TOP NEWS: ગુજરાતની પેટાચૂંટણી માટે કૉંગ્રેસના ઉમેદવાર જાહેર

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂત, બાયડ બેઠક પરથી જસુભાઈ પટેલ, અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડા બેઠક પરથી ચૌહાણ ગુલાબસિંહને કૉંગ્રેસે ટિકિટ આપી છે.

આ ચારેય બેઠકો પર 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે 24મી ઑક્ટોબરે પરિણામ જાહેર કરાશે. પેટાચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક સાથે જ યોજાશે.

મહારાષ્ટ્ર માટે 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

આ ઉપરાંત કૉંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી માટે 51 ઉમેદવારોનાં નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

આ યાદી અનુસાર રાજ્યના પૂર્વ મુખ્ય મુખ્ય મંત્રી અશોક ચ્વહાણને ભોકર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે.

બન્ને પક્ષો 125-125 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની 38 બેઠકો પર ગઠબંધનના સહયોગી ચૂંટણી લડશે.

ભારે વરસાદથી પટણામાં જનજીવન પ્રભાવિત, રસ્તા પર હોડીઓ

ભારે વરસાદને કારણે બિહારના પાટનગર પટણામાં આ સમયે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

સતત વરસાદને કારણે શહેરમાં એટલું પાણી ભરાયું છે કે લગભગ 80 ટકા ઘરોના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયાં છે.

હૉસ્પિટલ, સ્કૂલો, સાર્વજનિક ઑફિસો, મંત્રીઓ, નેતાઓનાં ઘરોમાં પણ પાણી છે.

રોડ પર હોડીઓ ચાલવા લાગી છે અને બચાવકર્મીઓના હોડીના માધ્યમથી પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે.

હજારો લોકો પોતાનાં ઘરોમાં પણ પાણીમાં ફસાયા છે. ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે અને પીવાનાં પાણી અને ભોજનની પણ તાણ સર્જાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આખા રાજ્યમાં આ સમયે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય છે.

આમ તો રાજ્યમાં ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પાટનગર પટણામાં છેલ્લા 48 કલાકમાં જેટલો વરસાદ (300 મિમીથી વધુ) પડ્યો છે, એટલો વરસાદ ગત 10 વર્ષમાં પણ પડ્યો નથી.

દિવાળી અગાઉ જવાનોનું રૅશન ઍલાઉન્સ અટક્યું

દેશની સૌથી મોટા પૅરામિલિટરી ફોર્સ સીઆરપીએફના જવાનોને આ મહિને રૅશનિંગ ઍલાઉન્સ નહીં મળે તેમ ધ ટેલિગ્રાફનો અહેવાલ જણાવે છે.

અહેવાલ કહે છે કે દરેક જવાનને પગારની સાથે રૅશનિંગ ઍલાઉન્સ તરીકે 3000 રૂપિયા મળે છે, પરંતુ ગૃહ મંત્રાલયે સીઆરપીફને 800 કરોડ રૂપિયા ન આપતા સીઆરપીએફ નાણાભીડમાં મુકાઈ છે.

અહેવાલ મુજબ સીઆરપીએફ તરફથી જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આની રજૂઆત કરવામાં આવી હતી. જોકે સરકારે હજી આ રજૂઆત ધ્યાને લીધી નથી.

800 કરોડની ચુકવણી નહીં કરવા અંગે ગૃહ મંત્રાલય તરફથી કોઈ કારણ આપવામાં નથી આવ્યું.

એક અધિકારીને ટાંકીને ટેલિગ્રાફ લખે છે કે રૅશન ઍલાઉન્સ અટક્યું હોય એવી ઘટના પહેલી વાર બની છે.

સીઆરપીએફે પોતાના યુનિટોને સપ્ટેમ્બરના પગારમાં રૅશન ઍલાઉન્સ નહીં ચૂકવી શકાય એવી જાણ કરી છે.

નવરાત્રી મામલે સરકારનો આદેશ માનવાનો પ્રજ્ઞાસિંહ ઠાકુરનો ઇન્કાર

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મધ્ય પ્રદેશ સરકાર અને કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરીને કહ્યું કે નવરાત્રિ પર સ્પીકર-ડીજે વાગશે.

એનડીટીવીનો અહેવાલ કહે છે કે ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે નવરાત્રિ પર લાઉડ સ્પીકર અને ડીજે મોડે સુધી વગાડવા પર કહ્યું કે શું બધા નિયમો અને કાયદાઓ માત્ર હિંદુઓ માટે છે. અમે તેને નહીં માનીએ. આ નવરાત્રિમાં અમે લાઉડ સ્પીકર-ડીજે બધું વગાડીશું. કોઈ ગાઇડલાઇન્સ નથી.

જ્યારે તેમને લાઉડ સ્પીકર મામલે કોર્ટના આદેશની યાદ અપાવવામાં આવી તો કહ્યું કે તેમને કોર્ટનો આ નિર્ણય મંજૂર નથી.

મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં નવરાત્રી આયોજકો પાસેથી સોગંદનામાની માગણી કરતા આ અંગે વિવાદ થયો છે. સરકારે સુરક્ષાના હેતુથી ઊંડા પાણીમાં નાવ લઈને જવા અંગે નિયમો બનાવ્યા છે.

મધ્ય પ્રદેશ સરકારે નવરાત્રીની ઉજવણી અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે.

આ વિવાદ થતા મુખ્ય મંત્રી કમલનાથે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

સાધ્વી પ્રજ્ઞા ભોપાલમાં મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

યમનના હુતીમાં વિદ્રોહીઓનો દાવોઃ હજારો સાઉદી સૈનિક પકડાયા

યમનના હુતીના વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેઓએ મોટી સંખ્યામાં સાઉદી અરબના સૈનિકોને પકડી લીધા છે.

હુતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે સાઉદી અરબના નાઝરાન શહેર પાસે સાઉદી અરબની ત્રણ બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે.

પ્રવક્તાએ જણાવ્યું કે પકડાયેલા સૈનિકોની સંખ્યા હજારોમાં છે.

તેમણે દાવો કર્યો છે કે હુતી વિદ્રોહીઓના ત્રણ દિવસના અભિયાનમાં સાઉદી અરબ ગઠબંધન સેનાના ઘણા અન્ય સૈનિકો માર્યા ગયા છે.

જોકે સાઉદીના અધિકારીઓએ હુતી વિદ્રોહીઓના દાવાની પુષ્ટિ કરી નથી.

હુતી વિદ્રોહીઓના પ્રવક્તા કર્નલ યાહિયા સારિયાએ જણાવ્યું કે જ્યારથી યમનમાં સંઘર્ષની શરૂઆત થઈ છે, ત્યારનું આ એક મોટું અભિયાન હતું.

' ઉન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાને દિલ્હીમાં મકાન આપવા કોઈ તૈયાર નહીં'

ઉત્તરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર પીડિતા અને તેમના પરિવારને દિલ્હીમાં ભાડાનું મકાન આપવા કોઈ તૈયાર નથી.

કથિત બળાત્કારના આ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે.

પીડિતાના વકીલ ધર્મેન્દ્રકુમાર મિશ્રાએ ડિસ્ટ્રિક્ટ જજ ધર્મેશ શર્માને આ જાણકારી આપી છે.

વકીલના કહેવા અનુસાર છોકરીના કેસની પૃષ્ઠભૂમિ જણાવ્યા પછી મકાનમાલિક પોતાનું મકાન ભાડે આપવા માટે તૈયાર થતા નથી.

કોર્ટે આ મામલે ગંભીરતા દાખવીને દિલ્હી મહિલા આયોગને આદેશ આપ્યો છે કે તેઓ પીડિતા અને તેમના પરિવારને દિલ્હીમાં રહેવા માટેની વ્યવસ્થામાં મદદ કરે.

કોર્ટે દિલ્હી મહિરા આયોગનાં અધ્યક્ષને પીડિતાના પુનર્વાસની દેખરેખ માટે એક ટીમ બનાવવાનું કહ્યું છે.

પીડિતા અને તેમનાં માતાએ જજ સામે દિલ્હીમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેમનું કહેવું હતું કે તેઓને ઉત્તરપ્રદેશમાં ડર લાગે છે. આ મામલામાં યુપીના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર આરોપી છે.

100 મીટર રેસનો વર્લ્ડ ચૅમ્પિયન કોલમૅન

અમેરિકાના ક્રિશ્ચિયન કોલમૅને દોહામાં ચાલી રહેલી ઍથ્લેટિક્સની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 100 મીટરની રેસ જીતી લીધી છે.

તેઓએ ફાઇનલમાં 9.76 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરી અને હમવતન જસ્ટિન ગેટલિનને પાછળ રાખી દીધા. ગેટલિન 9.89 સેકન્ડમાં રેસ પૂરી કરીને બીજા નંબરે રહ્યા હતા.

ત્રીજા નંબરે કૅનેડાના આંદ્રે દે ગ્રાસ રહ્યા. તેઓએ 9.90 સેકન્ડમાં પૂરી કરી હતી.

વર્લ્ડ ચૅમ્પિયનશિપ અગાઉ કોલમૅન વિવાદોમાં ઘેરાયા હતા.

તેઓ ત્રણ વાર ડોપિંગ ટેસ્ટથી દૂર રહ્યા હતા.

અમેરિકાના ઍન્ટી ડોપિંગ એજન્સીએ કોલમૅન પર છેલ્લા 12 મહિનામાં ત્રણ વાર ડોપિંગ ટેસ્ટથી દૂર રહ્યાનો આરોપ મૂક્યો હતો.

બાદમાં એજન્સીએ પોતાનો દાવો પરત લઈ લીધો હતો.

જીત બાદ કોલમૅને કહ્યું, "હું વિનમ્ર છું, હું અહીં માત્ર ખિતાબ જીતવા માટે આવ્યો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો