You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતીઓને કોરોનાના કેર વચ્ચે માસ્ક ન પહેરવો મોંઘો પડ્યો, સાત કરોડનો દંડ
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
જાહેર સ્થાનો પર માસ્ક પહેરવું ફરજિયાત થયું ત્યારબાદ ગુજરાતનાં ચાર મુખ્ય શહેરોમાં લોકોએ અંદાજે 7.69 કરોડથી વધારે રકમનો દંડ સરકારને ચૂકવ્યો. જોકે તે છતાં માસ્કની મગજમારી રોજ ચર્ચાનો વિષય બની છે.
અચાનક આવેલી કોરોનાની આપદાએ આપણી જીવનશૈલી, રહેણીકરણી, ખાન-પાન, કામ-ધંધો સહિત તમામ મોરચે પડકાર ઊભો કર્યો છે.
આમાં સૌથી મોટો મુદ્દો માસ્ક અને સામાજિક અંતર જાળવવાની નવી આવી પડેલી ટેવનો છે.
અનેક લોકોએ પડકાર ઝીલી માસ્ક પહેરવાની આદત પાડી છે. અનેક હજી પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે, એ વાત સમજી નથી રહ્યા અથવા તો તેને ગંભીરતાથી લઈ નથી રહ્યા.
માસ્કને લઈને નાગરિકો અને તંત્ર વચ્ચે ઘણી રકઝકના બનાવો પણ બન્યા છે. કદાચ એટલા માટે જ હાલમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે 1 ઑગસ્ટથી માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 200ને બદલે હવે રૂપિયા 500 દંડ લેવાશે.
લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે તેનો અમલ કરાવવાની કામગીરી ગુજરાત પોલીસ પર આવી છે.
પોલીસ માસ્ક ન પહેરનારા લોકોને પકડે છે અને એમની પાસેથી દંડ વસૂલે છે.
ગુજરાતમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરતમાં સામે આવ્યા છે, ત્યારે આ બે શહેરો માસ્ક નહીં પહેરવાનો દંડ ભરવામાં આગળ છે. એ પછી રાજકોટ અને વડોદરા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચારેય શહેરની પોલીસકમિશનરની કચેરીએ આપેલી વિગત મુજબ, જુલાઈ મહિના સુધી અમદાવાદમાં રૂ. 2,93,87000 સુરતમાં રૂ. 2,23,33,200, રાજકોટમાં રૂ. 1.84,00,000 અને વડોદરામાં 68,12,400 રૂપિયાનો દંડ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે.
આ આંકડો આમ ગુજરાતની વસતી કરતાં પણ વધારે છે અને હજી આ તો ફક્ત મોટાં શહેરોની જ વાત છે. નાનાં શહેરોનો આંકડો તો અલગ.
માસ્ક કેમ મહત્ત્વનો?
કોરોનામાં માસ્કના મહત્ત્વ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ સિનિયર ડૉ. પાર્થિવ મહેતા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે માસ્ક ન પહેરીને લોકો સંક્રમિત થવાની શક્યતા 60 ગણી વધારી દે છે.
ડૉ. મહેતાનું કહેવું છે કે "બે વ્યક્તિ સાથે હોય અને બન્નેએ માસ્ક પહેર્યા હોય તો અને જો તેમાંથી એકને કોવિડ-19 હોય તો સંક્રમણ ફેલાવવાની શક્યતા 90 હોય છે. જો બન્નેએ માસ્ક પહેર્યા હોય તો આ શક્યતા 1.5 ટકા જેટલી હોય છે."
લોકો માસ્કનું મહત્ત્વ સમજે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે ડૉ. પાર્થિવ મહેતા ઘણા સમયથી સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે વાતો કરી રહ્યા છે.
'સૌરાષ્ટ્રવાસીઓ માસ્ક પહેરતાં થઈ ગયા'
રાજકોટમાં પોલીસને હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે.
ઘણા લોકો આ કાયદાને હજી સ્વીકારતા નથી અને અનેક વાર પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે.
13 એપ્રિલે માસ્કને ફરજિયાત કરવાનો કાયદો આવ્યો ત્યારે અહીંની પોલીસ માનતી હતી કે લોકો હેલ્મેટના કાયદાની જેમ જ માસ્કના કાયદાનો વિરોધ કરશે. જોકે એવું બન્યું નથી.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકોટ શહેર પોલીસકમિશનર મનોજ અગ્રવાલ કહે છે, "શરૂઆતમાં અમને શંકા હતી કે પોલીસને વારે ઘડીએ લોકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડશે, પરંતુ ખરેખર એવું નહોતું થયું."
"મોટા ભાગના લોકો ધીરેધીરે માસ્ક પહેરતાં થઈ ગયા છે અને તેના વિશે જાગૃતિ વધી રહી છે."
તેમણે વધુમાં જણાવ્યું, "અમારો અનુભવ છે કે લગભગ 95 ટકા લોકો માસ્ક પહેરી રહ્યા છે. જોકે હજી પણ એવા લોકો છે કે જેઓ પાનના ગલ્લા કે ખાણી-પીણીની લારી પર માસ્ક વગર જોવા મળે છે. ત્યાં પોલીસ વધુ લોકોને દંડ કરતી હોય છે."
અગ્રવાલે કહ્યું કે એક તરફ સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી માત્રામાં લોકો હેલ્મેટના કાયદા માટે નાખુશ હોય છે, ત્યાં બીજી તરફ માસ્કનો નિયમ થોડાક લોકોને બાદ કરતાં તમામ સ્વયંભૂ જ પાળે છે.
પોલીસના અનુભવો કેવા છે?
અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં એક સમયે સૌથી વધુ કેસો જોવા મળતા હતા. આજે અમદાવાદના 7 ઝોનમાંથી સેન્ટ્રલ ઝોનમાં કેસોની સંખ્યા સૌથી ઓછી છે.
આ ઝોનમાં જમાલપુર, દરિયાપુર, ખાડિયા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પોલીસે અહીં માસ્કના કાયદાનો કડક અમલ કરાવ્યો છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ બી-ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસકમિશનર (ટ્રાફિક) એ. પી. રાઠવા સાથે વાત કરી.
એ. પી. રાઠવાનું કહેવું છે કે મોટા ભાગના લોકો હવે માસ્ક પહેરતાં થયા છે, પરંતુ હજી પણ એવા ઘણા લોકો છે જે માસ્કને ચેકપોસ્ટની આસપાસ પહેરે અને પછી કાઢી નાંખે છે, અને આવા લોકોને કંટ્રોલ કરવા માટે વધારે દંડ જરૂરી છે.
રાઠવા અને તેમની ટીમ દરરોજ અનેક લોકો સાથે અમદાવાદના રસ્તાઓ પર સંપર્કમાં આવતી હોય છે, જેમણે માસ્ક ન પહેર્યો હોય અથવા તો માસ્કને યોગ્ય રીતે મોં પર ન રાખ્યો હોય.
કેમ થાય છે દંડ?
રસ્તાઓ પર કે જાહેરસ્થળ પર જતી વખતે જ્યારે કોઈએ માસ્ક ન પહેર્યો હોય ત્યારે પોલીસ દંડ વસૂલતી હોય છે.
અમદાવાદ શહેરના એ-ડિવિઝનના ટ્રાફિક શાખા આસિસ્ટન્ટ પોલીસકમિશનર બી. બી. ભાગોરા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય રીતે લોકો માસ્ક પહેરે છે, પરંતુ મોટા ભાગે લોકો ખોટી રીતે પહેરે છે. જેમ કે તેઓ પોતાનું નાક સારી રીતે ઢાંકતા નથી."
તેઓ કહે છે કે મોટા ભાગનો દંડ જે લોકો પાસેથી વસૂલવામાં આવે છે તે એવા લોકો છે જેમની પાસે માસ્ક તો છે, પરંતુ તે તેમના નાક પર યોગ્ય રીતે મૂકવામાં આવ્યું નથી.
ઉપરાંત કોઈ કારમાં એકથી વધુ લોકો જ્યારે જતાં હોય ત્યારે તેમણે માસ્ક ન પહેર્યો હોય તેવા પણ ઘણા કેસો જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો