સુરત : દિવાળીની રજાઓ પૂર્ણ છતાં હજી પણ અનેક દુકાનો બંધ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર દિવાળીની રજાઓ પૂર્ણ થવાં છત્તાં સુરતની 60 ટકાથી પણ વધુ કાપડની દુકાનો હાલ ખૂલી નથી.

છેલ્લાં ઘણાં વર્ષોમાં પહેલીવાર આવું જોવા મળ્યું છે કે લાભપાંચમ બાદ સામાન્ય રીતે ખૂલતું માર્કેટ હજી પણ બંધ છે.

તહેવારો દરમિયાન પૉલિયેસ્ટરની સાડીઓ અને ડ્રેસ મટીરિયલની માગ ઘટી ગઈ હતી. તેના કારણે હાલ પણ વેપાર શરૂ થયો નથી.

ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું, "કેટલીક દુકાનો ખૂલી છે, પરંતુ મોટા ભાગની દુકાનો નબળી માંગને કારણે બંધ છે."

"હાલ કોઈ કાપડ ખરીદી રહ્યું નથી અને ઘણી બધી મિલ્સ પણ ખૂલવાની બાકી છે."

ટેક્સ્ટાઈલ ઍસોસિયેશન સાથે સંકળાયેલા નારાયણ જલનના કહે છે, "આ દિવાળીમાં જ 70 ટકા જેટલો વેપાર ઘટી ગયો હતો."

માર્કેટની સ્થિતિ સૌથી ખરાબ છે. હું દિલ્હી અને બીજા તમામ માર્કેટના લોકો સાથે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છું. પરંતુ કોઈ જવાબ આપતું નથી."

અમદાવાદમાં વધતું પ્રદૂષણ

અમદાવાદ મિરરમાં છપાયેલાં અહેવાલ અનુસાર અમદાવાદમાં હવે સતત પ્રદૂષણ વધી રહ્યું છે.

શહેરમાં મંગળવારે પ્રદૂષણ વધવાની ચેતવણી આપતા હવા વધારે ખરાબ બની હતી.

અમદાવાદમાં સૌથી ખરાબ હવા પિરાણાની હતી. જ્યાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 'વેરી પૂઅર' હતો. જ્યારે અમદાવાદનો એક્યૂઆઈ પૂઅર હતો.

ઉપરોક્ત આંકડા સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ અને રીસર્ચ દ્વારા આપવામાં આવ્યા છે.

શહેરના ચાંદખેડામાં 'પૂઅર', જ્યારે બોપલ, નવરંગપુરા અને સેટેલાઈટમાં 'મોડરેટ' હવા જોવા મળી હતી.

પૉલિશ ડાયમંડની નિકાસમાં 16 ટકાનો ઘટાડો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતમાંથી થતી પૉલિશ ડાયમંડની નિકાસમાં 16 ટકાનો ઘટાડો થયો છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા હાલમાં જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પૉલિશ ડાયમંડની નિકાસમાં ઑક્ટોબરમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જે દર્શાવે છે કે અમેરિકા અને હૉંગકૉંગ જેવાં ડાયમંડના મહત્ત્વના માર્કેટમાં માંગ ઘટી છે.

ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 2.31 બિલિયન ડૉલરની નિકાસ થઈ હતી. જે ઘટીને હવે 1.95 બિલિયન ડૉલરે પહોંચી છે.

એપ્રિલથી ઑક્ટોબર 2019માં ડાયમંડની નિકાસમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જે નિકાસ ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 15 બિલિયન ડૉલરની હતી તે આ સમયે ઘટીને 12.4 બિલિયન ડૉલરે પહોંચી છે.

ગુરુ પર્વ ઉપર માત્ર 700 શીખ કરતારપુર પહોંચ્યા

કરતારપુર કૉરિડોર ખુલ્યાને માત્ર ત્રણ જ દિવસ થયા છે અને મંગળવારે ગુરુ નાનકની 550મી જયંતી પર ભારતથી માત્ર 700 શ્રદ્ધાળુઓ ત્યાં ગયા હતા.

એવું ત્યારે થયું જ્યારે પાકિસ્તાને ગુરુ નાનકની 550મી જયંતી પર 20 ડૉલરની ફી માફ કરી હતી અને શ્રદ્ધાળુંઓની સંખ્યા બે ગણી કરી દીધી હતી.

રવિવાર અને સોમવારે ક્રમશઃ 250 અને 122 ભારતીય શ્રદ્ધાળુ જ કરતારપુર પહોંચ્યા હતા.

આ કૉરિડોરનું ઉદ્ઘાટન નવ નવેમ્બર એટલે શનિવારે થયું હતું. ઉદ્ઘાટન સમારોહના દિવસે હજારો લોકો હાજર હતા અને ભારત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.

મંગળવારે 40 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ ડેરા બાબા નાનકના ચોલા સાહેબ ગુરુદ્વારાએ દર્શન કર્યા.

અહીંથી કરતારપુર ગુરુદ્વારાનો રસ્તો છે અને તેની એક ઝલક ભારતથી જોવા મળે છે. ઘણાં લોકોને નથી ખબર કે પાકિસ્તાન જવા માટે કયા દસ્તાવેજની જરૂર પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો