You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં તેમના સંબોધનમાં કહ્યું કે લદ્દાખમાં ભારતની ધરતી સામે નજર ઉઠાવનારાઓને આકરો જવાબ અપાયો છે.
વડા પ્રધાને કહ્યું કે ''પોતાની સરહદની રક્ષા કરવાના ભારતના કૃતનિશ્ચયને વિશ્વએ જોયો છે.''
વડા પ્રધાને કહ્યું કે, ''ઇતિહાસ બતાવે છે કે આપણી સામે ભલે પડકારો મોટી સંખ્યામાં હોય આપણે તેને પહોંચી વળતા આવ્યા છીએ.''
મન કી બાતમાં કોરોના મહામારી સંબંધમાં પીએમ મોદીએ કહ્યું કે ''અનલૉકના તબક્કા દરમિયાન આપણે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે જેથી કોરોના મહામારીથી આપણી અને અન્યોની રક્ષા કરી શકીએ.''
વડા પ્રધાને કહ્યું કે ''ભારતના વીર સૈનિકોએ બતાવી દીધું છે કે ભારત પોતાની આનને આંચ નહીં આવવા દે.''
''આપણા વીર સપૂતોના બલિદાન પર એમના પરિવારોનું જે મનોબળ છે એ જ આપણી શક્તિ છે. ભારત મિત્રતા નિભાવવી જાણે છે તો આંખમાં આંખ નાંખીને જોવા અને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ બતાવી દીધું છે કે તેઓ ક્યારેય પણ મા ભારતીના ગૌરવ પર આંચ નહીં આવવા દે.''
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ''તમામ સંકટો વચ્ચે પડોશી દેશો તરફથી જે થઈ રહ્યું છે એની સામે પણ દેશ પહોંચી વળી રહ્યો છે.''
વડા પ્રધાને કહ્યું કે ''ભારત નવી ઉડાન ભરશે, મને આ દેશના લોકો પર વિશ્વાસ છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં વિશ્વની મદદ કરી એનાથી ભારતની ભૂમિકાનો સ્વીકાર થયો છે. એમના પરિજનોમાં જે ગર્વની ભાવના છે દેશ માટે જે પ્રેમ છે એ જ તો દેશની શક્તિ છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાને એલએસી પર ચીની સેના સાથે હિંસક અથડામણમાં માર્યા ગયેલા 20 સૈનિકોના મામલે કહ્યું કે ''જેમના પુત્રો શહીદ થયા છે એ માતા-પિતા એમના અન્ય પુત્રોને પણ, ઘરના અન્ય સંતાનોને પણ સેનામાં મોકલવાની વાત કરી રહ્યા છે. બિહારના રહેવાસી શહીદ કુંદન કુમારના પિતાના શબ્દો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા કે તેમના પૌત્રને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. આ જ મનોબળ દેશના દરેક શહીદના પરિવારોનું છે. હકીકતમાં આ પરિજનોનો ત્યાગ પૂજનીય છે.''
વડા પ્રધાને કહ્યું સંકટ કેટલું પણ મોટું કેમ ન હોય, ભારતના સંસ્કાર, નિસ્વાર્થ ભાવથી સેવાની પ્રેરણા આપે છે. આજે ભારતે જે રીતે મુશ્કેલીના સમયમાં વિશ્વની મદદ કરી છે એનાથી આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂતી મળી છે. વિશ્વએ આ દરમિયાન ભારતની વિશ્વબંધુત્વની ભાવનાને અનુભવી છે અને એની સાથે જ વિશ્વએ પોતાના સાર્વભૌમત્વ અને સરહદોની રક્ષા માટે ભારતની શક્તિ અને પ્રતિબદ્ધતાને પણ જોઈ છે.
મોદીએ ચીનનું નામ લીધા વગર વાત કરી
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આખા સંબોધન દરમ્યાન ચીનનું નામ ન લીધું. વિપક્ષના નેતાઓ અગાઉ પણ મોદી સરકારને સવાલ પૂછતા રહ્યા છે કે સરકાર સમગ્ર મામલે જે નિવેદન આપી રહી છે એમાં ચીનનું નામ કેમ લેવામાં નથી આવી રહ્યું.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મન કી બાતનું સંબોધન શરુ થતાં પહેલાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ક્યારે થશે રાષ્ટ્ર રક્ષા અને સુરક્ષાની વાત?
પીએમ મોદીના સંબોધન બાદ કૉંગ્રેસે સૅટેલાઇટ ઇમેજ ટ્વીટ કરી લખ્યું કે, સેટેલાઇટ ઇમેજ બતાવી રહી છે કે ચીન તરફથી પીછેહઠના કોઇ ચિહ્નો જણાતાં નથી. કૉંગ્રેસે ટ્વીટમાં આક્ષેપ કર્યો કે આ ઇમેજ દેશની રક્ષા કરવામાં મોદી સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો