You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદેથી બૉલ્ટનની હકાલપટ્ટી કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટનને છૂટા કરી દીધા છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં આ પદ પરથી ત્રીજી વાર કોઈ વ્યક્તિને દૂર કરાઈ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું કે તેમને બૉલ્ટનને જણાવ્યું હતું કે હવે તમારી સેવાઓની જરૂર નથી. તેમણે કહ્યું કે બૉલ્ટનના ઘણા નિર્ણયોથી તેઓ નારાજ હતા.
ટ્રમ્પે ટ્વીટ કર્યું કે ''મેં જૉનનું રાજીનામું માગ્યું અને તેઓએ મને સોંપી દીધું છે.''
જોકે બૉલ્ટને દાવો કર્યો હતો કે તેઓને હઠાવ્યા નથી, પરંતુ તેઓએ જાતે રાજીનામું આપ્યું છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશમે પત્રકારોને કહ્યું કે રાષ્ટ્રપતિને તેમની નીતિઓ પસંદ નહોતી, તેમની વચ્ચે મતભેદ હતો.
ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા કરતાં વધુ સમયથી વરસાદ પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ નોંધાયો છે.
હવામાનવિભાગે આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા છે.
એવી જ રીતે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત કચ્છમાં પણ વરસાદની શક્યતા હવામાનવિભાગે વ્યક્ત કરી છે.
તો 40-50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએનસીઆર)ની જિનિવામાં થયેલી બેઠકમાં ભારત પર ગંભીર આરોપ મૂક્યા.
તેમણે કહ્યું કે દશકોથી ભારતીય દમનનો શિકાર થયેલા અંદાજે 80 લાખ કાશ્મીરીઓ ભારતીય સેનાના ગેરકાયદે કબજાને કારણે છેલ્લાં છ અઠવાડિયાથી કેદ છે.
કુરૈશીના કહેવા અનુસાર કાશ્મીર ખીણવિસ્તારમાં થોડા જ દિવસોમાં ભારતીય સેનાની સંખ્યા સાત લાખથી વધારીને અંદાજે 10 લાખ કરી દેવાઈ છે.
ભારત પાકિસ્તાનના આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીને જવાબ દેતાં ભારતીય વિદેશ મંત્રાલયનાં સચિવ (પૂર્વ) વિજયઠાકુર સિંહે કહ્યું કે ભારતે સંસદમાં ચર્ચા કર્યા બાદ કાશ્મીરને લઈને નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું, ''અનુચ્છેદ 370ને ખતમ કરવાનો નિર્ણય અમારી સંસદના માધ્યમથી લેવાયો છે. જે સ્વતંત્ર દેશ માટે લેવાયેલો નિર્ણય છે, જે સંપૂર્ણ રીતે ભારતની આંતરિક બાબત છે.''
તેમણે પાકિસ્તાનને વૈશ્વિક આંતકવાદનું કેન્દ્ર ગણાવ્યું અને કહ્યું કે પાકિસ્તાને જેટલા આરોપ લગાવ્યા એ પાયાવિહોણા અને જૂઠા છે.
એપલનો નવો આઇફોન 11 લૉન્ચ
એપલે પોતાના એક કાર્યક્રમમાં આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન પ્રો મેક્સ લૉન્ચ કર્યા હતા.
એપલના સીઈઓ ટીમ કૂકે નવા આઇપેડનું પ્રદર્શન પણ કર્યું હતું.
કેલિફોર્નિયામાં આવેલી કંપનીના મુખ્યાલયમાં એપલે એક કાર્યક્રમમાં આ ફોન લૉન્ચ કર્યા હતા.
એ-13 પ્રોસેસરવાળો આઇફોન 11 ડ્યુઅલ કૅમેરાથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ પ્રોસેસર અત્યાર સુધીનું સૌથી તેજ છે.
કંપનીએ આ ફોનની કિંમત 699 ડૉલર રાખી છે.
કંપનીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ ફોન લૉન્ચ કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો