You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : તબરેઝને કોણે માર્યા? પોલીસે હઠાવ્યો હત્યાનો આરોપ
ઝારખંડ પોલીસે તબરેઝ અંસારી લિન્ચિંગના મામલે દાખલ કરેલી ચાર્જશીટમાંથી હત્યાનો આરોપ હઠાવી દીધો છે.
આ રિપોર્ટ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના પ્રથમ પાને છાપવામાં આવ્યો છે.
હત્યાનો આરોપ હઠાવવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે પોસ્ટમૉર્ટમના રિપોર્ટ અનુસાર તબરેઝનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
22 વર્ષના મુસ્લિમ યુવક તબરેઝ અંસારીની 18 જૂને ઝારખંડમાં ટોળાએ હત્યા કરી નાખી હતી.
ચોરીના આરોપમાં એક થાંભલા સાથે બાંધીને તેમને કલાકો સુધી માર મારવામાં આવ્યો હતો. જે બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં લોકો 'જય શ્રીરામ' અને 'જય હનુમાન'ના સૂત્રો પોકારતા જોઈ શકાતા હતા.
કાશ્મીરમાં વિદ્યાર્થીઓને પેન-ડ્રાઇવમાં વાંચનસામગ્રી અપાશે
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ હજુ પણ જનજીવન સહજ થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાશ્મીરની શાળાઓએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે એ માટે એક નિર્ણય લીધો છે.
શાળાઓએ બાળકોને સ્ટડી મટીરિયલ અને વીડિયો આપવાનો નિર્ણય કર્યો છે, જેથી તેઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે.
શાળાઓ સ્થાનિક છાપાંઓમાં જાહેરાતો આપી રહી છે અને વિદ્યાર્થીઓનાં માતાપિતાને કહે છે કે તેઓ શાળાએ આવીને તેમનાં બાળકો માટે વાંચનસામગ્રી, વર્કશીટ, વીડિયો સામગ્રી લઈ જાય.
માતાપિતાઓને ચોક્કસ સમય અને તારીખે પેન-ડ્રાઇવ સાથે શાળાએ આપવાની સલાહ અપાઈ રહી છે.
અગાઉ ખીણ વિસ્તારમાં પ્રાથમિક, મધ્યમ અને હાઇસ્કૂલોને શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
તેમ છતાં માતાપિતા તેમનાં બાળકોને શાળાએ મોકલતાં નથી.
હાલની સ્થિતિ જોતાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધ દૂર કરે એવા કોઈ સંકેત પણ મળતા નથી.
ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી
હવામાનવિભાગના આંકડા પ્રમાણે વલસાડમાં 89 મિલીમિટર, સુરતમાં 27 મિલીમિટર, પોરબંદરમાં 19 મિલીમિટર, સુરેન્દ્રનગરમાં 32 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
એવી જ રીતે ભાવનગર, દ્વારકા, અમદાવાદ, રાજકોટ, મહુવા, ભુજમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તારીખ 10ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાનવિભાગે વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાત સહિત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાન સાથેની વાર્તા 'મરી' ગઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં 18 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના ઈરાદાથી તાલિબાન સાથે જે વાતચીત થઈ રહી એ હવે 'મરી' ગઈ છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઇસમાં પત્રકારોને કહ્યું કે "જ્યાં સુધી મારી વાત છે, તો (મારા માટે) એ વાતચીત મરી ગઈ છે."
અમેરિકાના રાષ્ટ્રપતિની રવિવારે કૅમ્પ ડેવિડમાં તાલિબાનના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાવાની હતી, પરંતુ એક દિવસ અગાઉ ટ્રમ્પે બેઠકને રદ કરી દીધી હતી.
ટ્રમ્પે પત્રકારોનું કહ્યું કે "અમારી મુલાકાત નક્કી હતી. આ મારો નિર્ણય હતો અને તેને રદ કરવાનો નિર્ણય પણ મારો છે. મેં કોઈ સાથે આ અંગે વાતચીત કરી નથી."
રાષ્ટ્રપતિએ આ બેઠક રદ કરવા પાછળ કાબુલમાં થયેલા બૉમ્બવિસ્ફોટને કારણભૂત ગણાવ્યા છે, જેમાં અમેરિકન સૈનિક સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
શ્રીલંકાના 10 ક્રિકેટરોનો પાકિસ્તાનમાં જવાનો ઇન્કાર
શ્રીલંકાની ક્રિકેટ ટીમના દસ ખેલાડીઓએ સુરક્ષાના કારણસર પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઇન્કાર કરી દીધો છે.
ઇન્કાર કરવામાં શ્રીલંકન ટી-20 ટીમના કૅપ્ટન લસિથ મલિંગા અને વન-ડે ક્રિકેટ ટીમના કૅપ્ટન ડિમુથ કરુણારત્ને પણ સામેલ છે.
માર્ચ 2009માં લાહોરમાં એક ટેસ્ટ મૅચ દરમિયાન શ્રીલંકન ટીમની બસ પર થયેલા ચરમપંથી હુમલા બાદ ઘણા દેશોની ટીમોએ પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કરી દીધો છે.
શ્રીલંકાના બોર્ડે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા મામલે પાકિસ્તાનના પ્રવાસે જવું કે ન જવું એનો નિર્ણય ખેલાડીઓ પર છોડવામાં આવ્યો હતો.
બોર્ડે જણાવ્યું કે બાદમાં 10 ખેલાડીઓને નહીં જવાનો નિર્ણય લીધો છે.
27 સપ્ટેમ્બરથી થનાર પ્રવાસમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મૅચ રમવાની હતી.
સરદાર સરોવર ડૅમની જળસપાટી 136 મિટરને પાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેવડિયા કૉલોની ખાતેના સરદાર સરોવર ડૅમની જળસપાટીમાં વધારો થયો છે.
હાલમાં ડૅમની જળસપાટી 136 મિટરને પાર કરી ગઈ છે. જળસપાટીમાં વધારો થતાં આસપાસનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.
2017 પછીની આ સૌથી વધુ 136.21 મિટર જળસપાટી છે. ભારે વરસાદને કારણે 2017માં ડૅમની જળસપાટી 138 મિટરે પહોંચી હતી.
હાલમાં ડૅમના 30માંથી કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા નદીના કાંઠે આવેલાં ગામો ઉપરાંત વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ ચેતવણી આપવામાં આવી છે.
નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ. કે. પટલે એક પરિપત્ર બહાર પાડીને જિલ્લા અધિકારીઓને ઍલર્ટ રહેવા સૂચના આપી છે અને જળસ્તર વધતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ તકેદારીનાં પગલાં લેવાં જણાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો