You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીની હિંસા એક યોજનાબદ્ધ કાવતરા હેઠળ થઈ : અમિત શાહ
લોકસભામાં નિયમ 193 હેઠળ બુધવારે દિલ્હીની હિંસા પર ચર્ચા થઈ, જેમાં અમિત શાહે સરકારનો પક્ષ મૂક્યો.
વિપક્ષે સરકાર પર અનેક આકરા આક્ષેપ કર્યા ત્યારે અમિત શાહે સરકારનો પક્ષ લેતા હિંસાપીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
આ પહેલાં વિપક્ષે દિલ્હીની હિંસા પર સરકાર પાસે જવાબ માગતા સંસદમાં હોબાળો કર્યો હતો ત્યારે સરકારે હોળી પછી સંસદમાં આ મુદ્દે ચર્ચા કરાવવાની વાત કહી હતી.
અમિત શાહે કહ્યું કે "હોળી પર કોઈની ભાવના ન ભડકે તે માટે હિંસા પર ચર્ચા હવે કરવામાં આવી છે."
તેમણે કહ્યું કે દિલ્હીમાં હિંસામાં 52 લોકોનાં મૃત્યુ થયાં.
અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું, "દિલ્હીની હિંસા એક કાવતરા હેઠળ થઈ હતી અને કોઈ ધર્મ, જ્ઞાતિ અથવા પાર્ટી સાથે જોડાયેલા હોય, દોષીને છોડી દેવામાં નહીં આવે."
અમિત શાહે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ટાંકતા કહ્યું કે દિલ્હીની હિંસામાં મંદિર અને મસ્જિદ બંનેને નુકસાન થયું.
ઓવૈસીએ દિલ્હીમાં મસ્જિદને સળગાવવાનો ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીની હિંસા માટે દિલ્હીની પોલીસ અને અમિત શાહ સામે વિપક્ષે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.
તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે "પોલીસે હિંસાને દિલ્હીના ચાર ટકા વિસ્તાર અને 13 ટકા વસતી સુધી સીમિત રાખી હતી. દિલ્હી પોલીસે સારું કામ કર્યું અને પ્રથમ માહિતી મળ્યા પછી 36 કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી 25 તારીખે દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન થયેલી હિંસા પર અમિત શાહે કહ્યું, "ટ્રમ્પનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો. હું મારા લોકસભા વિસ્તારમાં હતો, મારી ત્યાંની મુલાકાત પણ પહેલાંથી નક્કી હતી."
"પરંતુ મને દિલ્હી વિશે માહિતી મળી ત્યાર પછી મેં ટ્રમ્પની મુલાકાતથી જોડાયેલા કોઈ કાર્યક્રમમાં હાજરી નહોતી આપી."
300થી વધારે લોકો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા
"મેં અજિત ડોભાલને વિનંતી કરી કે તેઓ હિંસાથી પ્રભાવિત વિસ્તારમાં જાય અને પરિસ્થિતિનો તાગ મેળવે. હું ત્યાં ગયો હોત તો પોલીસને સાથે જવું પડત અને તેમની વ્યવસ્થામાં તકલીફ થઈ શકી હોત. "
"જ્યાં હિંસા થઈ ત્યાંના ભૂગોળને પણ સમજવું જોઈએ. એ ગીચ વસતીવાળો વિસ્તાર છે."
"કદાચ દેશમાં સૌથી વધારે ગીચ વસતીવાળો વિસ્તાર છે. અહીં પોલીસ અને ઍમ્બ્યુલન્સ પણ મુશ્કેલીથી પહોંચે છે."
તેમણે જણાવ્યું કે દિલ્હી પોલીસે અત્યાર સુધી 700થી વધારે એફઆઈઆર દાખલ કરી છે.
હિંસા સંદર્ભે 2647 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
"ફોન કૉલની ડિટેલ બહાર કાઢવામાં આવી છે. લોકો પાસેથી હિંસા સંબંધિત ફૂટેજ માગવામાં આવી રહ્યું છે."
"1100થી વધારે લોકોની ઓળખ કરવામાં આવી છે અને 300 લોકો ઉત્તર પ્રદેશથી આવ્યા હતા."
અમિત શાહે કહ્યું કે આ તોફાન એક મોટું કાવતરું હતું, જેને જોતાં પ્રશાસને દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ સીલ કરી હતી.
બાલાકોટમાં સ્ટ્રાઇક કરી શકો તો...
આ ચર્ચામાં લોકસભામાં કૉંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી સૌથી પહેલા બોલવાનું શરૂ કર્યું.
તેમણે કહ્યું કે "ઘણા સમયથી ચર્ચાની માગ કરી રહ્યા હતા. હોળીનો તહેવાર ખતમ થયો, પણ દિલ્હીમાં લોહીની હોળીને પાછળ ન છોડી શકાય."
"આખું ભારત બેચેન છે અને જાણવા માગે છે કે આ ઘટના કેવી રીતે થઈ અને સરકાર શું કરી રહી છે કે આવું ફરી ન થાય."
તેમણે કહ્યું, "સરકારે પ્રયાસ કર્યો હોત તો હિંસા રોકી શકાઈ હોત. જો બાલાકોટમાં સ્ટ્રાઇક કરી શકો તો દિલ્હીની હિંસાને કેમ ન રોકી શકો."
ભાજપના નેતાઓનો બચાવ
દિલ્હીની હિંસા ભડકાવવા પાછળ ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનને લઈને અનેક આરોપ કરવામાં આવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે ભાજપના ત્રણ નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની તાકીદ દિલ્હી પોલીસને કરી પણ હતી. લોકસભામાં આ સંદર્ભમાં આરોપ પ્રત્યારોપ થયા.
લોકસભામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કહ્યું, "14 ફેબ્રુઆરીના દિવસે સોનિયા ગાંધીએ કહ્યું કે એ લોકો કાયર છે જે ઘરથી બહાર ન નીકળ્યા. ત્યાર પછી ઉમર ખાલીદે કહ્યું કે, સડક પર ઊતરવું પડશે."
"વારિસ પઠાણે કહ્યું કે અમે 15 કરોડ છીએ પરંતુ બધા પર ભારે પડીએ. આ નિવેદનો માટે કપિલ મિશ્રાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે."
મીનાક્ષી લેખીએ કહ્યું, "લોકોએ મફત વિજળી અને પાણી આપનાર પાર્ટીને વોટ આપ્યા. પરંતુ અમે જોયું કે તોફાનમાં કરોડોનું નુકસાન થયું હતું."
"હું ઇચ્છતી હતી કે દિલ્હીથી એક ફ્રી ઇન્ટરસ્ટેટ બસ ચલાવવામાં આવે એટલે જે લોકો પોતાના શહેરથી અહીં કામ કરવા આવ્યા હતા તેઓ પરત જઈને શાંતિથી જીવન પસાર કરી શકે."
ઓવૈસીએ શું કહ્યું?
હૈદરાબાદથી એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે "દિલ્હીની હિંસા કોમી તોફાન નહીં પણ સરકારનો એક પ્રોગ્રામ છે. "
તેમણે કહ્યું, "જ્યારે મોદી પોતાની બંધારણીય ફરજ ન નિભાવી શક્યા ત્યારે તેઓ દિલ્હીમાં બીજી વખત ફેઇલ થયા છે. તેઓ એ લોકોને બચાવી ન શક્યા જે પોતાના જીવનની ભીખ માગી રહ્યા હતા. સરકારને લોકોનાં મોત પર કોઈ દુખ નથી. કોઈ પણ પ્રકારની તકલીફ આ લોકોના ચહેરા પર દેખાતી નથી."
સોશિયલ મીડિયા પર તોફાન પછી વાઇરસ થયેલા વીડિયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "પોલીસની ક્રૂરતા વીડિયોમાં સામે આવી છે. લગભગ 60 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1100 મુસ્લિમ છોકરાઓની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ખુલ્લેઆમ લાંચ લે છે. ધર્મને દૂર કરીને તોફાનની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ."
તેમણે દિલ્હીની તોફાન પીડિતોની મદદ કરવા માટે શીખ સમુદાયનાં વખાણ કર્યાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો