TOP NEWS: દિલ્હીમાં AAPના વિજેતા ધારાસભ્યના કાફલા પર ગોળીબાર, એકનું મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દિલ્હીમાં મંગળવાર મોડી રાતે આમ આદમી પાર્ટીના નેતા નરેશ યાદવના કાફલા પર ગોળીબાર કરાયો છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમની મહરોલી બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર ગોળીબાર કરાયો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે.

"નરેશ યાદવના કાફલા પર જ્યારે ગોળીઓ ચલાવાઈ ત્યારે તેઓ પોતાના સમર્થકો સાથે મંદિરમાંથી પરત ફરી રહ્યા હતા."

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અંકિત લાલે બીબીસીને જણાવ્યું કે ઘાયલ કાર્યકરોની નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

તેમણે ઉમેર્યું, "નરેશ યાદવ પોતાના સમર્થકો સાથે મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અરુણા આસફ અલી રોડ પર કિશનગઢ ગામ નજીક ગાડીમાં આવેલા કેટલાક લોકોએ તેમના કાફલા પર ગોળીઓ ચલાવી."

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત : શહેરના સૌંદર્યકરણ પાછળ 50 કરોડનો ખર્ચ

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદને સુંદર બનાવવા 50 કરોડનો ખર્ચ કરાશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે, જેને પગલે શહેરની કાયાપલટ કરાઈ રહી છે.

'અમદાવાદ મીરર'ના અહેવાલ અનુસાર મોટેરા સ્ટેડિયમ તરફ જતા લગભગ 16 રસ્તાઓનું પુનઃનિર્માણ કરાઈ રહ્યું છે.

અખબાર અનુસાર રસ્તામાં સુધારા કરવા અને જે માર્ગ પરથી રાષ્ટ્રપતિનો કાફલો પસાર થશે તેને સુંદર બનવવા માટે મૂકાનારાં કૂંડાંનો ખર્ચ 50 કરોડ કરતાં વધારે હશે.

ટ્રમ્પ અમદાવાદમાં મોટેરામાં બનેલા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે એટલે ઍરપોર્ટથી મોટેરા સુધીના રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. આ રૂટ પર ફૂલોનાં 1.5 લાખ કૂંડા મૂકવામાં આવશે.

વ્હાઇટ હાઉસે અધિકૃત જાહેરાત કરીને જણાવ્યું છે કે રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી મૅલેનિયા પોતાનાં બે દિવસના ભારતપ્રવાસ દરમિયાન અમદાવાદની મુલાકાત લેશે.

અર્થતંત્ર સુધરી રહ્યું છે : નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્ર પર તોળાઈ રહેલા સંકટના આરોપને ફગાવી દીધા છે.

લોકસભામાં મંગળવારે તેમણે કહ્યું કે ભારતનું અર્થતંત્ર 'કુશળ ડૉક્ટરો'ના હાથમાં છે. સરકાર અર્થતંત્રને લઈને કામ કરી રહી છે અને એમાં સુધારો જોવા મળી રહ્યો છે.

યુપીએ પર નિશાન તાકતાં તેમણે કહ્યું કે તેઓ ગત સરકારોની ભૂલોને ફરીથી કરવા તૈયાર નથી. તેમણે કહ્યું, "ફેકટરીનું ઉત્પાદન વધ્યું છે. દેશમાં વિદેશી મુદ્રાનો ભંડાર વધ્યો છે અને જીએસટીના મહેસૂલનો સંગ્રહ પણ વધ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો