Top News : ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીનું એકાઉન્ટ હૅક થયું

પ્રકાશિત

ટ્વિટરના કૉ-ફાઉન્ડર અને સીઈઓ જૅક ડોર્સીનું એકાઉન્ટ હૅક થયું છે. જૅકના એકાઉન્ડ સાથે છેડછાડ કરવા પાછળ ચકલિંગ સ્ક્વૉડ નામનું ગ્રૂપ જવાબદાર હોવાનું કહેવાય છે.

આ એકાઉન્ટના 40 લાખ જેટલા ફૉલોઅર્સ છે અને 15 મિનિટ દરમિયાન આ એકાઉન્ટ પરથી અનેક વાંધાજનક અને વંશીય ટિપ્પણી કરતાં ટ્વીટ્સ કરવામાં આવ્યા.

ત્યારબાદ તેમનું એકાઉન્ટ પુનઃસુરક્ષિત થઈ ગયું હોવાની જાહેરાત કરાઈ હતી.

એક પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીના હેડ ક્વાર્ટર્સમાં બૉમ્બ છે.

ગુજરાતમાં કૉંગો ફીવરના 30 શંકાસ્પદ કેસ નોંધાયા

'ડીએનએ'ના અહેવાલ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કૉંગો ફીવર(CCHF)ના 30 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગને ટાંકીને અહેવાલમાં લખ્યું છે કે 30 પૈકી 11 શંકાસ્પદ કેસ મોરબીના છે, જેમના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધી 6 પૉઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી ત્રણનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગે મલેરિયા તથા ચિકનગુનિયાના કેસોના આંકડા જાહેર કર્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં મલેરિયાના કુલ 7,630 કેસ નોંધાયા છે.

જ્યારે ડેન્ગ્યુના 1,234 અને ચિકનગુનિયાના 203 કેસ નોંધાયા છે.

પાકિસ્તાનમાં 'કાશ્મીર અવર' મનાવાયો

કલમ 370 નાબૂદી અને જમ્મુ-કાશ્મીરના વિભાજન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે.

ગઈકાલે પાકિસ્તાનમાં મનાવાયેલા કાશ્મીર કલાકમાં ઇમરાન ખાને કહ્યું કે ''હું નરેન્દ્ર મોદીને સ્પષ્ટ કહી દેવા માગું છું કે જો ભારત આઝાદ કાશ્મીર (પાકિસ્તાન મુજબ. તકનીકી નામ - પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર)માં કોઈ કાર્યવાહી કરશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું.''

એમણે દુનિયાના દેશોનું ધ્યાન દોરતા આગળ કહ્યું કે ''તમે કાશ્મીરમાં કંઈ કરશો તો અમારી ફોજ તૈયાર છે પરંતુ જ્યારે બે પરમાણુ હથિયાર ધરાવનારા દેશો યુદ્ધ કરે છે તો એનું નુકસાન ફક્ત એ બેઉને જ નહીં પરંતુ આખી દુનિયાને ભોગવવું પડશે.''

ગુજરાતમાં કૉંગ્રેસના ધારાસભ્ય પર હુમલો

ઠાસરા વિધાનસભા ક્ષેત્રથી કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર અને તેમના વકીલ ઉપર હુમલાની ઘટના બની છે. આ ઘટના ખેડા જિલ્લાના નડિયાદમાં અદાલતની બહાર બની છે.

ડેપ્યુટી સુપિરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જી. એસ. સયાનના નિવેદન મુજબ ''કાંતિ પરમાર જમીનના એક સોદાના કેસમાં અહીં આવ્યા હતા અને આ અંગે અદાલતની કાર્યવાહી પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘટના બની છે. આ કેસને લગતી અદાવતનો મામલો હોઈ શકે છે. ''

ધારાસભ્ય કાંતિ પરમારે આ હુમલા પાછળ પૂર્વ કૉર્પોરેટર ભાનુ ભરવાડનો હાથ હોવાનું કહ્યું છે. ભાનુ ભરવાડ આ જમીન કેસમાં સામાપક્ષે છે.

સયાનનું કહેવું છે કે ''ધારાસભ્યના નિવેદનને આધારે આ અંગે ફરિયાદ નોંધી આગળ તપાસ કરવામાં આવશે.''

સુરતના પાંડેસરામાં કાપડની મિલમાં આગ

સુરત શહેરમાં પાંડેસરા GIDC નજીક એક કાપડની મિલમાં આગની ઘટના બની છે.

આ આગને કાબૂમાં લેવાનો 18 જેટલા ફાયર ફાઇટર પ્રયત્ન કરી રહ્યા છે.

બીબીસી સહયોગી ધર્મેશભાઈ અમીને આપેલી માહિતી મુજબ આગની ઘટના સવારે મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે 5.15 વાગે આગ બની છે.

આની જાણ થતા 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.

હાલમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો