅટમાંથી સમીરનો મૃતદેહ મળી આવ્યો હતો.

મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્યૉર્જ ફર્નાન્ડિસે કહ્યું કે એમને ત્યાંથી કોઈ સુસાઇડ નૉટ મળી નથી.

તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી કે એમણે બે દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી.

તેમના મૃત્યુની ખબર ત્યારે પડી જ્યારે બિલ્ડિંગના વૉચમૅને રસોડાની બારીમાંથી તેમનો મૃતદેહ જોયો.

એ બાદ તેમણે સોસાયટીના અન્ય સભ્યોને સૂચિત કર્યા.

સોસાયટીના લોકોએ પોલીસને આ વિશે જાણકારી આપી. જે બાદ મૃતદેહ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સમીર ફેબ્રુઆરીથી પોતાના ફ્લૅટમાં એકલા જ રહેતા હતા. પોલીસે એમ પણ કહ્યું કે તેઓ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે.

કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી

ફર્નાન્ડિઝે કહ્યું, " એમને ત્યાંથી કોઈ સ્યુસાઈડ નૉટ મળી નથી. એવું લાગે છે કે આત્મહત્યાનો મામલો છે. અનુમાન છે કે એમણે બે દિવસ પહેલાં જ પોતાને ફાંસી લગાવી દીધી હતી. અમે મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે."

પ્રારંભિક જાણકારી અનુસાર એક ઍક્સિડેન્ટલ ડૅથ રિપોર્ટ (એડીઆર) નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

પોલીસ આ મામલામાં આર્થિક ઍંગલની પણ તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ આ સમયે બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં પણ તપાસ કરી રહી છે. સુશાંત બાંદરાસ્થિત પોતાના ઍપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સમીર શર્મા દિલ્હીના રહેવાસી હતા અને એમણે બેંગલુરુમાં પોતાનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ઍડવર્ટાઇઝિંગ કંપનીમાં પણ કામ કર્યું હતું. તેઓ વર્ષ 2003માં મુંબઈ આવ્યા અને ઍક્ટિંગ કરિયર પર ધ્યાન આપ્યું.

એમને પહેલી તક વર્ષ 2004માં સ્ટાર વનના ધારાવાહિક 'દિલ ક્યા ચાહતા હૈ'માં મળી.

આ ધારાવાહિકમાં એમનું કામ એટલું પસંદ કરવામાં આવ્યું કે એમને એકતા કપૂરના સૌથી પ્રખ્યાત ધારાવાહિક 'કહાની ઘર ઘર કી'માં કામ કરવાની તક મળી અને પછી એમણે પાછળ વળીને જોયું નહીં.

સમીર શર્માના મિત્ર અને અભિનેતા મનીષ વાધનાએ બીબીસી હિંદીને કહ્યું કે એમને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો લાગ્યો છે.

વાધના કહે છે, "સમીર સાથે મેં સ્ટાર પ્લસના ધારાવાહિક 'ઇસ પ્યાર કો ક્યા નામ દું'માં કામ કર્યું હતું. તે ખૂબ જ જિંદાદિલ માણસ હતો. અમે સેટ પર ઘણી મજાકમસ્તી કરતા. તે ખૂબ જ સમજદાર અને બૌદ્ધિક વ્યક્તિ તી. શો સમાપ્ત થયા પછી પણ અમે એકબીજાના સંપર્કમાં હતા."

એમણે કહ્યું, "અનેક વાર અમે વોટ્સઍપ પર પણ વાત કરતા હતા. પરંતુ લૉકડાઉન દરમિયાન મારી તેની સાથે ક્યારેય વાત નહોતી થઈ શકી. લૉકડાઉન પહેલાં અમે એકબીજાને મળવાનો પ્લાન પણ કરી રહ્યા હતા. પરંતુ પછી લૉકડાઉન આવી ગયું અને એના મૅસેજ આવતા બંધ થઈ ગયા. આજે જ્યારે આ સમાચાર મળ્યા તો એના પર વિશ્વાસ નથી થઈ રહ્યો."

સૂચના : આત્મહત્યા એક ગંભીર સામાજિક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે જેને ટાળી શકાય છે અને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ સાથે જ અનેક ટેલિફોન હેલ્પલાઇન પણ ઉપલબ્ધ છે જે સલાહ આપીને મદદ કરી શકે છે.