કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા ભારતીય સૈનિકો ક્યાં રહેતા હતા?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતીય નૌસેનાના જે 21 જવાનો કોવિડ-19થી સંક્રમિત થયા છે એમાંના 20 એવા સૈનિકો છે જે 'આઈએનએસ આંગ્રે' નામની ઇમારતમાં રહેતા હતા.

આ ઇમારત મુંબઈના ફોર્ટ વિસ્તારમાં નેવલ બેઝ ડૉક્યાર્ડના કૅમ્પસની નજીક આવેલી છે, જેમાં અવિવાહિત સૈનિકો રોકાય છે.

આ ઇમારતને જોનાર એક ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું કે "આઈએનએસ આંગ્રેમાં 650થી લઈને 750 નૌસૈનિકોની રહેવાની વ્યવસ્થા છે અને નૌસેનાની ભાષામાં તેને 'ઇન-લિવિંગ બ્લૉક' કહેવાય છે."

ખાસ વાત એ છે અન્ય ઘણી બેચલર હૉસ્ટેલની જેમ અહીં રૂમમાં ખાવા બનાવવા માટે અલગથી રસોડું નથી. આથી બધા નૌસૈનિકો કૉમન એરિયામાં વારાફરતી ખાવા માટે જાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમારતના મોટા ભાગના રૂમમાં અલગથી બાથરૂમ નથી અને મોટી સંખ્યા લોકો ફ્લૉર પર રહેલી કૉમન સુવિધાનો ઉપયોગ કરે છે.

નૌસૈનિકોના સંક્રમણની ખબર કેવી રીતે પડી?

ભારતીય નૌસેનાએ આ મામલે નિવેદન જાહેર કરીને કહ્યું કે મુંબઈના નૌસૈનિક પરિસરમાં કુલ 21 કર્મી કોવિડ-19થી સંક્રમિત થયા છે, જેમાંના 'આઈએનએસ આંગ્રે'ના 20 સૈનિકો સામેલ છે.

હકીકતમાં ભારતીય નૌસેનામાં કોરોના વાઇરસથી સંક્રમણનો પહેલો કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે 5 એપ્રિલે એક નૌસૈનિકોની કોવિડ-19ની ટેસ્ટ કરાઈ હતી.

7 એપ્રિલે રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને એ સૈનિકની મુંબઈની 'આઈએનએસ અશ્વિની' હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે.

'આઈએનએસ અશ્વિની' નૌસેનાની વેસ્ટર્ન કમાન્ડની સૌથી મોટી અને મૉડર્ન હૉસ્પિટલ છે.

નૌસેના અનુસાર, મોટા ભાગના સંક્રમિત લોકો એ નૌસૈનિકના સંપર્કમાં આવ્યા હતા જેઓ સાત એપ્રિલે કોવિડ-19થી સંક્રમિત થયા હોવાની ખબર પડી હતી.

કદાચ એટલા માટે જ સાવધાની રખાઈ રહી છે, કેમ કે જે 20 નૌસૈનિકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે એમાંના લગભગ તમામ 'આઈએનએસ આંગ્રે'માં રહેતા હતા.

સૈનિકોની ઉંમર સરેરાશ 20-25 વર્ષની આસપાસ બતાવાઈ રહી છે અને જાણકારો પ્રમાણે આ રહેવાસી ઇમારતને સંપૂર્ણ ક્વૉરેન્ટીન કરી દેવાઈ છે.

તેમજ ભારતીય નૌસેના એ મામલે પણ વધુ સતર્ક થઈ ગઈ છે કે દેશના વિભિન્ન ડૉક્યાર્ડ કે ઠેકાણાં પર તહેનાત યુદ્ધજહાજ કે સબમરીન કોઈ પણ રીતે સંક્રમણથી દૂર રહે.

આ તરફ ભારતીય ભૂમિદળમાં કોવિડ-19થી સંક્રમણના અત્યાર સુધીમાં આઠ કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન નૌસેનાનું શક્તિશાળી યુદ્ધજહાજ 'થિયોડોર રુઝવેલ્ટ' પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યું હતું અને તેના 100થી વધુ નૌસૈનિકો વાઇરસથી સંક્રમિત થયા છે.

જહાજના 2000થી વધુ નૌસૈનિકોને બાદમાં તરત ક્વૉરેન્ટીન કરી દીધા છે.

તો ફ્રાન્સના વિમાનવાહક યુદ્ધજહાજ 'ચાર્લ્સ દ ગૉલ' પર તહેનાત બે હજારમાંથી અંદાજે સાતસો નૌસૈનિકોનો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો