ગુજરાતના પાડોશી રાજ્યની એ જગ્યા જ્યાં લોકો ધૂળમાંથી હીરા શોધવા જાય છે

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

સ્વામીદીન પાલના ઘરે આનંદનું વાતાવરણ છે. તેમની અને તેમના પુત્રની વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે.

મધ્ય પ્રદેશના પન્નાના નારંગી બાગ વિસ્તારમાં રહેતા આ પરિવારને તાજેતરમાં જ 32 કૅરેટનો 80 સેન્ટનો હીરો મળ્યો છે.

પાલ પરિવારને આ હીરાથી દોઢેક કરોડ રૂપિયા મળવાની આશા છે.

હવે દિવાળી આસપાસ તે હીરાનું સરકારી પદ્ધતિથી લિલામ થશે. તેમાં જેટલા પૈસા મળશે, તેમાંથી અમુક ચોક્કસ સરકારી રકમ કાપીને બાકીના પૈસા સ્વામીદીનના ખાતામાં જમા કરવામાં આવશે.

જોકે, આટલો કિંમતી હીરો મળ્યો હોવા છતાં પાલ પરિવાર આરામ કરવાના કે થાકવાના મૂડમાં નથી.

બીબીસી સાથે વાત કરતાં સ્વામીદીન પાલે કહ્યું હતું, “અમે લાંબા સમયથી મજૂરી કરતા રહ્યા છીએ. મજૂરી કરીને અમારું નાનકડું ઘર બનાવ્યું. પછી આયુષ્યના આ તબક્કામાં દીકરા સાથે મળીને હીરા શોધવા માટે ખાણ લીધી. ચારથી પાંચ વર્ષ થયાં, પણ કશું મળ્યું નહીં. હવે અમારી મનોકામના પૂર્ણ થઈ છે. હવે પરિસ્થિતિ બહેતર થવાની આશા છે.”

સ્વામીદીનના પુત્ર જમુના પાલે જણાવ્યું હતું કે જે દિવસે તેમને હીરો મળ્યો એ રાતે તેઓ ઊંઘી શક્યા ન હતા. તેમને સતત નાચવાની ઈચ્છા થતી હતી.

તેમણે કહ્યું હતું, “હવે તો ખાણમાં જ કામ કરીશ. હીરો મળ્યો એટલે મજૂરી નહીં કરું. મારી પાસે ખાવા માટે કશું હોય કે ન હોય તો પણ હું હીરાની ખાણમાં જ કામ કરીશ.”

સ્વામીદીન જેવા હજારો લોકો હીરા શોધવાનું કામ કરી રહ્યા છે. એ બધા દેશના ખૂણેખૂણેથી મધ્ય પ્રદેશના આ નાનકડા શહેર પન્નામાં આવીને પોતાનું નસીબ અજમાવે છે.

અહીં આવતા લોકો માટે હીરો સપનું, જુસ્સો અને નશો તેમજ રાતોરાત જિંદગી બદલવાનું માધ્યમ હોય છે.

પેઢીઓથી હીરાની શોધ

ભારતીય ખાણ બ્યૂરો ભારત સરકારના ખાણ મંત્રાલયનો એક હિસ્સો છે. તેના 2022ના વાર્ષિક અહેવાલ અનુસાર, પન્નામાં દેશના 90 ટકાથી વધુ હીરાનો ભંડાર છે, જેનું પ્રમાણ 28.597 મિલિયન કૅરેટ છે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 380 કિલોમીટર દૂર આવેલા આ શહેરમાં હીરો લોકોની જીવનશૈલી, વાતચીત અને આકાંક્ષાનો અભિન્ન હિસ્સો છે. સવાર થતાંની સાથે જ હજારો લોકો હીરા શોધવા પોતપોતાના ઘરમાંથી નીકળી પડે છે.

અહીં પેઢીઓથી હીરા શોધવાનું કામ કરતા અનેક પરિવારો છે. આવી જ એક વ્યક્તિ 67 વર્ષના પ્રકાશ શર્મા છે. નજીકના લોકો તેમને કક્કૂ નામે પણ ઓળખે છે.

તેમના પિતાએ આજીવન હીરા શોધવાનું કામ કર્યું છે. તેઓ પન્નામાં એક તંબુમાં રહે છે અને રોજ સવારે પોતાના સપના એટલે કે હીરાની શોધમાં નીકળી પડે છે.

આજથી બરાબર 50 વર્ષ પહેલાં તેમને પહેલીવાર હીરો મળ્યો હતો. જૂના દિવસો યાદ કરતાં તેમણે કહ્યું હતું, “મેં 1974માં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. એ દિવસોમાં મને કોઈ પણ વિભાગમાં સારી નોકરી મળી શકી હોત, પણ મારું મન કંઇક અલગ વિચારતું હતું. ઇન્ટર પાસ કર્યાના ઘણા સમય પહેલાં મને પહેલો હીરો મળ્યો હતો. એ લગભગ છ કૅરેટનો હતો અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું હીરા જ શોધીશ.”

પ્રકાશના કહેવા મુજબ, હીરા પ્રત્યેની દિવાનગીને કારણે તેમણે આજીવન લગ્ન કર્યાં નથી. તેઓ હવે તેમના ભાઈઓ તથા તેમના પરિવાર સાથે રહે છે અને સંપૂર્ણપણે હીરાની શોધ પ્રત્યે કટિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું, “આ કામ મારા માટે એક નશા જેવું છે. હું હીરા શોધવાનું કામ ન કરું તો બીમાર હોઉં એવું લાગે છે.”

હીરાએ પલટાવ્યું જીવન

પન્નાની નજીક આવેલા રહુનિયા ગામના રહેવાસી મુલાયમસિંહને 2020માં લગભગ 60 લાખ રૂપિયાના મૂલ્યનો એક હીરો મળ્યો હતો.

આજે મુલાયમસિંહે એક નાનું, પાક્કું મકાન બનાવી લીધું છે. બાળકોના અભ્યાસ અને તબીયતનું સારી રીતે ધ્યાન રાખી શકે છે.

તેમણે કહ્યું હતું, “અમે લોકો બાળપણથી જ હીરાની ખાણોમાં કામ કરીએ છીએ. પિતાજી પણ આ જ કામ કરતા હતા. લાંબા સમય બાદ અમારું નસીબ ચમક્યું હતું. અમે ચાર લોકોએ ભાગીદારીમાં હીરાની ખાણ લીધી હતી. તેમાં જે હીરો મળ્યો, તેના વેચાણમાંથી જે પૈસા મળ્યા તેનો ઉપયોગ અમે મકાન બનાવવા, બાળકોના અભ્યાસ અને ખેતર ખરીદવા માટે કર્યો.”

વર્ષોની વાટ, વર્ષોનો સંઘર્ષ

અલબત, અહીં બધાની કહાણી સ્વામીદીન કે મુલાયમસિંહ જેવી હોતી નથી. ઓડિશાથી આવેલા સુખદેવ વર્ષોથી અહીં હીરાની શોધ કરી રહ્યા છે, પરંતુ તેઓ હીરાની ચમકથી વંચિત છે.

તેમણે કહ્યું હતું, “મેં યૂટ્યૂબ પર એક વીડિયો જોયો હતો, જેમાં પન્ના આવીને નસીબ અજમાવવાની વાત કહેવામાં આવી હતી. હું સામાન બાંધીને અહીં આવી ગયો, પરંતુ મારું નસીબ અત્યાર સુધી ઉઘડ્યું નથી.”

તેમની માફક પન્નાના સિંહપુર વિસ્તારના રહેવાસી અમિત શ્રીવાસ્તવ પણ વર્ષોથી હીરા શોધી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, “અમારે ત્યાં રુંજ નદી છે. તેમાં બહુ હીરા મળે છે. હું તેમાં હીરા શોધું છું. વરસાદના દિવસોમાં અહીં હીરા મળે છે. જોકે, મને હજુ સુધી હીરો મળ્યો નથી, પરંતુ હીરાની લાલચમાં હું અહીં આવું છું.”

શાકભાજી વેચતા રમેશ કુશવાલાના કહેવા મુજબ, રાતોરાત શ્રીમંત બનવાની ઇચ્છામાં તેઓ પણ હીરા શોધી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, “હું વરસાદના દિવસોમાં હીરા શોધું છું અને બાકીના દિવસોમાં શાકભાજી વેચું છું. શાકભાજી વેંચીને કોઈ શ્રીમંત ન બની શકે એટલે હું હીરાની શોધમાં જોતરાયો છું. મારો એક દોસ્ત હીરાનું કામ કરે છે. એટલે મેં હીરા તો અનેક જોયા છે, પરંતુ હજુ સુધી કોઈ હીરો મળ્યો નથી. નસીબમાં હશે તો એક દિવસ હીરો પણ મળી જશે.”

હીરા શોધવા માટે શું કરવું પડે?

સવાલ એ છે કે પન્નામાં હીરા શોધવા માટે શું કરવું પડે?

કોઈ ત્યાં જઈને કાયદેસર હીરા શોધવા ઇચ્છે તો તેણે કઈ પ્રક્રિયાનું પાલન કરવું પડે?

પન્નામાં સ્થિત મઝગવાં ખાણનું સંચાલન સરકાર નિયંત્રિત નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએમડીસી) કરે છે. આ દેશનો એકમાત્ર સંગઠીત હીરા ઉત્પાદન સ્રોત છે.

એ સિવાય પન્નામાં કોઈ પણ વ્યક્તિ 8x8 નો ભૂખંડ ભાડેપટ્ટેથી લઈને ત્યાં કાયદેસર હીરા માટે એક વર્ષ સુધી ખોદકામ કરી શકે છે. એ માટે તેણે વર્ષે માત્ર 200 રૂપિયા ખર્ચવા પડે, પરંતુ તેણે ભૂખંડનો જે હિસ્સો પટ્ટેથી લીધો છે તેમાં હીરા મળી આવે તેની કોઈ ગૅરંટી નથી.

તેથી અનેક લોકો સત્તાવાર પદ્ધતિએ આગળ વધવાથી વેગળા રહે છે.

હીરો મળી આવે પછી શું થાય?

સરકારી પટ્ટે મળેલા ભૂખંડમાંથી કોઈને નિશ્ચિત સમયમાં હીરો મળી જાય તો એ હીરો પન્નામાં સરકાર નિયુક્ત સરકારી ઝવેરી પાસે લઈ જવાનો હોય છે.

ઝવેરી હીરાના રંગ, ચમક, આકાર, દોષ વગેરેને આધારે તેનું મૂલ્યાંકન કરે છે. પછી મૂલ્યાંકનના આધારે તમામ વિગત અને હીરાની અનુમાનિત કિંમત સાથે હીરો મળ્યો હોય તેને એક રસીદ આપવામાં આવે છે. હીરો સરકારી ઝવેરી પાસે જમા કરાવી દેવામાં આવે છે.

એ પછી ઝવેરી તે હીરાની બૅઝ પ્રાઇઝ નક્કી કરે છે અને ત્યાર બાદ હીરાના લિલામની પ્રતિક્ષા શરૂ થાય છે.

પ્રત્યે ત્રણ મહિનામાં હીરાઓની ઉપલબ્ધતાના આધારે હીરા કાર્યાલય ખુલ્લા લિલામનું આયોજન કરે છે, જેમાં દરેક વ્યક્તિ હીરા માટે બોલી લગાવી શકે છે.

સૌથી ઊંચી બોલી લગાવનારને હીરો વેચવામાં આવે છે.

હીરાના લિલામમાંથી થતી કુલ આવકના 12.5 ટકા સરકારી તિજોરીમાં જાય છે અને બાકીનાં નાણાં હીરો શોધનારના ખાતામાં જમા કરવામાં આવે છે.

મોટા પાયે ગેરકાયદે ખનન

જોકે, અત્યાર સુધીની કથા આ પ્રક્રિયાનું એક પાસું છે. તેનાથી વિપરીત પન્નામાં હજારો લોકો પટ્ટા વિનાની સરકારી જમીનમાંથી હીરાની શોધ કરતા જોવા મળે છે.

આ લોકો કોઈ ડર વિના રોજ પોતાના તંબુ, ઝુંપડી કે ઘરેથી નીકળીને હીરો શોધવાના કામમાં જોતરાઈ જાય છે.

ખોદકામ કરતા મોટાભાગના લોકોને હીરા ખનન માટે કોઈ ઔપચારિક તાલીમ મળી નથી.

એ લોકો સામાન્ય રીતે જૂની ખાણોની આસપાસ જ ખાડા ખોદે છે. કાંકરાવાળી માટી સુધી ન પહોંચી જાય ત્યાં સુધી તેઓ ખોદકામ કરતા રહે છે. સ્થાનિક ભાષામાં તેને ‘ચાલ’ કહેવામાં આવે છે.

પછી તેઓ એ ખાડામાં પાણી ભરે છે અને ભીની માટીને બારીક ચાળણીથી ચાળે છે. તેને ધોઈને સૂકવવામાં આવે છે અને ચાળણીમાં એકઠા થયેલા અસંખ્ય પથ્થરોમાંથી હીરા શોધવાની અંતહિન પ્રક્રિયા શરૂ થાય છે.

સ્થાનિક લોકો અને આ પ્રક્રિયા સાથે જોડાયેલા અનેક લોકોએ અમારી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે પન્નાની રુંજ નદીના કિનારે કે ખાલી પડેલી જમીનમાં હજારો લોકો રોજ સવારે પાવડો લઈને ખોદકામ કરતા હોય છે.

આવું ખોદકામ કરતા એક માણસે અમને કહ્યું હતું, “મારા પિતાને દાયકાઓ પહેલાં એક નાનકડો હીરો મળ્યો હતો અને અમે ત્યારથી તેમની કથા સાંભળી છે. તેઓ આજીવન હીરાની શોધ કરતા રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમનું નિધન થયું હતું. હવે તેમના રસ્તે આગળ વધીને હું હીરા શોધવાનું કામ કરું છું.”

એ વ્યક્તિના જણાવ્યા મુજબ, એ ગેરકાયદે રીતે હીરા શોધવાનું કામ કરી રહ્યો છે તે જાણે છે.

ચાળણીમાં એકઠા થયેલા પથ્થરોમાં ક્યા સામાન્ય કાંકરા છે અને ક્યા હીરા છે તેની ખબર કેવી રીતે પડે?

આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું, “તમે હીરો જુઓ કે સ્પર્શો ત્યારે તમારા શરીરમાં કરન્ટની અનુભૂતિ થાય છે. જાણે કે પથ્થર જીવંત થઈ ગયો હોય એવું લાગે. હીરાના દીવાના લોકો તેમાં થાપ ખાતા નથી.”

મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે હીરો કાયદેસર રીતે મળી આવે અને તેનું મૂલ્યાંકન કરાવવા સરકારી ઝવેરી પાસે જઈએ તો તે ઘણીવાર નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે ગુનેગારો તેમના સુધી પહોંચવાનું જોખમ સર્જાય છે.

પૈસા મળે ત્યારે ચોરીનો ડર પણ હોય છે. એટલે લોકો સરકારી પદ્ધતિ અપનાવવાથી ડરે છે.

હીરાના ગેરકાયદે ખરીદ-વેચાણનું કામ કરતી એક વ્યક્તિએ કહ્યું હતું, “પન્નામાંથી મળતા હીરા પૈકીના માત્ર 10-15 ટકા જ હીરા કાર્યાલય સુધી પહોંચે છે. બાકીના ખાનગીમાં વેચવામાં આવે છે. તત્કાળ પૈસા મળે છે અને કરમુક્ત ચૂકવણીનું આકર્ષણ જ કાળા બજારને આકર્ષક બનાવે છે. સરકારી હીરા કાર્યાલયમાં હીરો જમા કરાવીને લિલામ સુધી રાહ જોવી પડે છે. એ પછી જ પૈસા મળે છે.”

સરકારી પટ્ટા વિના હીરા શોધતા લોકોની યાદીમાં અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

ગેરકાયદે ખનન બાબતે સરકાર શું કહે છે?

કેન્દ્ર સરકારના ગરીબીના અલગ-અલગ માપદંડને આધારે તૈયાર કરવામાં આવેલા સૂચકાંક મુજબ પન્ના મધ્ય પ્રદેશના સૌથી પછાત વિસ્તારો પૈકીનો એક છે.

આ વિસ્તાર વ્યાપક ગરીબી, પાણીની અછત અને કુપોષણ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. અહીં બેરોજગારી પણ મોટી સમસ્યા છે અને સ્થાનિક લોકો હીરા ખનન, મજૂરી અને ખેતી પર નિર્ભર છે.

હીરાના ખોદકામમાં મોટાભાગે પુરુષો જ હોય છે. મહિલાઓ પણ ખાણમાં મજૂરીનું કામ કરે છે. અલબત, અહીં કામ કરવાની પરિસ્થિતિ બહુ સારી નથી.

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ, પન્નાનાં 23.2 ટકા બાળકો કુપોષણથી ગ્રસ્ત છે અને 15થી 49 વર્ષની 59 ટકા મહિલાઓમાં લોહીની ઉણપ છે.

પર્યાવરણ પણ મોટી ચિંતા

પન્નામાં સતત ચાલતા ખનને પર્યાવરણવિદોની ચિંતા પણ વધારી છે.

સરકાર પર સતત દબાણ છે કે તે હીરાના ખનનને નિયંત્રિત કરે, જેથી તેને કારણે પર્યાવરણ પર થતી માઠી અસરને રોકી શકાય. ચિંતાનું કારણ અહીંનું પન્ના વાઘ અભયારણ્ય પણ છે. તેમાં અત્યારે લગભગ 50 વાઘ છે.

આ અભયારણ્યને પર્યાવરણની દૃષ્ટિએ સલામત બનાવવા માટે ખનન પ્રક્રિયાને મર્યાદિત કરવાનું દબાણ પણ સરકાર પર છે.

અહીં પરવાનગી વિના ખનન કરવા પર પ્રતિબંધ અને દંડની જોગવાઈ છે.

વર્ષોથી હીરા શોધી રહેલા એવા લોકો પણ છે, જેમના માટે હવે આ કામ પૈસા કમાવા અને જિંદગી બદલવાથી આગળની બાબત બની ગયું છે.

તેમના માટે આ કામ તેમની દિનચર્યાનો હિસ્સો બની ગયું છે. જમના પાલ, અમિત શ્રીવાસ્તવ અને પ્રકાશ શર્મા જેવા અનેક લોકો આગલી સવારે હીરાની શોધમાં પોતપોતાના ઘરેથી નીકળી પડશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.