ગુજરાત હાઈકોર્ટમાં મસ્જિદમાં લાઉડ સ્પિકર પ્રતિબંધ માટે અરજી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત હાઈકોર્ટમાં મસ્જિદોમાં લાઉડ સ્પિકરના ઉપયોગના પ્રતિબંધની માગ કરતી જાહેરહિતની અરજી દાખલ થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગાંધીનગરમાં ક્લિનિક ધરાવતા ધર્મેન્દ્ર પ્રજાપતિએ આ અરજી કરી છે.

અરજીમાં તેઓએ જણાવ્યું કે દિવસના અલગઅલગ સમયે મસ્જિદોમાં લાઉડ સ્પિકરોના ઉપયોગથી "નજીકના રહેવાસીઓને ભારે અસુવિધા અને પરેશાની થાય છે."

તેમણે કહ્યું કે કોવિડ-19ને કારણે ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં પ્રાર્થના માટે લાઉડ સ્પિકરનો ઉપયોગ ચાલુ છે.

કોર્ટમાં આવતાં પહેલાં તેઓએ ગાંધીનગર કલેક્ટર, મામલદાર અને પોલીસને આ મામલે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

AMC પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ

કોરોના વાઇરસના આંકડા મામલે કૉંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર આરોપ લગાવ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, એએમસીમાં વિપક્ષ કૉંગ્રેસના નેતાએ કહ્યું કે શાસક પક્ષ કોવિડ કેસ અને મૃત્યુના સાચા આંકડા છુપાવી રહ્યો છે અને તેથી આ કેસ અંગેની વિગતો આપવાનું બંધ કરી દીધું છે.

કૉંગ્રેસે કહ્યું કે ભાજપ કોરોનાને નિયંત્રણમાં લેવા મામલે ગંભીર નથી અને તેનાં વિવિધ કાર્યો માટે લોકોને એકઠા થવા દે છે.

એએમસીની વર્ચ્યુઅલ બેઠકમાં કૉંગ્રેસ ભાજપ પર આ આરોપો લગાવ્યા હતો.

એએમસીમાં વિપક્ષી નેતા, દિનેશ શર્માએ કહ્યું કે "ફેબ્રુઆરીની શરૂઆતમાં ભાજપે લૉ ગાર્ડન ખાતે 'હેપ્પી સ્ટ્રીટ'નું ઉદઘાટન કર્યું હતું અને મહિના પછી 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ માટે 10,000 એનઆરઆઈ સહિત લાખો લોકોને એકઠા કર્યા હતા. આ બંને કાર્યોના પગલે શહેરમાં કોરોના ફાટી નીકળ્યો, જે હવે કેસ મામલે દેશમાં ટોચના ત્રણ શહેરોમાં સામેલ છે."

પાઠ્યક્રમમાંથી ટીપુ સુલતાનનું પ્રકરણ દૂર કર્યું

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર મૈસૂરના 18મી સદીના કથિત વિવાદાસ્પદ શાસક ટીપુ સુલતાન અને તેમના પિતા હૈદર અલી પર આધારિત પ્રકરણને સાતમા ધોરણના સમાજવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી હઠાવી દેવાયું છે.

કોવિડ-19 મહામારીને કારણે 2020-21ના પાઠ્યક્રમને ઘટાડવાના કર્ણાટક સરકારના નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સત્તાવાર સૂત્રોના હવાલાથી એનડીટીવીએ લખ્યું કે છઠા અને દસમા ધોરણના પુસ્તકમાં ટીપુ સુલતાનનાં પ્રકરણો યથાવત્ રાખવામાં આવ્યાં છે.

કર્ણાટક પાઠ્યપુસ્તક સોસાયટી (કેટીબીએસ)ની વેબસાઇટ પર સંશોધિત પાઠ્યક્રમ અપલોડ કરવામાં આવ્યો છે. તેનાથી ખબર પડે છે કે ધોરણ સાતના સમાજવિજ્ઞાનના પાઠ્યક્રમમાંથી હૈદર અલી, ટીપુ સુલતાન, મૈસૂરનાં ઐતિહાસિક સ્થળો અને આયુક્ત પ્રશાસન અંગેનાં પાંચ પ્રકરણોને દૂર કરાયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો