You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા નિયમિત જામીન
બીબીસીના સહયોગી સુચિત્રા મોહંતીના જણાવ્યા અનુસાર ગોધરા રમખાણો પછી નકલી દસ્તાવેજો બનાવવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા.
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તિસ્તા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાથી અને કસ્ટડીમાં તેમની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ હોવાથી તેમને જામીન આપવા જોઈએ.
કોર્ટે કહ્યું છે કે જામીન દરમિયાન કોઈ પણ સાક્ષીને પ્રભાવિત કરશે નહીં અને જો તેઓ આમ કરશે તો જામીન રદ કરવા માટે ફરિયાદ પક્ષ સીધા અમારી પાસે આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે આજે તેમના આદેશમાં ગુજરાત હાઈકોર્ટનો એ આદેશ પણ રદ કર્યો હતો, જેમણે તેમના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેમને તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ આદેશ આપ્યો હતો.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન વધારી દીધા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સમાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના જામીન 19 જુલાઈ સુધી વધારી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને તિસ્તાની અરજી સંદર્ભે જવાબ પણ માગ્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા બાદ તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલાં સુપ્રીમ કોર્ટમાંથી એક અઠવાડિયાની વચગાળાની રાહત મળી હતી, જે અગાઉ ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવતા તત્કાલ આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
મહત્ત્વપૂર્ણ છે કે અગાઉ શનિવારે ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને તત્કાલ 'આત્મસમર્પણ' કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ સામે 2002નાં ગુજરાત રમખાણોમાં ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો કેસ ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બી.આર. ગવાઈની આગેવાની વાળી બે જજોની બેન્ચે જામીનની મુદ્દત વધારવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલાં વર્ષ 2002ના ગુજરાત રમખાણોના કેસમાં ગુજરાત સરકારે મુંબઈસ્થિત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ પિટિશનનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકારનું કહેવું છે કે તેની પાસે તિસ્તા વિરૂદ્ધ રમખાણો મુદ્દે કથિત બનાવટી પુરાવા ઊભા કરવા મુદ્દે "પ્રથમદર્શીય કરતાં વધુ પુરાવા છે."
સેશન્સ કોર્ટમાં ગુજરાત સરકારે આ જવાબ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે સેતલવાડે મે મહિનામાં અમદાવાદની સેશન્સ કોર્ટમાં તેમના વિરુદ્ધની કાર્યવાહી બંધ કરવાની માગ કરતી અરજી કરી હતી. આ અગાઉ સેશન્સ કોર્ટે સંબંધિત કેસમાં જ સેતલવાડના સહઆરોપી અને પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારની આવી જ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. સેતલવાડ પર રમખાણ 'પીડિતોનો વિશ્વાસ જીતીને અથવા તેમના વિશ્વાસનો દુરુપયોગ કરવા' અંગ્રેજીમાં બનાવટી સોગંદનામા તૈયાર કરવાનો આરોપ છે, જે ભાષા પીડિતો સમજતા નહોતા.
એક સપ્તાહ માટે વચગાળાની રાહત
અગાઉ ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા બાદ તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી એક અઠવાડિયાની વચગાળાની રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવતા તત્કાલ આત્મસમર્પણ કરવા કહ્યું હતું. જે બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યું કે રજા હોવા છતાં શનિવાર રાત્રે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચ સામે સુનાવણી યોજાઈ હતી અને તિસ્તાને એક અઠવાડિયા માટે રાહત આપવામાં આવી હતી.
ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે "અમને કહેતાં દુ:ખ થાય છે કે માત્ર અઠવાડિયા માટે પણ વચગાળાના જામીન ન આપવામાં સિંગલ જજ ખોટા હતા."
સૉલિસિટર જનરલે કહ્યું હતું, "આ કોઈ સામાન્ય કેસ નથી. કેટલાક લોકો સંસ્થાનોનો આનંદ માટે ઉપયોગ કરે છે. દેશ અને રાજ્યે દાયકા સુધી દેશ બદનામી વહોરી. તેમણે જીનેવામાં રજૂઆત કરી હતી."
જોકે, સુપ્રીમ કોર્ટે સૉલિસિટર જનરલને કહ્યું હતું, "તેમનું કાર્ય નિંદ્ય હોઈ શકે પણ કોઈ શું વ્યક્તિની સ્વતંત્રતા એક દિવસ માટે પણ છિનવવી જોઈએ?" સુપ્રીમ કોર્ટે એવું પણ પૂછ્યું, "વચગાળાના જામીન આપવાથી શું આભ તૂટી પડશે? હાઈકોર્ટે જે કર્યું એનાથી અમને નવાઈ લાગી. આટલી ભયાનક ઉતાવળ કઈ વાતની હતી?"
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ સામે આ અરજી રજૂ કરવામાં આવી હતી. આ બૅન્કમાં જસ્ટિસ ગવઈ સાથે જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તા પણ સામેલ હતા.
સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલે વિનંતી કરી હતી કે કોર્ટ આદેશ પર સ્ટે લગાવવાની જગ્યાએ તિસ્તાને આત્મસમર્પણ કરવા માટે થોડો વધુ સમય આપી શકે. જોકે, જસ્ટિસ ગવઈએ કહ્યું કે કોર્ટ તિસ્તાને વચગાળાના જામીન આપી રહી છે અને સાથે જ હાઈકોર્ટના આદેશ પર સ્ટે પણ લગાવી રહી છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે તિસ્તાની અરજી પર સુનાવણી કરી હતી. જસ્ટિસ એ. એસ. ઓકાની અધ્યક્ષતાવાળી બે જજોની બેન્ચ સામે આ મામલો આવ્યો હતો. જસ્ટિસ ઓકા અને બેન્ચના અન્ય જજ પી. કે. મિશ્રાએ તિસ્તા સેતલવાડને જામીન આપવા અંગે અલગઅલગ મત રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન બન્ને જજો એકમત નહોતા અને આ મામલો મોટી બેન્ચને રૅફર કરવામાં આવ્યો હતો. એ બાદ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે અગાઉ શનિવારે ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને તત્કાલ 'આત્મસમર્પણ' કરવાનો આદેશ આપ્યો હતો. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ સામે 2002નાં ગુજરાત રમખાણોમાં ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો કેસ ચાલી રહ્યો છે.
આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં આપેલા વચગાળાના જામીનને લીધે સેતલવાડ ધરપકડને ટાળી શક્યાં હતાં. શનિવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિર્ઝર દેસાઈના નિર્ણય બાદ વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે કોર્ટના નિર્ણયના અમલ પર 30 દિવસની મુદ્દત સુધી રોક લગાવવા વિનંતી કરી હતી. જોકે, આ વિનંતી સ્વીકારાઈ નહોતી.
બચાવ પક્ષના વકીલ સોમનાથ વત્સે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "કોર્ટમાં ઘણી દલીલો થઈ અને અમે કોર્ટને જણાવ્યું કે તિસ્તા સેતલવાડ સામે કોઈ ગુનો બનતો જ નથી. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા એ બાદ તપાસ અધિકારીઓએ એમને કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે બોલાવ્યાં નહોતા." જોકે, તેમણે લેખિત આદેશ આવે એ બાદ આ મામલે વધુ ટિપ્પણી કરવાનું જણાવ્યું હતું.
બીજી તરફ સરકારી વકીલ મીતેશ અમીને રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું હતું હતું, "અમારી રજૂઆતમાં જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડે વર્ષ 2002થી 2022 સુધી સરકાર વિરુદ્ધ સતત આરોપો કરીને એને બદનામ કરવાના પ્રયાસ કર્યા હતા. આ માટે તેમને રાજકીય ફાયદો પણ મેળવ્યો છે. રમખાણોમાં સરકારની ભૂમિકાને તેમણે સનસનાટીપૂર્ણ રજૂ કરી હતી. તેમણે જાતે પૈસા લીધા હોય એવા પુરાવા પણ અમે કોર્ટમાં રજૂ કર્યા હતા."
પંચમહાલના પંડરવાડાની કબરો ખોદવાની ઘટનાને ટાંકીને અમીને કોર્ટમાં દલીલો કરી હોવાનું પણ જણાવ્યું. તેમણે જણાવ્યું, "અમે કોર્ટને કહ્યું કે સેતલવાડે અગાઉ પુરાવાઓ સાથે ચેડા કર્યા હોય એવા બનાવો બનેલા છે, જેમાં પંડરવાડાની કબરો ખોદતી વખતે તેમણે કોઈ પણ પ્રકારની પરવાનગી નહોતી લીધી અને દલીલ કરી હતી કે એમના જામીન રદ થવા જોઈએ"
નોંધનીય છે કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે 25 જુન, 2022માં મુંબઈથી અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. તિસ્તા સહિત રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પણ ગુજરાત પોલીસ દ્વારા 'નિર્દોષોને ફાંસીની સજા થાય તેવા કેસમાં ફસાવવાના' આરોપસર ફરિયાદ દાખલ કરાઈ હતી.
તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ બાદ અમદાવાદ શહેર મૅટ્રોપોલિટન કોર્ટ નંબર 11માં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં કેસની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે તિસ્તા સેતલવાડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેમને 2 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં હતાં.
નોંધનીય છે કે ગત વર્ષે 24 જૂને ગુજરાત રમખાણ મામલે SITના રિપોર્ટ વિરુદ્ધની ઝકિયા જાફરીની અરજી નકારી સુપ્રીમ કોર્ટે એવાં અવલોકન કર્યાં હતાં કે આ કેસ 'અન્ય દ્વારા પ્રેરિત' હતો. તેમજ તેમાં ભૂમિકા ભજવનાર તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જે બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ જેમ કે અમિત શાહ અને રવિશંકર પ્રસાદે પણ સંબંધિત મામલે ટીકા કરી હતી અને આ કેસમાં તિસ્તાનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું. જેના અમુક કલાકોમાં જ ગુજરાત પોલીસે આ કાર્વયાહી કરી હતી.
ઝાકિયા જાફરીની અરજીમાં એસઆઈટી રિપોર્ટને પડકારાયો હતો અને ગુજરાત રમખાણોમાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકો દ્વારા કથિતપણે ષડ્યંત્ર કરાયાની વાત કરાઈ હતી.
ગુજરાત રમખાણમાં આરોપ લાગ્યા હતા કે હિંસા પૂર્વાયોજિત હતી અને હિંસા કરનાર ભીડને કથિત આધિકારિક છૂટ મળી હતી. આંકડા પ્રમાણે, ગુજરાત રમખાણોમાં એક હજાર કરતાં લોકો મૃત્યુ પામ્યાં હતાં જેમાં મોટા ભાગના મુસ્લિમો હતા. આ પહેલાં ગોધરા ટ્રેનમાં આગ લાગવાના કારણે 60 હિંદુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી નરસંહારમાં એહસાન જાફરી સહિત 69 લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં. અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 63 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી જેના આધારે સુપ્રીમ કોર્ટે એસઆઈટી નીમી હતી. એસઆઈટીએ પોતાનો રિપોર્ટ 2012માં આપ્યો હતો. નોંધનીય છે કે તિસ્તા સેતલવાડ વર્ષોથી ઝકિયા જાફરી સાથે આ કેસ મામલે ઊભાં હતાં. તેઓ ઉપરોક્ત અરજીમાં કોપિટિશનર પણ હતાં.