You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: સફાઈકામદારના પદ માટે 7000 એન્જિનિયર અને ગ્રૅજ્યુએટ્સની અરજી
તામિલનાડુ વિધાનસભા સચિવાલય બાદ હવે કોઇમ્બતુર કૉર્પોરેશનમાં સફાઈકામદારની નોકરી માટે હજારો અરજી આવી છે.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ અરજીઓ મોટાભાગે એન્જિનિયર અથવા તો અન્ય કોઈ સ્નાતક કે પછી ડિપ્લોમાની ડિગ્રી ધરાવતી વ્યક્તિઓએ કરી છે.
સફાઈકામદારનાં 549 પદોની ભરતી માટે 7000 જેટલા લોકોએ અરજી કરી છે.
આ પરિસ્થિતિ અંગે સરકાર પર નિશાન સાધતાં DMK પ્રમુખ એમ. કે. સ્ટાલિને કહ્યું છે કે આ સ્થિતિ દર્શાવે છે કે રાજ્યમાં કેટલી બેરોજગારી છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે આગામી દિવસોમાં ઘણી સોફ્ટવૅર કંપનીઓના કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી દેશે.
આ વર્ષે જ તામિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સફાઈકામદારની નોકરી માટે M.Tech, B.Tech અને MBA જેવી ડિગ્રી ધરાવતા કુલ 4,607 લોકોએ અરજી કરી હતી.
આ નોકરી માટે અરજદારનું માત્ર શરીર સ્વસ્થ હોવું જરૂરી છે અને તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનો આજે થશે ફ્લોર-ટેસ્ટ
શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ગઠબંધનવાળી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર શનિવારના રોજ વિધાનસભામાં વિશ્વાસમત સાબિત કરશે. માહિતી પ્રમાણે આ પ્રક્રિયા બપોર પછી થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમતી સાબિત કરવા માટે ત્રણ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
ફ્લોર-ટેસ્ટ એનસીપીના વરિષ્ઠ નેતા અને વિધાનસભા પ્રોટેમ અધ્યક્ષ દિલીપ વલસે પાટિલની દેખરેખ હેઠળ થશે. તેમણે ભાજપના કાલિદાસ કોલંબકરનું સ્થાન લીધું છે.
ભારતનું સૌથી મોટા ઍરપોર્ટનું નિર્માણ 29,560 કરોડના ખર્ચે થશે
દિલ્હીની નજીક આવેલા નોયડામાં દેશના સૌથી મોટા ઝેવર ઍરપોર્ટનું નિર્માણ થવાનું છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે આ ઍરપૉર્ટ બનાવવાની જવાબદારી સ્વિટ્ઝર્લૅન્ડની કંપની ઝ્યુરિખ ઍરપૉર્ટ ઇન્ટરનેશનલને આપવામાં આવી છે.
ઍરપૉર્ટને બનાવવાનો અંદાજિત ખર્ચ 29,560 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે.
ઍરપૉર્ટના નિર્માણ માટે સ્વિટ્ઝર્લૅન્ડની કંપનીએ દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ (ડાયલ) અને અદાણી ઍન્ટરપ્રાઇઝ અને એંકરેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ જેવી કંપનીઓને પાછળ છોડી દીધી છે.
પરિયોજનાના નોડલ ઑફિસર શૈલેન્દ્ર ભાટિયાએ કહ્યું કે ઝેવર ઍરપૉર્ટ અથવા તો નોએડા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ જ્યારે સંપૂર્ણપણે વિકસી જશે, ત્યારે તે 5 હજાર હેક્ટર ક્ષેત્રમાં ફેલાશે.
હૈદરાબાદમાં બીજી મહિલાનો મૃતદેહ મળ્યો
હૈદરાબાદમાં ચાર લોકોએ એક મહિલા પશુચિકિત્સક પર બળાત્કાર કર્યા બાદ તેમને સળગાવીને મારી નાખ્યાં હતાં, આ ઘટનાના બે દિવસ બાદ તે જ વિસ્તારમાં અન્ય એક મહિલાનો મૃતદેહ મળ્યો છે.
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ મહિલાનો મૃતદેહ પણ સળગેલી હાલતમાં મળ્યો છે અને તેમની ઓળખ થઈ શકી નથી.
પોલીસે જણાવ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે મહિલાઓ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઈ છે.
ઝારખંડમાં નક્સલ પ્રભાવિત 13 બેઠકો પર આજે મતદાન
ઝારખંડ વિધાનસભા માટે પહેલા તબક્કાનું મતદાન આજે છે. આ તબક્કામાં 13 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે.
13માંથી છ બેઠકો પર ભાજપના વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં કુલ 189 ઉમેદવાર છે જેમાંથી સૌથી વધારે 28 ભવનાથપુરમાં છે.
આ તરફ સૌથી વધારે નક્સલ પ્રભાવિત ચતરા સીટ પરથી માત્ર 9 ઉમેદવારોએ જ ઉમેદવારી નોંધાવી છે.
દરેક બેઠકો પર સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમ કે શહેરી વિસ્તારો સિવાયના મતદાનકેન્દ્રો એ વિસ્તારમાં છે જ્યાં માઓવાદીઓનો પ્રભાવ છે.
આ તબક્કામાં કુલ 37 લાખ 87 હજાર મતદારો છે જેમાંથી 18 લાખ મહિલાઓ છે.
મતદાનકેન્દ્રોની વાત કરવામાં આવે તો 1202 મતદાનકેન્દ્રોને સંવેદનશીલ ગણાવવામાં આવ્યાં છે જ્યારે 1790 મતદાનકેન્દ્રો અતિસંવેદનશીલની શ્રેણીમાં સામેલ છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો