You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેજરીવાલની ઓડ-ઇવન યોજનાથી દિલ્હીમાં ખરેખર પ્રદૂષણ ઘટશે ખરું?
દિલ્હી અને તેના આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે. રવિવારે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાએ(ઍરક્વૉલિટી/ઍક્યૂઆઈ) 1,000ના અંકને પણ પાર કરી દીધો હતો.
દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી પહેલાંથી જ લાગુ કરવામાં આવી છે પરંતુ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી. કે. મિશ્રાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા પ્રદૂષણ પર કાબૂ મેળવવા દિલ્હી, પંજાબ અને હરિયાણા સરકારના સંબંધિત અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ મીટિંગ કરી.
મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે કૅબિનેટ સચિવ સતત પ્રદૂષણની હાલત પર નજર રાખશે.
દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને ઘટાડવા માટે દિવાળી પહેલાંથી 4થી 15 નવેમ્બર દરમિયાન ઓડ-ઇવન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 4 નવેમ્બરે આ સ્કીમને લાગૂ પણ કરી દેવાઈ હતી.
એ પ્રશ્ન ચોક્કસ થાય છે કે હેલ્થ ઇમર્જન્સીની સ્થિતિમાં આ યોજના કેટલી કારગર રહેશે? ઓડ-ઇવન યોજના અંગે નિષ્ણાતોમાં પણ મતભેદ જોવા મળે છે.
શું છે ઓડ-ઇવન સ્કીમ?
ભારતના રસ્તાઓ ઉપર દોડતી ગાડીઓના નંબર ચાર આંકડાના હોય છે. આંકડાના ચોથા ડિજિટના આધારે આ યોજના લાગુ થઈ રહી છે.
મતલબ કે જે દિવસે ઓડ અંકની ગાડીઓને બહાર નીકળવાની છૂટ હોય તે દિવસોમાં જે વાહનોના નંબરનો છેલ્લો અંક એક, ત્રણ, પાંચ, સાત કે નવ હોય તે વાહનો રસ્તા ઉપર દોડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે દિવસે ઇવન ગાડીઓને રસ્તા ઉપર દોડવાની છૂટ હોય તે દિવસે જે વાહનના નંબરનો છેલ્લો અંક બેકી, એટલે કે ઝીરો, બે, ચાર, છ કે આઠ હોય તે રસ્તા ઉપર દોડે છે.
ઓડ-ઇવનથી ખરેખરે પ્રદૂષણ ઘટશે?
સેન્ટર ફૉર સાયન્સ એન્ડ ઍન્વાયરમૅન્ટના સિનિયર પ્રોગ્રામ મૅનેજર વિવેક ચટ્ટોપાધ્યાયનું કહેવું છે, "દિલ્હીમાં જે પણ પગલાં લઈશું તેનાથી હવાનું પ્રદૂષણ જરૂરથી ઘટશે."
"જ્યારે પણ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચે છે, ત્યારે ઓડ-ઇવનને લાગુ કરવી જોઈએ. પ્રદૂષણ ઘટાડવાના ઍક્શન પ્લાનમાં પણ આનો ઉલ્લેખ છે."
ઓડ-ઇવનને વિસ્તારથી સમજાવતા તેમણે કહ્યું, "ઓડ-ઇવનથી રોડ પર દોડતી ગાડીઓની સંખ્યા ઘટશે. ગાડીઓ ઓછી દોડશે તો ટ્રાફિકની સ્પીડ વધશે. આનાથી ગાડીઓ દ્વારા થતું ઉત્સર્જન ઘટશે."
"દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા સતત રહે છે, એવામાં ગાડીઓથી થનારા પ્રદૂષણથી જરૂર થોડો ફાયદો થશે."
ગાડીઓમાંથી નીકળતા ધુમાડા અંગે વિવેક ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ગાડીઓમાંથી નીકળતો ધુમાડો ઝેરી હોય છે. તેના કણ સામાન્ય ધૂળના કણોથી બહુ નાના હોય છે અને બહુ સરળતાથી આપણા શરીરમાં જતા હોય છે. એટલે વાહનોથી થતા પ્રદૂષણ પર કાબૂ મેળવવો અગત્યનું છે.
'ઓડ-ઇવન નિષ્પ્રભાવી યોજના છે'
શહેરી બાબતોના જાણકાર દિનેશ મોહન કહે છે કે ઓડ-ઇવન યોજનાથી પ્રદૂષણમાં કોઈ ખાસ ઘટાડો નોંધાશે નહીં.
કોઈ પણ અધ્યયન એવું કહેતું નથી કે વાહનો દ્વારા 25-26 ટકાથી વધારે પ્રદૂષણ થાય છે. તે પણ તમામ વાહનોને સરવાળો કરીએ ત્યારે આટલું થાય છે.
દિનેશ મોહન ઓડ-ઇવનને સમજાવતા કહે છે કે, "જો આપણે વધુમાં વધુ 30 ટકાનો અંદાજ લગાવીએ તો તેમાં ગાડીઓ દ્વારા થતું પ્રદૂષણ લગભગ 10 ટકા હશે."
"હવે જો ગાડીઓ દ્વારા પ્રદૂષણને અડધું કરવાની વાત કરીશું તો તે ઘટીને 5 ટકા થશે."
"જ્યારે પ્રાઇવેટ ગાડીઓ પર પ્રતિબંધ મૂકાય છે ત્યારે ઑટો અને બીજાં વાહનો રસ્તા પર દોડે છે."
"એટલી હકીકતમાં તો ઓડ-ઇવનથી 2-3 ટકાથી વધુ પ્રદૂષણ ઓછું થતું નથી. આ 2-3 ટકા પ્રદૂષણને માપવું ખરેખર મુશ્કેલ છે. જેથી ઓડ-ઇવન નિષ્પ્રભાવી યોજના છે."
ઓડ-ઇવન સિવાય પણ પગલાંની જરૂર છે?
વિવેક ચટ્ટોપાધ્યાય આઇઆઇટી કાનપુરના એક સંશોધનને ટાંકીને કહે છે, "શિયાળામાં વાતાવરણમાં ટ્રાફિકથી લગભગ 25-26 ટકા વાયુ પ્રદૂષણ થાય છે. પ્રદૂષણની આ ટકાવારીને ધ્યાને રાખીએ તો ખ્યાલ આવે કે આ બહુ મોટો ભાગ નથી."
"આ સિવાય ઘણી એવી વસ્તુ છે વાયુ પ્રદૂષણમાં વધારો જૈવિક કચરાને સળગાવવાથી, ધૂળથી અને ફેકટરીઓના ધુમાડાથી થાય છે."
તેમણે વધુમાં કહ્યું, "પ્રદૂષણથી રાહત મેળવવા માટે ઓડ-ઇવન સિવાય ઔદ્યોગિક અને જૈવિક કચરો સળગાવવાના નિયમોનો કડક અમલ કરવો જરૂરી છે. આની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટને સારું બનાવવું જરૂરી છે."
દિનેશ મોહન કહે છે, "પ્રદૂષણ એક અથવા બે વર્ષમાં ઘટી શકે તેમ નથી. જે દેશોમાં પણ પ્રદૂષણ ઘટ્યું છે, ત્યાંની સરકારોએ એના માટે લાંબા સમય સુધી અને સતત કામ કર્યું છે, અને આના પર પૈસા ખર્ચ કર્યા છે."
"જો સરકાર પ્રદૂષણને ઘટાડવા માંગે છે તો તેણે આ ક્ષેત્રમાં સંશોધનને વધારવાની અને સમય આપવાની જરૂર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો