You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના હજારો ડૉક્ટરો શા માટે હડતાળ પર ઊતર્યા છે? આજે મમતા અને તબીબો વચ્ચે બેઠક
'ધ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'(આઈએમએ) રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે, જેમાં બિન-જરૂરી મેડિકલ સેવાઓથી માંડીને આઉટડૉર પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) સુધીના સેવાઓથી આગામી 24 કલાક સુધી વેગળું રહેવાની વાત કરાઈ છે.
કોલકાતાના આરએનએસ મેડિકલ કૉલેજમાં ડૉક્ટરો વિરુદ્ધ થયેલી હિંસાના વિરોધમાં આ હડતાળનું એલાન અપાયું છે. જોકે, ઇમરજન્સી, કૅઝુઅલ્ટી અને આઈસીયુ સેવાઓને હડતાળથી અલગ રખાઈ છે.
આઈએમએ આ મુદ્દે રાષ્ટ્રવ્યાપી કાયદો ઘડવા અને હૉસ્પિટલમાં હિંસા આચરવા બદલ ઓછામાં ઓછી સાત વર્ષની સજાની માગ કરી રહ્યું છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ ઍસોસિયેશન પણ જોડાયું છે.
હડતાળના છ દિવસ બાદ બંગાળના ડૉક્ટરોનું કહેવું છે કે જો બેઠકનું સીધું પ્રસારણ થાય તો 'આ મડાગાંઠ ઉકેલવા' તેઓ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને મળવા તૈયાર છે.
બેનરજીએ આ માગ સ્વીકારી લીધી હતી.
જોકે, તેમણે શરત મૂકી છે કે આ બેઠક મીડિયા કવરેજ હેઠળ યોજવામાં આવે અને તમામ મેડિકલ કૉલેજીસના પ્રતિનિધિઓને તેમાં સામેલ કરવામા આવે.
ઇન્ડિયન એક્સપ્રેસ પોતાના સૂત્રોને ટાંકીને જણાવે છે કે આ બેઠક સોમવારે બપોરે યોજાઈ શકે છે.
એઇમ્સ પણ હડતાળમાં જોડાયું
'ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂશન ઑફ મેડિકલ સાયન્સ' (એઇમ્સ) પણ હવે હડતાળમાં જોડાઈ ગયા છે. આ પહેલાં એઇમ્સ હડતાળમાં જોડાવાનું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, રવિવાર મોડી રાત્રે ટ્રૉમા સેન્ટરમાં ડૉક્ટરો સાથે કથિત ગેરવર્તન કરાતા એઇમ્સે પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત એઇમ્સના ડૉક્ટરો માર્ચ મહિનામાં પણ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
આ દરિયાન રેસિડેન્સિયલ ડૉક્ટર્સ ઍસોસિયેશન જણાવ્યું છે, "અમે ફરી એક વખત પશ્ચિમ બંગાળના તંત્રને હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોની માગોને પૂર્ણ કરવા અપીલ કરી છે."
દિલ્હીના 10 હજાર રેસિડેન્ટ ડૉક્ટર્સ પણ હડતાળમાં જોડાયા
દિલ્હી મેડિકલ ઍસોસિયેશન અને ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે પણ આ હડતાળને તેમનું સમર્થન જાહેર કર્યું છે.
ફેડરેશન જણાવ્યું છે કે 22 હૉસ્પિટલના 10 હજાર રેસિડન્ટ ડૉક્ટર્સ સોમવારે કામથી વેગળા રહેશે.
પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડૉક્ટર્સ 11 જૂનથી હડતાળ પર છે. કોલકાતાની એનઆરએસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ બાદ તેમના સંબંધીઓએ બે ડૉક્ટરો પર હુમલો કર્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
જેને પગલે અહીંના ડૉક્ટર્સ હડતાળ પર ઊતર્યા હતા. કોલકાતાના ડૉક્ટર્સ સાથે એકતા દર્શાવતા દેશભરના ડૉક્ટર્સે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે રાજ્યના ડૉક્ટર્સને કોઈ પણ પ્રકારની હિંસાથી બચાવવા માટે વિશેષ ખરડો પસાર કરવા અંગે વિચાર કરવાની વાત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો