You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA: જુમાની નમાઝ પહેલાં ઍલર્ટ, ઉત્તર પ્રદેશના 21 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા બાદ ફરીથી ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવારે થનારી નમાઝને જોતાં 21 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
ઉત્તર પ્રદેશ પોલસીના ડીજીપી ઓ. પી. સિંહનું કહેવું છે કે રાજ્યના 21 જિલ્લામાં શુક્રવારે ઇન્ટરનેટ સેવા બંધ રહેશે.
તેમનું કહેવું છે, "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે કાબૂમાં છે, અમે સુરક્ષાદળોને તહેનાત કરવાની કામગીરીમાં લાગેલા છીએ અને એસઆઈટીની ટીમ વિભિન્ન કેસોની તપાસમાં લાગેલી છે."
"અમે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે, જેમ-જેમ સ્થિતિ સમાન્ય થશે એમ-એમ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરીશું."
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સૌથી વધારે હિંસક પ્રદર્શનો ઉત્તર પ્રદેશમાં જોવાં મળ્યાં હતાં. આ પ્રદર્શનો દરમિયાન અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.
કેટલાં મૃત્યુ થયાં?
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ગયા ગઠવાડિયે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં મૃત્યુ પામનારાં 16 પૈકી 14નાં મૃત્યુ ગોળી વાગવાથી થયાં હતાં.
આ અંગેની ખરાઈ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કરી હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
અન્ય બે લોકોમાંથી એક ફિરોઝાબાદના રાશિદ હતા, જેમનું મૃત્યુ માથા પર ઈજા થવાથી થયું હતું. આ ઉપરાંત વારાણસીમાં આઠ વર્ષીય મોહમ્મદ સગીરનું મૃત્યુ ભાગદોડમાં થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ શું કહે છે?
પોલીસનું કહેવું છે કે પ્લાસ્ટિક અને રબરની ગોળીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈએ ઉત્તર પ્રદેશના એડીજી પી. વી. રામા શાસ્ત્રીના હવાલાથી જણાવ્યું, "અમે રાજ્યોના અલગ-અલગ જિલ્લાઓમાં સુરક્ષાકર્મીઓને તહેનાત કર્યા છે અને લોકો સાથે વાતચીત પણ કરી છે."
તેમણે કહ્યું કે આ ઉપરાંત પોલીસ સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટ પર પણ નજર રાખી રહી છે.
19થી 21 ડિસેમ્બર વચ્ચે ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં હિંસા ભડકી હતી. પોલીસ પોતાની કાર્યવાહીને સાચી ઠેરવતાં કહે છે કે વિરોધપ્રદર્શનો દરમિયાન બે પ્રદર્શનકારીઓ દ્વારા ગોળીબાર કરાયો હતો અને આ માટેના પુરાવા તરીકે તસવીરો અને વીડિયો જાહેર કર્યાં હતાં.
ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માએ દાવો કર્યો છે કે આ હિંસામાં પોલીસને પણ નુકસાન થયું છે.
તેમણે કહ્યું, "21 જિલ્લામાં ભડકેલી હિંસામાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમાંથી 62 પોલીસકર્મી ગોળી વાગવાથી ઘાયલ થયા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો