Top News : સુરતમાં ગણપતિ સ્થાપનમાં બીયર પાર્ટી, 8ની ધરપકડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં ગણપતિના પંડાલમાં હાથમાં બીયરની બૉટલ લઈને નાચતાં લોકોનો એક વીડિયો વાયરલ થયો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં સુરત પોલીસે તપસ હાથ ધરી હતી. તેમજ આઠ લોકોની ધરપકડ કરી હતી.

આ વીડિયો સુરતના કોટ વિસ્તારમાં ગણપતિ સ્થાપન વખતે રવિવારે રાત્રે શૂટ થયો હોવાનું મનાય છે. જેમાં મંડપમાં લોકો હાથમાં બીયરની બૉટલ લઈને નાચતા દેખાય છે.

આ જ મુદ્દે એએનઆઈ સમાચાર સંસ્થા જણાવે છે કે ગણેશચતુર્થીની ઉજવણીમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવા બદલ અને દારૂ પીવા બદલ સુરત પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે.

સુરત શહેર પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પોલીસ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી.

ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં.

તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં ટેલિફોન અને મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.

આ આગેવાનોએ જણાવ્યું કે તેમની ગૃહ મંત્રી સાથેની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી. તેમણે સુરક્ષા, વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ કાશ્મીરને એવો પ્રદેશ બનાવવા માગે છે જ્યાં એક પણ વ્યક્તિને સુરક્ષાની જરૂર પડે નહીં.

સોમનાથને આદર્શ સ્વચ્છ સ્થળનો ઍવૉર્ડ

સોમનાથ મંદિર અને શહેરને આદર્શ સ્વચ્છ સ્થળ માટેનો ઍવૉર્ડ એનાયત થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચાલતાં આ સ્થળને કેન્દ્ર સરકાર તરફથી સૌથી સ્વચ્છ યાત્રાધામ તરીકે આ સન્માન મળવાનું છે. 6 સપ્ટેમ્બરના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ ઍવૉર્ડ એનાયત થશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ યાત્રાધામો પર સ્વચ્છતા જાળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ યાત્રાધામનાં નામની જાહેરાત થતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બોર્ડને અભિનંદન પણ આપ્યા હતા.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે આ સંતોષની બાબત છે. અમે કેન્દ્ર સરકારના આભારી છીએ અને આ મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા બદલ રાજ્ય સરકારના પણ આભારી છીએ.

યૂએસ-મેક્સિકો સરહદે દીવાલ માટે 3.6બિલિયન ડૉલર ફંડની મંજૂરી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મુદ્દે બાખડી રહ્યા છે તે મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માટે 3.6 બિલિયન ડૉલરની ફાળવણી કરવામાં આવી છે.

યૂએસના ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરે આ મિલિટરી પ્રોજેક્ટની વાતને ટેકો આપતા કહ્યું હતું કે મિલિટરી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની રકમમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે કહેલી 175 માઇલ લાંબી દીવાલ માટે 3.6 બિલિયન ડૉલરની રકમ ખર્ચવામાં આવશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ પૅન્ટાગોનના કોમ્પટ્રોલર એલેન મેકસ્કરે કહ્યું હતું કે 11 સરહદી પ્રોજેક્ટ માટે આ રકમનો ઉપયોગ થશે.

ટ્રમ્પે મિલિટરી કન્સ્ટ્રક્શન અને અન્ય ફૅડરલ ફંડનો ઉપયોગ કરવા માટે રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો