TOP NEWS: યોગી આદિત્યનાથે કહ્યું, 'આઝાદીના સૂત્રોચ્ચાર કરનાર પર દેશદ્રોહનો કેસ થશે'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આઝાદીના સૂત્રોચ્ચાર કરનરાાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધી કામ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

કાનપુરમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું : "ધરણાં-પ્રદર્શનના નામે કાશ્મીરમાં જેવા આઝાદીના નારા લાગતા હતા, જો એ પ્રકારના નારા લગાવવાનું કામ કરશો, તો આ કૃત્ય દેશદ્રોહની શ્રેણીમાં ગણવામાં આવશે અને સરકાર આવા ગુનેગારો પર કડક કાર્યવાહી કરશે."

સાથે જ તેમણે વિપક્ષ પર 'દેશની કિંમતે રાજકારણ કરવાનો' અને વિરોધ માટે મહિલાઓને ધરણાં પર બેસાડવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે એવી મહિલાઓને આગળ કરીને વિરોધ થઈ રહ્યો છે, જેમને નાગરિકતા કાયદા વિશે કશી ખબર જ નથી.

નોંધનીય છે કે દેશમાં ઠેરઠેર નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ થઈ રહ્યો છે.

મોડાસા દુષ્કર્મ કેસ : PM રિપોર્ટ પ્રમાણે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બન્યાં હતાં પીડિતા

5 જાન્યુઆરીના રોજ મોડાસાના એક ગામમાં દલિત કિશોરીનું મૃતદેહ ઝાડ પર લટકેલી અવસ્થામાં મળી આવી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર હવે બીજા પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આ કેસમાં હત્યા પહેલાં પીડિતા પર વધુ ક્રૂરતા આચરાઈ હોવાનું સામે આવ્યું છે.

પાંચ ડૉક્ટરોની પૅનલ દ્વારા કરાયેલ બીજા પોસ્ટમૉર્ટમમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ રિપોર્ટ અનુસાર 17 વર્ષીય પીડિતા પર હત્યા પહેલા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હતું.

બીજા પોસ્ટમૉર્ટમ રિપોર્ટની વિગતોએ પ્રથમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પર સવાલ ખડા કરી દીધા છે.

નોંધનીય છે કે પ્રથમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં હત્યા કે બળાત્કારની પુષ્ટિ કરાઈ નહોતી.

ચોટીલા એશિયાટિક સિંહોનું કાયમી નિવાસસ્થાન બનશે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વનવિભાગના અધિકારીઓએ ચોટીલા એશિયાટિક સિંહોનું કાયમી નિવાસસ્થાન બનશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે સોમવારે જસદણ તાલુકાના ભાડલા અને ભંડારિયા ગામની આસપાસ બે સિંહ જોવા મળ્યા હતા.

તેમજ આ વનવિભાગના અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ બંને સિંહોએ થોડા દિવસ પહેલાં રાજકોટ શહેરથી 20 કિલોમિટર દૂર એક ભૂંડનો શિકાર કર્યો હતો.

આ જ સિંહ ફરી વાર ચોટીલાના ધોકાલવા ગામ નજીક જોવા મળ્યા હતા.

સિંહોની આ મુસાફરીને જોતાં વનવિભાગના અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી છે કે આ બંને સિંહોએ ચોટીલા અને રાજકોટ વચ્ચે પોતાનો ઇલાકો સ્થાપિત કરી દીધો છે.

આ વિસ્તારમાં તેઓ પોતાના માટે ભોજન અને સાથીની શોધ કરી રહ્યા છે.

'પાકિસ્તાનની આર્થિક ક્ષમતા વિશે વિશ્વ માહિતગાર થશે'

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, "જ્યારે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સામાન્ય થઈ જશે ત્યારે વિશ્વને પાકિસ્તાનની ખરી આર્થિક તાકાત દેખાશે."

ઇમરાન ખાને દાવોસમાં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.

ઇમરાન ખાને આગળ કહ્યું : "દુર્ભાગ્યની વાત છે કે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો હાલ સામાન્ય નથી."

"પરંતુ જ્યારે બંને દેશોના સંબંધો સામાન્ય થશે, બંને દેશો વચ્ચે વેપારની શરૂઆત થશે ત્યારે દુનિયાને પાકિસ્તાનની આર્થિક ક્ષમતા અને રણનીતિક ભૌગોલિક સ્થિતિનો અંદાજ થશે, જેની એક તરફ ચીન, બીજી તરફ ભારત અને પશ્ચિમમાં મોટા ભાગની ઊર્જાનું ઉત્પાદન કરનાર દેશો છે."

તેમણે કહ્યું કે, તેઓ પાકિસ્તાનને એક કલ્યાણકારી દેશ બનાવવા માગે છે, પરંતુ શાંતિ અને સ્થિરતા વગર આર્થિક વિકાસ સંભવ નથી.

દાવોસમાં થઈ રહેલી બેઠકમાં ઘણા દેશોના ટોચના રાજનેતા, ઉદ્યોગપતિ અને વિખ્યાત હસ્તીઓ ભાગ લઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો