You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UGC : કૉલેજોના અંતિમ વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં લઈ લેવા યુજીસીનો નિર્ણય - Top News
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) કૉલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાની ભલામણ નહીં કરે એમ સોમવારે સાંજે થયેલી બેઠકમાં નિર્ણય થયો છે.
ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે જે રાજ્યોએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે એમને પરીક્ષાઓ લેવા માટે સૂચિત કરવામાં આવશે એમ UGC સભ્યએ જણાવ્યું.
બેઠકમાં નિર્ણય કરાયો કે અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધી ભલે મોકૂફ રખાઈ હોય પરંતુ તે કાં તો ઑનલાઇન અથવા ઑફલાઇન કોઇ પણ રીતે લેવાવી તો જોઇએ જ. UGCના સત્તાવાર નિવેદન પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં તેમને પછીની નક્કી કરાયેલી તારીખોએ પરીક્ષા આપવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે. ગૃહ મંત્રાલયે પણ માનવ સંસાધન મંત્રાલયને લખેલા પત્રમાં પરીક્ષાઓ લેવા માટે મંજૂરી આપી દીધી છે અને નિર્દેશ આપ્યા છે કે UGCની ગાઇડલાઇન્સ પ્રમાણે અંતિમ વર્ષની પરીક્ષાઓ 'ફરજિયાતપણે લેવાવી' જ જોઈએ.
મહત્વનું છે કે સાતેક રાજ્યો કોવિડ-19ની મહામારીને કારણે પરીક્ષાઓ માકૂફ રાખવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.
ગલવાનમાં બંને સેનાઓ પાછળ હઠવાની કરી શરુઆત
LAC પર ચીન અને ભારત બંને દેશોની સેનાઓ ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઇંટ 14 પરથી 1.8 કિમી પાછળ હઠી ગઈ છે. ગલવાન ઘાટીનો પેટ્રોલિંગ પોઇંટ 14 પર જ 15મી જૂને બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ પાછળ હઠવાના પગલાને LAC પર બંને દેશો વચ્ચેના તણાવમાં ઘટાડાના પ્રાથમિક સંકેત તરીકે જોવાઈ રહ્યું છે.
પાછળ હઠવાનું આ પગલું કૉર્પ્સ કમાન્ડર કક્ષાની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે તણાવ ઘટાડવા માટેના પ્રાથમિક પગલાનો ભાગ છે.
સૈન્યના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર 1.8 કિમી પાછળ હઠ્યા બાદ નવી જગ્યાએ બંને તરફ સૈનિકો માટેના કામચલાઉ ઊભા કરાતા તંબુઓમાં સૈનિકોની સંખ્યા 30 રાખવાનો નિર્ણય પણ કરાયો છે. તો ત્યાંથી એક કિલોમીટર દૂરના સ્થળે તંબુમાં 50 સૈનિકો અને ત્યાંથી વધુ એક કિલોમીટર દૂર વધુ સંખ્યામાં સૈનિકોની સંખ્યા રાખવા પર પણ બંને બાજુઓ સંમત થઈ છે.
મંગળવારે પણ ચીનની સેના તરફથી પીછેહઠની પ્રક્રિયા ચાલુ રહેવાની અપેક્ષા રખાઈ રહી છે. જો કે હજુ પેન્ગોન્ગ ત્સો કે જ્યાં ચીનનું સૈન્ય પશ્ચિમ બિંદુ કે જેને ભારત LACનું આંકન ગણે છે ત્યાંથી 8 કિમી સુધી અંદર આવી ગયું છે ત્યાં હજુ પણ તણાવમાં ઘટાડાના કોઈ સંકેત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત હાઈ કોર્ટમાં નોન-કોવિડ હૉસ્પિટલો માટે અરજી
સારવારના અભાવે પોતાની સગર્ભા પત્ની અને નહીં જન્મેલાં જોડીયાં બાળકોને ગુમાવનાર અમદાવાદના એક રહેવાસીએ ગુજરાત હાઈ કોર્ટમાં નૉન-કોવિડ હૉસ્પિટલો શરૂ કરવા બાબતે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માગ સાથે અરજી કરી છે.
અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે અરજીમાં એમ પણ માગ કરવામાં આવી છે કે આવી હૉસ્પિટલોનું લિસ્ટ સરકાર તરફથી જાહેર કરવામાં આવે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારના રહેવાસી અબ્દુલ્લાખાન પઠાણે તેમનાં જોડિયા બાળકોનો ગર્ભ ધરાવતાં પત્નીનું સારવારના અભાવે મૃત્યુ થયાં બાદ હાઈ કોર્ટમાં આ અરજી કરી છે.
આ અરજીની સુનાવણી 10 જુલાઈ થાય એવી હાલ શક્યતા જણાવાઈ છે.
22 જૂને સવારે અબ્દુલ્લા ખાન પઠાણનાં પત્નીને પ્રસવપીડા ઉપડતાં તેમને દરિયાપુરની લોખંડવાલા હૉસ્પિટલ અને શીફા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. જોકે આ હૉસ્પિટલો કોવિડ-19ની સારવાર માટે ફાળવાયેલી હોવાથી તેમની સારવાર ન કરાઈ. અંતે તેમને વી.એસ. હૉસ્પિટલ લઈ જવાયાં જ્યાં પણ તેમને રાહ જોવડાવાતાં તેમનું ઍમ્બ્યુલન્સમાં જ મૃત્યુ થઈ ગયું. અહેવાલ પ્રમાણે અબ્દુલ્લાખાન પઠાણ વી.એસ. હૉસ્પિટલ પર બેદરકારીનો આરોપ મૂકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો