UNGA 2019 : ઇમરાન ખાનનું ભાષણ જૂઠું, ભડકાવનારું અને નફરતથી ભરેલું - ભારતનો જવાબ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ઇમરાન ખાને કાશ્મીર મામલે ભારત પર અનેક આરોપો મૂક્યા હતા જેને ભારતે નકારી કાઢ્યા છે.

ભારતે ઇમરાન ખાનના ભાષણની સામે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભારત તરફથી વિદેશ મંત્રાલયનાં સચિવ વિદિશા મૈત્રાએ ઇમરાન ખાનના આરોપોનો જવાબ આપ્યો હતો.

ઇમરાન ખાને ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 50 મિનિટનું ભાષણ કરી ઇસ્લામફોબિયા, કાશ્મીર અને લઘુમતીઓની સ્થિતિ સહિત અનેક મુદ્દે વાત કરી હતી.

ઇમરાન ખાને મૂકેલા આરોપોનો સંયુક્ત રાષ્ટ્રમાં જવાબ આપતાં વિદેશ મંત્રાલયનાં સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઇમરાન ખાનનું ભાષણ ભડકાવનારું હતું અને એમની દરેક વાત ખોટી હતી.

એમણે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ બદતર છે અને તેમના પર જુલમ થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 1947ની તુલનામાં આજે ત્રણ ટકા જ લઘુમતી રહ્યા છે અને માનવાધિકારની વાત કરનાર પાકિસ્તાને પ્રથમ પોતાના દેશમાં લઘુમતીઓની હાલત જોવી જોઈએ.

એમણે કહ્યું કે પાકિસ્તાન ઉગ્રવાદીઓને પેન્શન આપે છે. પાકિસ્તાને ખુલ્લેઆમ લાદેનનો બચાવ કર્યો હતો. માનવ અધિકાર પર એમની સલાહ ન માનવી જોઈએ.

વિદિશા મૈત્રાએ ઉગ્રવાદને મામલે પાકિસ્તાન પ્રેરિત ઉગ્રવાદનો મુદ્દો ઉપસ્થિત કર્યો અને કહ્યું કે શું ઇમરાન ખાન પાકિસ્તાનની ભૂમિ પર પોષાઈ રહેલા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 130 ઉગ્રવાદીઓને નકારી શકશે?

એમણે કહ્યું કે દુનિયાએ પાકિસ્તાનમાં જઈને હાલત જોવી જોઈએ. અમે વિકાસ પર ભાર આપીએ છીએ. પાકિસ્તાને 1971નો નરસંહાર ન ભૂલવો જોઈએ.

વિદિશા મૈત્રાએ ઇમરાન ખાનના ભાષણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યું કે ઉગ્રવાદનું કારખાનું ચલાવનાર પાસેથી સલાહ નથી જોઈતી.

સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં છે તેવા 155 ઉગ્રવાદી પાકિસ્તાનમાં હયાત છે અને પાકિસ્તાન માનવ અધિકારનું ચૅમ્પિયન બનવાની કોશિશ કરે છે એવું પણ તેમણે કહ્યું.

એમણે ઇમરાન ખાનને ક્રિકેટની યાદ અપાવતા કહ્યું કે જે ક્યારેક ક્રિકેટર હતા અને જેન્ટલમેનની રમત પર ભરોસો રાખતા હતા તેમનું આજનું ભાષણ અસભ્યતાની ચરમસીમા પર પહોંચી ગયું છે કે તેઓ એકદમ દારા આદમ ખેલની બંદૂકોની યાદ અપાવે છે.

ઇમરાન ખાને શું કહ્યું હતું?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના ભાષણમાં કાશ્મીરને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કાશ્મીરમાં કર્ફ્યુ હઠશે ત્યારે ખૂનરેજી થશે.

ઇમરાને આરએસએસ પર પણ નિશાન તાકતાં કહ્યું કે સંઘ ઍડોલ્ફ હિટલરથી પ્રભાવિત છે અને વંશીય હિંસામાં માને છે.

તેમના મતે સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો પણ ભારત તરફથી તેમને કોઈ સકારાત્મક જવાબ નહોતો મળ્યો.

પોતાના ભાષણને ચાર મુદ્દામાં વહેંચતા ઇમરાન ખાને ઇસ્લામફોબિયા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને કાશ્મીરને વણી લીધા.

તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી યોજાવાની હતી એટલે તેઓ મોદી સરકારના વલણને સમજી શકે એમ હતા પણ સત્તામાં ફરીથી આવતાની સાથે જ મોદી સરકારે શાંતિપ્રયાસોને નકારી દીધા.

ઇમરાન ખાને કહ્યું કે જ્યારે ભારતે પાંચ ઑગસ્ટે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાખ્યો અને 80 લાખ લોકો પર ખાસ પ્રકારના પ્રતિબંધ લાદી દીધા ત્યારે તેમને સમજમાં આવ્યું કે આ પાછળ મોદી સરકારનો ખાસ ઍજન્ડા છે.

તેમણે કાશ્મીરમાંથી કર્ફ્યુ હઠાવવાની અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની વાત કરી.

ઇમરાને એવું પણ કહ્યું કે ભારતે શિમલા કરાર અને પોતાના જ બંધારણ વિરુદ્ધ આ પગલું ભર્યું છે.

તેમણે એવું પણ કહ્યું કે આતંકવાદને કોઈ ધર્મ નથી અને કોઈ પણ ધર્મને આતંકવાદ સાથે જોડવો ન જોઈએ.

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘની વાત કરતા તેમણે કહ્યું કે સંઘ ઍડોલ્ફ હિટલરથી પ્રેરિત છે અને વંશીય શુદ્ધતામાં માને છે.

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે ભારત મોટું બજાર છે એટલે દુનિયા ચૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો