બ્લૅક ફ્રાઇડે: શું છે એ સેલ જેમાં આખું અમેરિકા શૉપિંગ કરવા નીકળી પડે છે?

    • લેેખક, ફર્નાન્ડો દુઆર્ટે
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

શૉપિંગ પાછળ રૂપિયા ખર્ચવા હોય કે ન ખર્ચવા હોય, પરંતુ દુનિયાભરના કરોડો લોકો જાણે છે કે ટૂંક સમયમાં, 29 નવેમ્બરે બ્લૅક ફ્રાઇડે આવી રહ્યો છે.

શૉપ વિન્ડો અને ઈ-મેલ ઇનબૉક્સમાં "અત્યારે જ ખરીદો!", "ચૂકતા નહીં!" અને "ઑફર જલદી સમાપ્ત થાય છે!" એવા મૅસેજની ભરમાર છે.

બ્કૅલ ફ્રાઇડે એવો સમયગાળો છે જ્યારે દુકાનો અને છૂટક વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓના ભાવ થોડા સમય માટે ઘટાડી દે છે, જેથી ખરીદદારો શક્ય એટલા વધારે નાણાં ખર્ચ કરવા તૈયાર થાય. આ એક અમેરિકન પરંપરા હતી, પરંતુ હવે તેણે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે.

પરંતુ બ્લૅક ફ્રાઇડે એ વર્ષમાં શૉપિંગ માટેનો સૌથી વ્યસ્ત ગાળો કઈ રીતે બન્યો અને ગ્રાહકો માટે તે કેમ હંમેશા સારા સમાચાર નથી?

બ્લૅક ફ્રાઇડેની શરૂઆત કઈ રીતે થઈ?

બ્લૅક ફ્રાઇડે દર વર્ષે નવેમ્બરના ચોથા સપ્તાહમાં, થેંક્સગિવીંગના બીજા દિવસે આવે છે. અમેરિકામાં થેંક્સગિવિંગ ડે એ રજાનો દિવસ છે.

આ શબ્દની ઉત્પત્તિને શૉપિંગ સાથે કોઈ લેવાદેવા નથી. બ્લૅક ફ્રાઇડેનો સૌપ્રથમ ઉલ્લેખ 1869ની નાણાકીય કટોકટી વખતે જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં કડાકાના કારણે આ નાણાકીય કટોકટી સર્જાઈ હતી.

20મી સદીના મધ્યમાં તે રજા પછીના દિવસે અમેરિકન કર્મચારીઓની ગેરહાજરીનો સંકેત આપે છે.

ફિલાડેલફિયા લોકો શૉપિંગ કરવા માટે દોડી ગયા તેના કારણે ભારે ભીડ થઈ, ત્યારે પોલીસે આ ધસારાને પણ બ્લૅક ફ્રાઇડે તરીકે ઓળખાવ્યો હતો.

1980ના દાયકામાં રિટેલરો દ્વારા આ શબ્દને વધુ સકારાત્મક બનાવાયો. આ દિવસે તેમનો ધંધો નફાકારક બન્યો. હિસાબની દૃષ્ટિએ જોવામાં આવે તો એ દિવસ જ્યારે તેમનો ધંધો ખોટમાંથી નફા તરફ ગયો.

ત્યાર પછી તો તે અમેરિકામાં આકર્ષક ડીલ માટે ભારે ડિસ્કાઉન્ટ અને ભીડનો પર્યાય બની ગયો. બ્લૅક ફ્રાઇડે લોકપ્રિય બન્યા પછી હવે 'સાયબર મન્ડે' શબ્દ આવ્યો છે. બ્લૅક ફ્રાઇડે પછીના સોમવારે ઑનલાઈન શૉપિંગને પ્રોત્સાહિત કરવા આ શબ્દ વહેતો કરાયો છે.

ત્યારથી બ્લૅક ફ્રાઇડે વિશ્વભરના તમામ દેશો અને ખંડોમાં ફેલાઈ ગયો છે. તેના માટે મોટાભાગે ઇન્ટરનેટ જવાબદાર છે.

બ્લૅક ફ્રાઇડે કેટલો મોટો છે?

અમેરિકન સૉફ્ટવૅર કંપની સેલ્સફોર્સના સંશોધન મુજબ વૈશ્વિક સ્તરે ગ્રાહકોએ 2023માં વેચાણના સમયગાળા દરમિયાન 70.9 અબજ ડૉલરની તો ઑનલાઇન ખરીદી કરી હતી. 2022ની સરખામણીમાં આ 8 ટકાનો વધારો હતો.

યુકેમાં પ્રથમ મોટું બ્લૅક ફ્રાઇડે સેલ હજુ 2010માં જ શરૂ થયું હતું. તેણે યુકેમાં ક્રિસમસની આસપાસ શરૂ થતી સૌથી ઐતિહાસિક પરંપરાગત શૉપિંગ ઇવેન્ટ બૉક્સિંગ ડે સેલ્સને પણ પાછળ રાખી દીધું છે.

કન્સલ્ટન્સી કંપની પીડબલ્યુસીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ગ્રાહકો લગભગ 9 અબજ ડૉલર ખર્ચ કરે તેવી ધારણા છે.

ઑનલાઈન પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર પેયુના અહેવાલ મુજબ આફ્રિકામાં 24 નવેમ્બર 2023ના રોજ, માત્ર એક દિવસમાં થયેલા ટ્રાન્ઝેક્શનની સંખ્યા નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા અને કૅન્યામાં નોંધાતા સામાન્ય વૉલ્યુમ કરતા 83 ટકા વધારે હતી.

પેયુએ એવો અહેવાલ પણ આપ્યો છે કે આર્જેન્ટિનામાં નાણાકીય કટોકટી હોવા છતાં, ગયા વર્ષે બ્લૅક ફ્રાઇડે દરમિયાન ઈ-કોમર્સના સોદામાં 104 ટકાનો વધારો થયો હતો.

જોકે, નવેમ્બરમાં બ્લૅક ફ્રાઇડે એ એકમાત્ર મોટો વૈશ્વિક શૉપિંગ દિવસ નથી.

ફ્રાન્સમાં ગ્રાહકો તેમના વેન્ડ્રેડી ફોઉ (ક્રેઝી ફ્રાઇડે) શૉપિંગ મહોત્સવ માટે તૈયારી કરી રહ્યા છે.

ચીનમાં સિંગલ ડે તરીકે ઓળખાતી પોતાની મુખ્ય શૉપિંગ ઇવેન્ટ છે. આ એક એવો શૉપિંગ મહોત્સવ છે જે કેટલાંય અઠવાડિયા સુધી ચાલે છે અને 11 નવેમ્બરે સમાપ્ત થાય છે.

મૅક્સિકોમાં 20 નવેમ્બરની આસપાસ 'અલ બ્યુએન ફિન ડી' સેમાના આવે છે, સ્પેનિશ ભાષામાં તેનો અર્થ સારો સપ્તાહાંત અથવા વીકઍન્ડ થાય છે. તે દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.

મધ્ય પૂર્વમાં બ્લૅક ફ્રાઇડેને ધાર્મિક કારણોસર વ્હાઇટ ફ્રાઇડે તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ઇસ્લામમાં શુક્રવાર પવિત્ર દિવસ માનવામાં આવે છે.

શું બ્લૅક ફ્રાઇડેમાં ખરેખર શ્રેષ્ઠ ડીલ ઑફર થાય છે?

તેનો જવાબ સરળ નથી.

યુકેમાં ગ્રાહકોના જૂથ વિચ? દ્વારા 2022માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે બ્લૅક ફ્રાઇડે પર સરેરાશ સાત ઑફરમાંથી માત્ર એક ઑફરમાં ખરેખર ડિસ્કાઉન્ટ હોય છે. બ્લૅક ફ્રાઇડે અગાઉના છ મહિનામાં મોટા ભાગની ચીજોના ભાવ વધારે સસ્તા અથવા ઑફરના દિવસ જેટલા જ હતા.

જોકે, એક અગ્રણી ગ્રાહક વેબસાઇટ મની સેવિંગ ઍક્સપર્ટ દ્વારા 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલી 50 પ્રોડક્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું, તેમાં જાણવા મળ્યું કે ક્રિસમસ અગાઉ 19 ડિસેમ્બરની તુલનામાં બ્લૅક ફ્રાઇડેના દિવસે 35 ઉત્પાદનો વધુ સસ્તાં હતાં. આમાંથી મોટા ભાગની ટૅક્નૉલૉજીની પ્રોડક્ટ્સ હતી.

બ્રાઝિલમાં કેટલાક છૂટક વિક્રેતાઓએ આવી ઑફર કરી ત્યારે કેટલાક ગ્રાહકોએ તેને "બ્લૅક ફ્રૉડ" ગણાવીને તેનો સખત વિરોધ કર્યો હતો. તેમાં બ્લૅક ફ્રાઇડે અગાઉના દિવસોમાં ભાવ વધારી દેવાય છે, અને પછી ડિસ્કાઉન્ટ ઑફર કરાય છે.

સસ્તા ભાવે માલ ખરીદવા માંગતા ગ્રાહકોને પણ જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

લોઈડ્સ બૅન્કના વિશ્લેષણ મુજબ બ્લૅક ફ્રાઇડેની આસપાસ છેતરપિંડીમાં ત્રણ ગણો વધારો થાય છે. મોટાભાગની છેતરપિંડી કપડાંની ખરીદીને લગતી હોય છે.

બૅન્કે જણાવ્યું હતું કે યુકેમાં 2021માં બ્લૅક ફ્રાઇડે અને સાયબર મન્ડેની આસપાસ છેતરપિંડીનું પ્રમાણ 29 ટકા વધ્યું હતું.

સ્માર્ટ ખરીદી કેવી રીતે કરવી અને છેતરપિંડીથી કઈ રીતે બચવું?

બ્લૅક ફ્રાઇડે દરમિયાન યુકેમાં લોકો આવેગમાં આવીને ખરીદી કરી લે છે. રિટેલ વિશ્લેષકો મજાકમાં 3 ડિસેમ્બરને "રિટર્ન્સ થર્સડે" તરીકે ઓળખાવે છે, કારણ કે ઇ-કોમર્સ ટ્રેડ બોડી આઈએમઆરજી અનુસાર વર્ષના અન્ય દિવસો કરતાં તે દિવસે વધુ ચીજવસ્તુઓ રિટર્ન કરવામાં આવે છે.

ગ્રાહક અધિકાર સંગઠનો ચેતવણી આપે છે કે ફ્લૅશ સેલના કારણે લોકો માટે પોતાના ખર્ચને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બને છે.

લંડન સ્થિત ચૅરિટી મની ઍન્ડ મેન્ટલ હેલ્થ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તા બ્રાયન સેમ્પલે બીબીસીને જણાવ્યું કે, "ઑનલાઈન તો વધુ મુશ્કેલ છે, જ્યાં રિટેલરો માટે ગ્રાહકો પર દબાણની યુક્તિઓ લાગુ કરવી ઘણી સરળ છે."

લોકોને સામાન્ય સલાહ અપાય છે કે માઉસ પર ક્લિક કરતા પહેલાં અથવા વૉલેટ ખોલતા પહેલાં બે વાર વિચાર કરો.

પરંતુ નિષ્ણાતો કેટલાક મૂળભૂત પગલાંની ભલામણ કરે છે:

  • ગભરાવ નહીં અને ઉતાવળે ખરીદી કરવા દોડી ન જાવ
  • તમારી જાતે સારી ડીલ શોધો, ભાવની સરખામણી કરો
  • અજાણી વેબસાઇટ્સ પરથી ખરીદી કરવાનું ટાળો, વધુ પડતા આકર્ષક ભાવ બનાવટી હોઈ શકે
  • બીજો અભિપ્રાય મેળવો
  • રિટેલર્સ એટલા ભાવે આપી શકશે કે કેમ તે તપાસો
  • રિવ્યૂ શોધતા હોવ તો માત્ર વિશ્વસનીય વેબસાઇટ્સનો ઉપયોગ કરો
  • ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરો, કારણ કે કંઈ ગરબડ થાય તો તે સામાન્ય રીતે વધારાની સુરક્ષા પ્રદાન કરે છે. તમે જે પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતા હોવ તેના દ્વારા જ બધી ચૂકવણી થાય તેની ખાતરી કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.