You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં દલિત પર હુમલાને પગલે મેવાણીની ગુજરાત બંધની ચીમકી
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમદાવાદમાં એક યુવકને કેટલાક લોકો માર મારી રહ્યા હોવાનો વીડિયો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કર્યો હતો.
આ વીડિયો અમદાવાદના સાબરમતી વિસ્તારનો હોવાનો મેવાણીએ દાવો કર્યો હતો અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આરોપીઓની ધરપકડ નહીં કરાય તો ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે.
જિગ્નેશ મેવાણીના આ ટ્વીટ બાદ રાજ્યની સરકાર હરકતમાં આવી ગઈ હતી અને અમદાવાદ પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે મહેશ ઠાકોર અને જોગી ઠાકોર નામની બે વ્યક્તિઓએ બીજી બે વ્યક્તિઓ સાથે મળીને પ્રજ્ઞેશ પરમાર નામના 30 વર્ષના એક યુવાનને માર માર્યો હતો.
આ માર માર્યો તે સમયની કથિત ઘટનાનો વીડિયો મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
ગુના વિશે વાત કરતાં પ્રજ્ઞેશ પરમારના ભાઈ હિતેશ શાહ કહે છે, "પ્રજ્ઞેશ એક જગ્યાએ નિયમિતપણે ખાવા જાય છે."
"રવિવારે ખાવાના ઑર્ડરની સર્વિસને લઈને પ્રજ્ઞેશ અને જોગી નામની વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થતાં જોગી અને તેની સાથેના માણસોએ પ્રજ્ઞેશને માર માર્યો હતો."
આ ઘટના બાદ પ્રજ્ઞેશને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહેશ ઠાકોર નામની એક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના તમામ લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
ગુના વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ શહેરના ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્મા કહે છે, "તમામ ભાગેડુની શોધખોળ પોલીસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થઈ જશે."
પીડિતના પરિવારનો આરોપ છે કે જોગી ઠાકોર પોતે દારૂના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ગુજરાત બંધનું એલાન
ધર્મેન્દ્ર શર્મા કહે છે કે આ ગુનામાં જેમનું નામ આરોપીઓ તરીકે નોંધાયું છે તેમની ઉપર પહેલાં કોઈ બુટલેગિંગના ગુના નોંધાયા નથી.
ઘટના રવિવાર રાતની છે. આ ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) ના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા હતા.
આ ઘટના વિશે વાત કરતાં RDAMના સહ-કન્વીનર જગદીશ ચાવડા કહે છે, "દલિતો સાથે આ પ્રકારની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે."
"અમે આ માટે તમામ પોલીસ અધિકારીઓને મળીને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમજ આ ઘટનામાં યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરીશું."
આ ઘટના પછી મેવાણીએ CMOને ટૅગ કરીને ટ્વીટ કર્યું હતું કે 'તેઓ ગુજરાતના મુખ્ય મંત્રીને અલ્ટિમેટમ આપે છે કે જો સરકાર આરોપીઓને ધરપકડ કરીને તેમને સજા નહીં ફટકારે તો ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે.'
વીડિયો શૅર કરીને મેવાણીએ એ પણ ટ્વીટ કર્યું હતું કે 'દલિતો સંવિધાનમાં માને છે, તેઓ બુઝદિલ નથી.'
પોલીસની પ્રતિક્રિયા
જોકે આ ટ્વીટ બાદ પોલીસે ધરપકડનો સિલસિલો શરૂ કરી દીધો હતો.
અમદાવાદ ઝોન-2ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ધર્મેન્દ્ર શર્માએ સમાચાર સંસ્થા એએનઆઈને આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું :
"આ કેસમાં એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય દંડસંહિતા (ઇન્ડિયન પીનલ કોડ, આઈપીસી)ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) તથા ઍટ્રોસિટી ઍક્ટની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."
શર્માએ ઉમેર્યું કે સગીર આરોપીનેજુવેનાઇલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો