પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોનાં મૃત્યુ, મુખ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

'ધ હિન્દુ' સમાચારપત્રની ખબર અનુસાર પંજાબમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા 48 કલાકમાં અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે 21 લોકોનાં મૃત્યુ થયાં છે.

પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંઘે જલંધરના ડિવિઝનલ કમિશનરને આની તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તેમની સાથે પંજાબના સહાયક એક્સાઇઝ ઍન્ડ ટૅક્સેશન કમિશનર તથા સંબંધિત જિલ્લાઓના એસપી પણ જોડાશે.

મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

આ ઘટનાની હકીકત અને પરિસ્થિતિની આસપાસ તપાસ કેન્દ્રિત રહેશે તથા સાથે જ તેની સાથે જોડાયેલા અન્ય મામલાઓની પણ તપાસ કરવામાં આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું.

પંજાબમાં ઝેરીલો દારૂ પીવાથી 21 લોકોનાં મૃત્યુ થવાના મામલામાં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે તપાસના આદેશ આપ્યા છે.

GTUના વિદ્યાર્થીઓનો ખાનગી ડેટા લીક થયો, સાયબર સેલમાં ફરિયાદ

ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.)ના આઠમા સેમેસ્ટરના 1200 વિદ્યાર્થીઓનો નામ પાનકાર્ડ, આધારકાર્ડ તથા વોટરકાર્ડ જેવો ખાનગી ડેટા વેબસાઇટ ઉપર લીક થયો હતો.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, આ મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

જી.ટી.યુ.ના વાઇસ ચાન્સેલર નવીન શેઠના કહેવા પ્રમાણે, "યુનિવર્સિટીની સિસ્ટમ હેક થઈ હતી અને હેકરને પણ ઓળખી લેવાયો છે. પ્રશ્નપત્ર કે પરીક્ષા સંબંધિત કોઈ માહિતી લીક નથી થઈ."

સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જે.એમ. યાદવના કહેવા પ્રમાણે, યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી ઔપચારિક ફરિયાદ મળી છે, પરંતુ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં નથી આવી. ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

...તો મોદી રામમંદિર ભૂમિપૂજનમાં ભાગ નહીં લઈ શકે

જો તંત્ર દ્વારા ધાર્મિકસ્થળો માટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા આપવમાં આવેલી અનલૉક-3 માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે, તો આવતાં અઠવાડિયે અયોધ્યામાં યોજાનાર રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓ ભાગ નહીં લઈ શકે.

'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 65 વર્ષ વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરે રહેવા માટે સલાહ આપવામાં આવે છે અને આ માટે ધાર્મિક સંસ્થાઓએ ઘટતું કરવું.

ભાજપના જે નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં નરેન્દ્ર મોદી (69 વર્ષ), મુરલી મનોહર જોશી (86 વર્ષ), મોહન ભાગવત (69 વર્ષ), લાલકૃષ્ણ અડવાણી (92 વર્ષ), સુરેશ ભૈયાજી જોશી (73 વર્ષ), અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહ (88 વર્ષ)ના છે. આમ તમામની ઉંમર 65 વર્ષ કરતાં વધુ છે.

જોકે ઉમા ભારતી 61 વર્ષના છે અને વિનય કટિયાર 65 વર્ષના છે. આમંત્રિતોમાં આ બંને હાજર રહી શકે એટલી વયમર્યાદા ધરાવે છે. માર્ગદર્શિકામાં ધાર્મિક-રાજકીય-સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાવડા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

'રફાલના હાલ બોફોર્સ જેવા ન થાય એટલે સમર્થન કર્યું'

વાયુ સેનાના પૂર્વ વડા ઍર ચીફ માર્શલ (રિટાયર્ડ) બી.એસ. ધનોઆએ ભારતમાં રફાલ વિમાનના આગમનને આવકાર્યું છે, સાથે જ ઉમેર્યું છે કે આ ડીલના હાલ બોફોર્સ જેવા ન થાય તે માટે તેનું સમર્થન કર્યું હતું.

'એન.ડી.ટી.વી.' દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, વાયુસેનાના પૂર્વ વડાએ જણાવ્યું, "મેં આ ડીલનું સમર્થન કર્યું હતું, જેથી તેના હાલ પણ બોફોર્સ તોપ જેવા ન થાય. અમે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા ઉપર રાજકારણના વિરુદ્ધમાં છીએ. એ વાયુદળની ક્ષમતાનો સવાલ હતો."

વાયુદળના પૂર્વ વડાઓ ઍર ચીફ માર્શલ (રિટાયર્ડ) અરુપ રહા તથા ઍર ચીફ માર્શલ (રિટાયર્ડ) ફલી હોમી મેજરના કહેવા પ્રમાણે, રફાલ વિમાનોના આગમનથી હવાઈક્ષેત્રે ભારતનું પ્રભુત્વ વધશે. સાથે જ ઉમેર્યું હતું કે ભારતને વધુ 126 વિમાનોની જરૂર છે.

ભારતે ફ્રાન્સ પાસેથી રૂ. 59 હજાર કરોડના ખર્ચે 35 રફાલ વિમાન ખરીદ્યાં છે. છેલ્લે વર્ષ 1997 ભારતે રશિયા પાસેથી સુખોઈ વિમાન ખરીદ્યાં છે.

સોનિયા ગાંધી હૉસ્પિટલમાં દાખલ

ગુરવારે સાંજે કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને નવી દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, તબીબોનું કહેવું છે કે 'રુટિન ટેસ્ટ અને તપાસ' માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સ્થિતિ સારી છે.

હૉસ્પિટલના ચૅરમૅન (બોર્ડ ઑફ મૅનેજમૅન્ટ) ડૉ. ડી.એસ. રાણાના કહેવા પ્રમાણે, "સાંજે સાત વાગ્યે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સ્થિતિ સ્થિર છે."

ઉલ્લેખનીય છે કે ગાંધીને ફેબ્રુઆરી મહિનામાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારે પણ તેમને આ હૉસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો