You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ગુજરાતમાં આજે ક્યાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ?
દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ પડ્યા બાદ હવામાનવિભાગે રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેની વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વધુ અસર થવાની શક્યતા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સુરતના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું કે કિમ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ કાર્યરત થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા છે.
તે ઉપરાંત ભારે વરસાદને પગલે વલસાડમાંથી પસાર થતી ઓરંગા નદી પણ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. મધુબન ડૅમમાં 1.60 લાખ ક્યૂસેક પાણી છોડાતાં દમણગંગા નદીમાં પાણીનો વધારો થયો હતો.
આ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા 11000 લોકોને બચાવવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તો બીજી બાજુ, સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ભાદર, ન્યારી અને શેત્રુંજી ડૅમમાં નવાં નીરની આવક થઈ છે તો કેટલાક ડૅમ ઓવરફ્લૉ થઈ ગયા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 51.49 ટકા વરસાદ નોંધાયો છે.
એલઓસી પર ભારતના દાવાને પાકિસ્તાને ખોટો ઠેરવ્યો
ભારતનો દાવો છે કે તેમણે જમ્મૂ-કાશ્મીરના કેરન વિસ્તારમાં નિયંત્રણ રેખા પર એક મહત્ત્વની ચોકી પર પાકિસ્તાની બૉર્ડર ઍશક્ન ટીમ(બેટ)નો હુમલો નિષ્ફળ કરી દીધો છે.
સમચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર ભારતીય સેનાએ 5-7 ઘૂસણખોરોને મારવાનો દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સમાચાર સંસ્થા એએનઆઈના મતે, પાકિસ્તાની સેનાના 5-7 જવાનો અથવા ઉગ્રવાદીઓના મૃતદેહો નિયંત્રણ રેખા પર પડેલા છે, જેને ભારે વરસાદના કારણે ઉઠાવાયા નથી.
બીજી તરફ પાકિસ્તાને આ દાવાને ખોટો ગણાવ્યો છે.
અમરનાથ ગુફા પાસેના ટૅન્ટમાં અજિત ડોભાલ અને સૈન્યના વડાની મુલાકાત
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ કાશ્મીરમાં આર્ટિકલ 35-એ ખતમ કરવા અને જમ્મૂ, ખીણ તેમજ લદ્દાખને ત્રણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂપાંતરિત કરવા જેવી અટકળો ચાલી રહી છે.
ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ભારતીય સેનાના પ્રમુખની અમરનાથ ગુફાથી નજીક એક ટૅન્ટમાં ગુપ્ત મુલાકાત થઈ હોવાની વાતથી આ અટકળોને વેગ મળ્યો છે.
જોકે, અધિકારીઓનું કહેવું છે કે ડોભાલ અહીં રોકાયા ત્યારે તેમણે કોઈ સુરક્ષા બેઠકમાં ભાગ લીધો નહોતો.
ખબરો મુજબ તેમણે એક ટૅન્ટમાં સૈન્યના વડા બિપિન રાવત સાથે મુલાકાત કરી હતી.
'મોદીનું નામ રાજા રામ મોહન રોય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની યાદીમાં'
એનડીટીવીના અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહનું માનવું છે કે ત્રણ તલાક સંબંધિત બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ઇતિહાસમાં રાજા રામમોહન રોય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની યાદીમાં સામેલ થઈ જશે.
કેટલાંક અખબારોમાં પ્રકાશિત પોતાના લેખમાં તેમણે કહ્યું છે કે, સંસદમાં તીન તલાક સંબંધિત બિલ પસાર થવાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કૉંગ્રેસમાં વિપક્ષને એકજૂથ કરવાની ક્ષમતા બચી નથી. તેમણે એવું પણ કહ્યું, 'રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણ તલાકનો કાયદો અમલમાં આવી ગયો છે અને મુસ્લિમ મહિલાઓને આ કુપ્રથાના ડંખથી સરંક્ષણ મળશે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો