You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાળાઓમાં ફી મુલતવી રાખવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે નકારી - TOP NEWS
'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે શુક્રવારે લૉકડાઉન દરમિયાન શાળાઓમાં ફી મુલતવી રાખવા માટેની અરજીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ તબક્કે આ વિષયમાં દખલ કરવા નથી માગતી કારણ કે વિગતો રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે આ સાથે કહ્યું છે કે આ મામલો રાજ્યોની હાઈકોર્ટ પહેલાં જુએ તે વધુ યોગ્ય રહેશે.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એસ. એ. બોબડેના નેતૃત્વમાં ત્રણ જજોની ખંડપીઠે આ અવલોકન કરતા કહ્યું કે દરેક રાજ્યમાં આ અંગેની સમસ્યા અલગ છે. રાજ્ય જ નહીં, જિલ્લાવાર વિગતો આધારિત પરિસ્થિતિ આ વિષયમાં અલગ હોઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે અરજીકારોને તેમની અરજી પરત ખેંચી રાજ્યોની હાઈકોર્ટ સમક્ષ તેને લઈ જવા કહ્યું છે.
રાજસ્થાન, ઓડિશા, પંજાબ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં લૉકડાઉનના સમય દરમિયાન નાણાકીય મુશ્કેલી હોવાથી સ્કૂલ ફીમાં ઘટાડો અથવા મોકૂફીની માગ કરવામાં આવી હતી.
સરકારી નોકરીઓમાં ભરતીનો મામલો : મંત્રીઓને મળ્યા પ્રદર્શનકારીઓ
ગુજરાતમાં સરકારી પદો પર ભરતી મામલે ઉમેદવારોના સરકાર સામેના વિરોધ વચ્ચે શુક્રવારે પ્રતિનિધિઓ ગાંધીનગરમાં રાજ્ય સરકારના બે મંત્રીઓને મળ્યા હતા.
અમદાવાદ મીરર અખબારના અહેવાલ પ્રમાણે ઉમેદવારોએ રચેલી ઍજ્યુકેટેડ અનઍમ્પ્લૉય્ડ યુથ કમિટીના નેજા હેઠળ પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંગઠનના અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું, "અમારી ત્રણ માગ છે. જેમણે પરીક્ષા પાસ કરી છે તેમને નોકરીની ફાળવણીનો પત્ર આપો. મહામારીને કારણે મુલતવી રખાયેલી પરીક્ષાઓ લેવાનું શરૂ કરો અને લૉકડાઉન પહેલાં લેવાયેલી પરીક્ષાનાં પરિણામો જાહેર કરો."
જો માગણી ન સંતોષાય તો પૂર્ણ સ્તરનું આંદોલન છેડવાની ચીમકી આ તેમણે આપી છે.
બાંભણિયાએ જણાવ્યું કે મુખ્ય મંત્રી સાથે આ વિશે ચર્ચા કર્યા બાદ તેમને ફરી બેઠક માટે બોલાવવાનું મંત્રીઓએ આશ્વાસન આપ્યું છે.
અહેવાલ અનુસાર ગુજરાતમાં 2018થી એક અથવા બીજા કારણસર 38,000 સરકારી પદોની ભરતી રોકી રાખવામાં આવી છે.
LAC પર પીછેહઠનો પ્રથમ તબક્કો પૂર્ણ
સૈન્યના સૂત્રો પ્રમાણે LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે ડિસએન્ગેજમેન્ટ એટલેકે સંઘર્ષની સ્થિતિથી પાછળ હઠવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે.
'ધ હિંદુ' અખબારના અહેવાલ અનુસાર LAC પર પૂર્વ લદ્દાખમાં ચીનની સેના પેન્ગૉન્ગ ત્સો ખાતે ફિંગર 4ના તેના બેઝ પરથી ફિંગર-5 સુધી સંપૂર્ણ રીતે પાછળ હઠી ગઈ છે.
જો કે અહેવાલ અનુસાર સૈન્યનાં સૂત્રો જણાવી રહ્યા છે કે ફિંગર-4ની સરહદ સુધી ચીનની સેનાએ કબ્જો જમાવી રાખ્યો છે. તેઓએ અંતર વધાર્યું છે પરંતુ ફિંગર-4ની રિજ લાઇન્સથી સંપૂર્ણપણે પાછળ નથી હઠ્યા.
પેન્ગોન્ગ ત્સો ખાતે ફિંગર 4 પરથી ચીનની સેનાએ તેમના તંબુઓ હઠાવી લીધા છે અને તેમના સૈનિકો અને સૈન્ય વાહનોને પણ ફિંગર-4ના બેઝ પરથી હઠાવી ફિંગર-5 પર લઈ ગયા છે.
આ રીતે PP414, 15 અને 17A પર ડિસઍન્ગેજમૅન્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ કરાયો છે, જેમાં સમજૂતી પ્રમાણે ચીનના સૈનિકો પહેલાં પાછળ હઠ્યા બાદમાં ભારતીય સૈનિકો પણ પાછળ હઠી ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો