કોરોના વાઇરસ : શું યુવાનોને કોરોનાથી જોખમ નથી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસને લઈને લોકોમાં એવી એક માન્યતા પ્રવર્તી રહી હતી કે તેની ઝપેટમાં મોટાભાગે વૃદ્ધો આવે છે અને યુવાનોને તેને અસર ઓછી થાય છે.

જોકે આ માન્યતાનું વિશ્વ આરોગ્ય સંગઠને ખંડન કર્યું છે, તેમણે કહ્યું છે કે યુવાનો ચેપમુક્ત નથી અને યુવાવયના લોકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ દ્વારા વિશ્વના યુવાનોને એક સંદેશ પાઠવવામાં આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર-જનરલ ટૅડ્રોસે એક વીડિયો કૉન્ફરન્સમાં કહ્યું, "વૃદ્ધો મોટી સંખ્યામાં કોરોના વાઇરસનો ભોગ બન્યા છે પણ યુવાવયના લોકો તેમાંથી બાકાત નથી."

"મારી પાસે યુવાનો માટે એક સંદેશ છે: તમે અજેય નથી, આ વાઇરસ અઠવાડિયાં સુધી તમને હૉસ્પિટલમાં રાખી શકે છે અને જીવ પણ લઈ શકે છે."

"તમે બીમાર ન હોવ તો પણ ક્યાં જવું એ અંગેનો તમારો નિર્ણય બીજા લોકો માટે જીવન-મરણનો નિર્ણય બની શકે છે."

ગુજરાતમાં શું સ્થિતિ છે?

સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધી ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપ લાગવાના કુલ 13 કેસો નોંધાયા છે.

કોરોના વાઇરસની મહામારીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની અપીલ કરી છે ત્યારે ગુજરાત સરકારે સહયોગના ભાગરૂપે એસટીની તમામ બસો રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

શનિવારે મોડી રાતથી જ બસો બંધ કરવાની શરૂઆત કરવામાં આવશે.

આ ઉપરાંત રેસ્ટોરાંઓને પણ બે ટેબલો વચ્ચે ઓછામાં ઓછું એક મિટર અંતર રાખવાનો આદેશ અપાયો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીના આધારે ગુજરાતમાં શનિવારે નવા નોંધાયેલા પૉઝિટિવ કેસો પૈકી ત્રણ કેસમાં સંક્રમિત વ્યક્તિની ઉંમર 26 વર્ષ કે એનાથી ઓછી હોવાનું જાણવા મળે છે.

કોરોના વાઇરસના સંક્રમણને પગલે વિશ્વઆખામાં 11 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

જ્યારે પૉઝિટિવ કેસોની સંખ્યા 2 લાખ 75 હજારનો આંકડો વટાવી ચૂકી છે. ભારતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 250ને પાર પહોંચી ગઈ છે.

જે પૈકી 157 કેસમાં સંક્રમિત વ્યક્તિ વિદેશથી આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસમાં જ ભારતમાં લગભગ 200 જેટલા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે, જ્યારે કેરળ આ યાદીમાં બીજા ક્રમે છે.

'કૉમ્યુનિટી ટ્રાંસમિશન'

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકારપરિષદમાં પૂછવામાં આવ્યું કે 'શું ભારતમાં કૉમ્યુનિટી ટ્રાંસમિશન શરૂ થઈ ગયું છે?'

વરિષ્ઠ અધિકારીએ જવાબ આપતાં કહ્યું, "હાલ તબક્કે એવું કહેવું યોગ્ય નહીં ગણાય."

જોકે તેમણે સ્વીકાર્યું કે 10થી વધારે એવા કેસ સામે આવ્યા છે કે જેઓ ભારતમાં જ પ્રવાસ કરી રહ્યા હતા અને એ લોકોએ એવો દાવો કર્યો છે કે તેઓ વિદેશથી પરત આવેલી કોઈ પણ વ્યક્તિને મળ્યા નથી.

અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ મામલે હજી તપાસને અવકાશ છે અને કેટલાક ભાગોમાં સંક્રમિત લોકોનું ઘનત્વ પણ વધારે જોવા મળ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે આ કેસોમાં કૉન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરાઈ છે, જે અત્યંત જટિલ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 7000થી વધારે વ્યક્તિઓનું કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગ કરવાની કામગીરી કરાઈ રહી છે, જેથી આ મામલે સચોટ ટિપ્પણી કરી શકાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો