ઑપેક+, રશિયા અને US દ્વારા ઑઇલ ઉત્પાદનકાપ ઍનર્જી માર્કેટને બચાવી શકશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

તૂટતાં જતાં ક્રૂડઑઇલ બજારને બચાવવા ગત સપ્તાહમાં યુ.એસ. અને જી-20 દેશોએ વિશ્વના અગ્રણી દેશોને કોરોના વાઇરસ તેમજ પ્રાઇસ વૉરને કારણે તબાહી પામેલા ઊર્જા ઉદ્યોગને સ્થિર કરવા "જરૂરી પગલાં" લેવાની હાકલ કરી હતી. ઑપેક અને રશિયા દ્વારા તેલઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાતને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું હતું.

વિશ્વની કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓમાં અસરકારક રીતે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે જે લૉકડાઉન લાગુ પડ્યું છે તેને લીધે તેલની માગ 18 વરસમાં સૌથી નીચલા સ્તરે ગઈ છે અને આ ક્ષેત્રે કામ કરતા લોકોની નોકરીઓ જવાનો ભય સતાવી રહ્યો છે.

સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ઑપેક અને રશિયાએ વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં એક દિવસમાં 10 મિલિયન બૅરલકાપ કરવાનું જાહેર કર્યું, જે વૈશ્વિક તેલબજારમાં નોંધપાત્ર ઘટાડો ગણી શકાય.

આ સામે મૅક્સિકો દ્વારા તેલના ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાનો ઇન્કાર કરવાને કારણે ઑપેક +ના દેશોમાં આ 'કરાર'ને આખરી ઓપ આપવામાં થોડો વિલંબ થયો હતો અને સાઉદી અરેબિયાના ઑપેક + જોડાણમાં તમામ દેશોએ સમાન હિસ્સો ઘટાડવાનો દબાણને નકારી કાઢ્યું હતું.

ટોચના ઉત્પાદકોનું ઘટાડો કરવા સહમત

આ કરારમાં યુ.એસ., રશિયા અને સાઉદી અરેબિયા અને વિશ્વના ટોચના ત્રણ તેલઉત્પાદકોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાના કરારને સમર્થન આપ્યું હતું.

અમેરિકાએ જી-20 મિટિંગની વાતચીતમાં જણાવ્યું હતું કે સભ્યો “એનર્જી બજારની સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી અને તાત્કાલિક પગલાં લેવાં કટિબદ્ધ છે.”

રશિયન ઍનર્જી મિનિસ્ટર, ઍલેકઝાન્ડર નોવાકે જી-20 મિટિંગમાં જણાવ્યું હતું કે, "જી-20ની ભૂમિકા આ પ્રયાસોને (ઑપેક + દ્વારા હાથ ધરવામાં આવેલા) વ્યાપકપણે સમર્થન આપવાનું છે."

સાઉદી રાજકુમાર મોહમ્મદ બિન સલમાને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.

સાઉદી રાજ્યના મીડિયા અનુસાર, તેઓએ તેલઉત્પાદકો વચ્ચે સહકારના મહત્ત્વને પુષ્ટિ આપી છે.

જી-20નો ટેકો પૂરતો?

કોવિડ-19 કટોકટીનો સામનો કરી વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહ્યું છે તે જોતાં સરકારો, કેન્દ્રીય બૅન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની શ્રેણીમાં સપ્લાય કરાર ઍનર્જી સૅક્ટર માટે જરૂરી છે.

જી-20 એનર્જી પ્રધાનોની ઇમર્જન્સી બેઠકમાં બોલતાં આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના ફાતિહ બિરોલે જણાવ્યું હતું કે વાઇરસના "શૉકવેવ્સ"ને કારણે તેલમાં મંદીનું વાતાવરણ સર્જાયું હતું અને "વૈશ્વિક આર્થિક સ્થિરતા"નો ભય ઊભો થયો છે.

ઉત્પાદન કામ અંગે "વિશ્વના ઉચ્ચ ઊર્જા સંસ્થાનું નેતૃત્વ કરનારા બિરોલે કહ્યું “કોવિડ-19ના ફેલાવા પર નિયંત્રણ આવતું જશે તેમતેમ ઑઇલ માર્કેટમાં સંતુલન આવતું જશે અને ફરીથી બજાર વિકાસ પામશે.”

ઑપેક સોદા માટે જી-20નું ગર્ભિત સમર્થન, જેનો ઉદ્દેશ્ય બજારમાંથી દિવસમાં 10 મિલિયન બૅરલ ઉત્પાદન ઘટાડવાનો છે તે ટ્રમ્પ માટે રાજદ્વારી જીત દર્શાવે છે.

હા ના પછી હા

તેમણે સાઉદી અરેબિયા અને રશિયાને એક મહિનાના પ્રાઇસ વૉરનો અંત લાવવા દબાણ કર્યું હતું, જેણે ઍનર્જી બજારોમાં સંકટ વધાર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રિન્સ મોહમ્મદ અને પુતિન સાથે અલગઅલગ વાતચીત કરી હતી, તેમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ સોદો કરવા સંમત નહીં થાય તો સાઉદી અને રશિયન તેલના વેચાણ પર ટેરિફ લગાવવામાં આવશે, જ્યારે ટ્રમ્પે આ બાબતે અમેરિકા શું કરશે તેવું કમિટમૅન્ટ આપ્યું નહોતું.

મૅક્સિકો ઑઇલના ઉત્પાદનકાપથી રાજી નહોતું, તેથી આ સોદો પાર પાડવામાં વાર લાગી હતી.

ટ્રમ્પે સંકેત આપ્યો કે યુ.એસ. મૅક્સિકોના કેટલાક કટનો હિસ્સો પોતાના તેલક્ષેત્રે પહેલેથી જ થઈ રહેલા ઘટાડામાં સામેલ છે.

યુ.એસ.ના ઍનર્જી સચિવ, ડેન બ્રોવિલેટે જી-20ને જણાવ્યું હતું કે યુ.એસ. તેલનું ઉત્પાદન ચાલુ વર્ષે લગભગ બે મિલિયન બૅરલ પ્રતિદિવસ અથવા દેશના ઉત્પાદનમાં ઓછામાં ઓછું 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.

બ્રુઇલેટે જણાવ્યું હતું, "આ સમય બધાં રાષ્ટ્રો માટે ગંભીરતાથી વિચારવાનો છે કે તેઓ સપ્લાય અથવા માગના અસંતુલનને સુધારવા માટે શું કરી શકે છે."

'વાસ્તવિકતા તથા વ્યવહારિતા નક્કી થઈ'

આઈ.એચ.એસ. માર્કિટના રોજર દીવાને જણાવ્યું હતું કે ટ્રમ્પનું ઑપેક પ્રત્યેનું વલણ લાંબા સમયથી ચર્ચાતું હોવા છતાં કટોકટીના કારણે યુ.એસ.ને ઓછામાં ઓછું સંભવિત ઑઇલ ઉત્પાદનકાપને ટેકો આપવા દબાણ કર્યું હતું.

યુ.એસ.ના વાહનચાલકોના નુકસાન નજરઅંદાજ કરીને તેલના ભાવમાં વધારો કરવાના પ્રયાસ માટે ટ્રમ્પે ઑપેક ઉપર વારંવાર આક્ષેપ કર્યા છે.

દીવાને જણાવ્યું હતું કે, "આખરે વાસ્તવિકતા અને વ્યાવહારિકતા નિર્ધારિત થઈ છે," અને ઉમેર્યું હતું કે સપ્લાય ડીલ 2009ના નાણાકીય કટોકટી દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહી કરતાં સાત ગણો મોટો હતો".

ઑઇલ ઉત્પાદન પરનો આ વિશાળ કાપ વૈશ્વિક માગમાં મોટો ઘટાડો સૂચવે છે. જેને લીધે વિશ્વના તેલઉત્પાદકોએ ઑઇલના ઉત્પાદન ઉપર કાપ મૂકવાની ફરજ પડી રહી છે.

સમર્થન થતાં શંકા કેમ?

જી-20નું સમર્થન હોવા છતાં પણ એ શંકા તો ઊભી જ છે કે અત્યારે ઑઇલકાપમાં ઘટાડો કરવા માટે લેવામાં આવેલાં પગલાં પૂરતાં પુરવાર થશે કે કેમ?

ઑઇલના પુરવઠા ઉપર નિયંત્રણ મૂકવા છતાં જો વિશ્વ બજારમાં ઓવર સપ્લાય થાય તો અત્યારની ઑઇલસંગ્રહ સુવિધાઓ ઉપર તેની ગંભીર અસર વર્તાશે.

ઑઇલ ફિલ્ડ બંધ થવાથી ભવિષ્યમાં લાંબા ગાળા માટે ઑઇલ રિઝર્વ સામે ખતરો ઊભો થશે.

ઑઇલ ટ્રૅડર્સ આ બાબતે શંકા સેવી રહ્યા છે તે ઑઇલ ઉત્પાદન ઉપર કાપને કારણે બજારમાં કિંમતો નીચી રહેશે.

બૅન્ચમાર્ક (WTI), બ્રેન્ટ ક્રૂડઑઇલમાં ઑઇલ ઉત્પાદનકાપ જાહેર થવાના અંદાજે તેજીની સપાટીએથી લગભગ 15 ટકાનો ઘટાડો થયો હતો અને લગભગ 30 ડૉલર પ્રતિબૅરલની સપાટીએ પહોંચ્યો હતો.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં તેલ 20 ડૉલરની નજીક જતાં પહેલાં જાન્યુઆરી મહિનામાં તે 70 ડૉલર પ્રતિબેરલ પર ટ્રૅડ થયું હતું. જોકે ઍગ્રીમેન્ટ વખતે ઇસ્ટર હોવાથી બજારો બંધ હતાં.

જે રીતે વિશ્વના શક્તિશાળી ઊર્જા ઉત્પાદકો સહ-સંકલન કરે છે તે જોતાં ઑઇલમાં હવે વધારે ઘટાડો થશે નહીં.

વુડ મેકેન્ઝી ખાતેના એન-લુઇસ હિટલલે જણાવ્યું હતું કે, "જો આ કરાર નબળી રીતે અમલમાં મૂકવામાં આવે તો પણ એ નોંધપાત્ર અસર કરશે અને બજારમાં ફરક જણાશે."

આમ ઑપેક +, રશિયા અને અન્ય દેશોએ તેલઉત્પાદન ઉપર મૂકેલો કાપ ઑઇલ બજારને વધુ નીચે જતાં રોકશે તેવી આશા છે અને ઑઇલના ભાવ $30 + ની આસપાસ સ્થિર રહેશે તેવું લાગી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો